તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
આ રાહુલ ગાંધીની સેના છે, અમે અટકીશું નહીં": જંતર-મંતર પર વિપક્ષી સાંસદો અને દિલ્હી પોલીસ વચ્ચે અથડામણ
જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિપક્ષનો હોબાળો: મહુઆ મોઇત્રાનો પોલીસ પર લાઠીચાર્જનો આરોપ અને અનેક સાંસદોની અટકાયત

નવી દિલ્હી : પાટનગર દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધન અને દિલ્હી પોલીસ વચ્ચેનો સંગ્રામ અત્યંત ઉગ્ર બન્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા, એસઆઈઆર અને મત ચોરીના ગંભીર આરોપો સાથે જંતર-મંતર તરફ કૂચ કરી રહેલા વિપક્ષી સાંસદોને પોલીસે ૧૦૦ મીટર પહેલાં જ રોકી દેતાં જબરદસ્ત હંગામો મચ્યો હતો. પોલીસે અટકાવતા જ કોંગ્રેસ સાંસદ અમરિંદર સિંહ રાજા વારિંગે આક્રમક વલણ અપનાવતા કહ્યું હતું કે, "આ રાહુલ ગાંધીની 'સેના' છે, અમે કોઈના રોકવાથી અટકીશું નહીં." પોલીસે વિપક્ષી નેતાઓને સ્પષ્ટ કરી દીધું હતું કે જંતર-મંતર પર કોઈપણ પ્રદર્શન માટે ઓછામાં ઓછા ૧૦ દિવસ અગાઉ પરવાનગી લેવી ફરજિયાત છે.
આ વિરોધ પ્રદર્શનની યોજના કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા દિલ્હીના જનપથ સ્થિત એક રેસ્ટોરન્ટમાં વિપક્ષી સાંસદો માટે યોજાયેલા લંચ બાદ ઘડાઈ હતી. રેસ્ટોરન્ટની બહાર પત્રકારો સાથે વાત કરતા મલ્લિકાર્જુન ખડગેએ આહ્વાન કર્યું હતું કે, "અમે જંતર-મંતર પર ધરણા કરવા જઈ રહ્યા છીએ અને જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આ આંદોલન અને વિરોધ પ્રદર્શન સતત ચાલુ રહેશે." ઉલ્લેખનીય છે કે, ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી દ્વારા છેલ્લા ૧૦ મહિનામાં ૧૪ વખત નિર્ણયો સામે ઉઠાવાયેલા વાંધા અંગેના મીડિયા અહેવાલ બાદ વિપક્ષે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા માટે મોરચો ખોલ્યો છે. જોકે, ચૂંટણી પંચે આ મામલે સ્પષ્ટતા કરી છે કે બહુ-સભ્ય સંસ્થામાં મતભેદ સામાન્ય છે અને તમામ નિર્ણયો સર્વાનુમતે લેવાયા હતા.
બસો રોકાતાં જંતર-મંતર નજીક હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અનેક મહિલા સાંસદો વિરોધ દર્શાવવા માટે રસ્તા પર જ બેસી ગયા હતા. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ દિલ્હી પોલીસ પર ક્રૂરતા અને લાઠીચાર્જનો સનસનાટીભર્યો આરોપ લગાવતા કહ્યું કે, "શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા સાંસદો સાથે દિલ્હી પોલીસ બર્બરતાથી વર્તી રહી છે. આખરે સાંસદોને જંતર-મંતર જતાં રોકવા પાછળ પોલીસનો હેતુ શું છે?" દિલ્હી પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે વિપક્ષી સાંસદો અને કાર્યકરોને ભરેલી બસોને અટકાવીને અનેક નેતાઓની અટકાયત કરી હતી.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
