તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
મેગી-ચા વેચીને આ વ્યક્તિ રોજ કમાય છે ૧૪,૦૦૦ રૂપિયા
હાડ થીજવતી ઠંડી અને ૧૩,૦૫૦ ફૂટની ઊંચાઈ! મહેનત અને હિંમતના જોરે એક દુકાનદાર ઓફ-સીઝનમાં પણ દર મહિને લાખો રૂપિયાનું વેચાણ કરી રહ્યો છે : આ વ્યક્તિએ સાબિત કરી દીધું છે કે દુનિયામાં કોઈ કામ નાનું નથી હોતું: મેગી-ચાના સ્ટોલથી મહિને લાખોનું ટર્નઓવર

નવી દિલ્હી,તા.૨: બરફની સફેદ ચાદર, હાડ થીજવતી ઠંડી અને ગરમાગરમ મેગી સાથે ચાની ચુસ્કી. પહાડોની મુસાફરી દરમિયાન આ સૌથી સુંદર અનુભવ હોય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે હિમાચલ અને કાશ્મીરની ખીણોમાં રસ્તાના કિનારે તંબુ બાંધીને મેગી અને ચા બનાવતા આ નાના દુકાનદારો કેટલી કમાણી કરતા હશે? હિમાચલ પ્રદેશના જાણીતા રોહતાંગ પાસ પર ૧૩,૦૫૦ ફૂટની ઊંચાઈએ મેગી વેચતા એક દુકાનદારે પોતાની રોજની જે કમાણી જણાવી છે, તેણે ઇન્ટરનેટ પર ચર્ચા જગાવી છે. ખાસ વાત એ છે કે દુકાનદારે આ કમાણી પ્રવાસીઓની સૌથી વધુ ભીડ રહેતી મોસમની નહીં, પરંતુ મંદી ગણાતી ઓફ-સીઝનની જણાવી છે.
કન્ટેન્ટ ક્રિએટર હર્ષ ચૌહાણે રોહતાંગ પાસના આ દુકાનદારના વ્યવસાય અને કમાણી વિશે માહિતી આપી છે. ચૌહાણે જણાવ્યું કે જ્યારે તેમણે મેગી અને ચાનો સ્ટોલ ચલાવતા વ્યક્તિને રોજની કમાણી વિશે પૂછ્યું, ત્યારે પહેલાં તો તેણે જવાબ આપવાનું ટાળ્યું, પરંતુ પછી જણાવ્યું કે તે રોજ ચા અને મેગી વેચીને આશરે રૂ.૧૪,૦૦૦ કમાઈ લે છે. દુકાનદારે હસતાં-હસતાં કહ્યું, ‘‘હાલમાં તો ઓફ-સીઝન ચાલી રહી છે બાબુજી, એટલે વધારે કામ નથી અને કમાણી પણ ઘણી ઓછી થાય છે.''
દુકાનદારે પોતાના રોજના વેચાણની વિગતો આપતાં જણાવ્યું કે ઓફ-સીઝનમાં પણ તે દરરોજ આશરે ૬૦થી ૭૦ પ્લેટ મેગી અને લગભગ ૨૦૦ કપ ચા સરળતાથી વેચી લે છે. આ ઉપરાંત કેટલાક ગ્રાહકો ઓમલેટ અથવા બાફેલા ઈંડાંનો ઓર્ડર પણ આપે છે. તે મેગીની એક પ્લેટ રૂ.૧૦૦માં વેચે છે. આ રીતે દરરોજ ૬૦થી ૭૦ પ્લેટ વેચીને તે રૂ.૬,૦૦૦થી રૂ.૭,૦૦૦ કમાય છે. ચાનો ભાવ પ્રતિ કપ રૂ.૪૦ છે. આ હિસાબે ૨૦૦ કપ ચા વેચીને તે દરરોજ રૂ.૮,૦૦૦ કમાઈ લે છે.
એટલે કે જે ઓફ-સીઝનમાં દુકાનદાર પોતાની કમાણીને 'મંદી' ગણાવી રહ્યો હતો, એ દરમિયાન પણ તે મહિનામાં રૂ.૪ લાખથી વધુનું કુલ વેચાણ કરી રહ્યો છે. ઉનાળાની સૌથી વધુ પ્રવાસીઓની ભીડ રહેતી મોસમમાં જ્યારે પ્રવાસીઓનો ધસારો થતો હશે, ત્યારે આ નાનકડી દુકાનમાં કેટલી કમાણી થતી હશે, તેનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે.
હર્ષ ચૌહાણે આ વાતચીતનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું કે ઘણીવાર લોકો રસ્તાના કિનારે લારી કે સ્ટોલ લગાવવામાં ખચકાટ અનુભવે છે. તેમને લાગે છે કે ચા કે મેગી જેવી સામાન્ય વસ્તુઓ વેચીને મોટી કમાણી કરી શકાતી નથી, પરંતુ રોહતાંગના આ દુકાનદારની કહાની સાબિત કરે છે કે જો તમારી દુકાનનું સ્થળ યોગ્ય હોય અને તમે ગ્રાહકોની જરૂરિયાત સમજો, તો કોઈ શાનદાર કેફે કે મોંઘી સજાવટ વિના પણ એક નાનકડી દુકાન લાખો રૂપિયાનું ટર્નઓવર કરી શકે છે.
સોશિયલ મીડિયા પર એક તરફ લોકો રોજના રૂ.૧૪,૦૦૦ના વેચાણના આંકડા જોઈને આヘર્યચકિત થઈ ગયા, તો બીજી તરફ ઘણા યુઝર્સે આ કમાણી પાછળ છુપાયેલી ભારે મહેનત તરફ પણ ધ્યાન દોર્યું છે. એક યુઝરે લખ્યું કે આ આંકડો માત્ર કુલ વેચાણ છે, ચોખ્ખો નફો નથી. ૧૩,૦૫૦ ફૂટની ઊંચાઈએ અને શૂન્યથી નીચેના તાપમાનમાં દુકાન ચલાવવી એ જીવ જોખમમાં મૂકવા જેવું છે. મનાલીથી રોહતાંગ સુધી કાચો માલ, પાણી અને ગેસ સિલિન્ડર પહોંચાડવામાં જ હજારો રૂપિયાનો પરિવહન ખર્ચ થાય છે. તેજ પવનને કારણે ગેસનો વપરાશ બમણો થઈ જાય છે. હાડ થીજાવતી ઠંડીમાં વહેલી સવારે પાણીની વ્યવસ્થા કરવી અને પ્રવાસીઓ માટે ભોજન બનાવવું પણ ખૂબ જ મહેનતભર્યું કામ છે.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
