<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

“શિક્ષણ વ્યવસ્થા સુધારવાની આ તો માત્ર શરૂઆત છે, શાબાશ યુવાનો!”: શિક્ષણ મંત્રીના રાજીનામા પર રાહુલ ગાંધીનો આક્રમક પ્રહાર

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓની મોટી જીત ગણાવી: વડાપ્રધાન મોદી માફી માંગે અને હિંસા કરનારા સામે કડક પગલાં લેવાય તેવી ઉચ્ચારી માંગ

નવી દિલ્હી : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના અચાનક આપેલા રાજીનામા બાદ દેશના રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. આ ઘટનાક્રમ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તીખી પ્રતિક્રિયા આપતા આ રાજીનામાને દેશની તૂટી ગયેલી શિક્ષણ વ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવાની દિશામાં એક મોટું પગલું ગણાવ્યું છે. તેમણે રસ્તા પર ઉતરીને પોતાના હક અને ભવિષ્ય માટે લડનારા દેશના તમામ વિદ્યાર્થીઓ અને યુવાનોને ખુલ્લેઆમ અભિનંદન પાઠવ્યા છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને દેશભરના યુવાનોના વખાણ કર્યા હતા. તેમણે લખ્યું, "ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપણી એજ્યુકેશન સિસ્ટમને સુધારવાની દિશામાં એક મોટું અને મજબૂત પગલું છે. દેશભરના વિદ્યાર્થીઓ પર મને ગર્વ છે! રસ્તા પર ઊતરીને લોકશાહી, સંવિધાન અને પોતાના ઉજ્જવળ ભવિષ્યની રક્ષા માટે અડગ રહી વિરોધ કરનારા દરેક યુવાન અને વિદ્યાર્થીને મારી સલામ છે."

વધુમાં રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર શિક્ષણ મંત્રીનું રાજીનામું જ પૂરતું નથી, હજુ પણ બે મુખ્ય માંગણીઓ અધૂરી છે. તેમણે માગ કરી છે કે દેશના લાખો વિદ્યાર્થીઓ અને ભારતના ભવિષ્ય પ્રત્યે આદર રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં માફી માગવી જોઈએ. આ ઉપરાંત, આંદોલન કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર થયેલા નિર્દયી લાઠીચાર્જ અને હિંસા માટે જવાબદાર અધિકારીઓ સામે ત્વરિત અને કડક પગલાં લેવા જોઈએ.

દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનને કોંગ્રેસ પક્ષે પૂર્ણ સમર્થન આપ્યું હતું. રાહુલ ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ વિદ્યાર્થીઓ સાથે મળીને શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે વડાપ્રધાન નિવાસસ્થાન બહાર ધરણાં પણ કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચારના પ્રતીક બની ગયા હતા, તેથી તેમનું પદ પરથી હટવું અનિવાર્ય હતું.

બીજી તરફ, વડાપ્રધાનને સુપરત કરેલા બે પાનાના રાજીનામા પત્રમાં ધર્મેન્દ્ર પ્રધાને લખ્યું હતું કે, છેલ્લા દસ દિવસની ઘટનાઓથી તેઓ અત્યંત દુઃખી થયા છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ ચાર દાયકાથી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને દેશના યુવાનોની લાગણીઓ અને આકાંક્ષાઓનું ખૂબ સન્માન કરે છે. તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપીને દેશની સેવા કરવાની તક આપવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો.

રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ ઘટના વર્તમાન સરકાર માટે એક મોટી ચેતવણી છે. તેમણે યુવાનોને કોઈનાથી પણ ન ડરવાની વિનંતી કરી છે અને ચીમકી આપી છે કે સંસદનું સત્ર શરૂ થતાં જ વિપક્ષ વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચાર અને લાઠીચાર્જનો મુદ્દો ગૃહમાં આક્રમક રીતે ઉઠાવશે.

(10:20 PM IST)