News of Wednesday, 25th November 2026
આ તો મોટો કલાકાર નીકળ્યોઃ એક બે નહીં ૧૫ છોકરીઓ સાથે લગ્ન કર્યા
૫ હોટલનો માલિક હોવાનું કહી જાળમાં ફસાવતોઃ અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલ કરતો હતો : આરોપી મેટ્રોમોનિયલ સાઈટ દ્વારા યુવતીના સંપર્કમાં આવતો

ગાજિયાબાદ તા.૨૫: યૂપીના ગાજિયાબાદમાંથી છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ૩૫ વર્ષના નરેન્દ્ર શર્માએ ૧૫ મહિલા સાથે લગ્ન કર્યા હતા. બાદમાં તેમને અશ્લીલ વીડિયો બનાવી તેમને બ્લેકમેલ કરતો હતો. એક મહિલા પાસેથી લગભગ ૧૮ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આરોપીએ ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્રની કેટલીય યુવતીઓને પોતાની જાળમાં ફસાવી હતી. તેણે લગ્ન કર્યા. મેરઠની એક યુવતીની ફરિયાદ પર આખો મામલો સામે આવ્યો હતો. પોલીસે આરોપી નરેન્દ્રની ધરપકડ કરી તેને જેલમાં મોકલી દીધો છે.
આરોપી મેટ્રોમોનિયલ સાઈટ દ્વારા યુવતીના સંપર્કમાં આવતો હતો. ગાજિયાબાદ કોર્ટમાં હાજરી દરમ્યાન એક પીડિતા મેરઠના જાની વિસ્તારમાંથી આવી અને પોતાની આપબીતી જણાવી હતી. પીડિતાના જણાવ્યા અનુસાર, તે હાલમાં ગાજિયાબાદના નંદગ્રામ વિસ્તારમાં રહે છે. મેં મેટ્રોમોનિયલ એપ પરથી લગ્ન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ દરમ્યાન મુંબઈની રુનવાલ પાર્ક સિધી સોસાયટીના રહેવાસી નરેન્દ્ર સાથે પરિચય થયો. જુલાઈ ૨૦૨૫માં નરેન્દ્ર પરિવારને મળવા મેરઠ આવ્યો. પીડિતાનો પરિવાર જાળમાં ફસાઈ ગયો. બીએડ પાસ પીડિતાએ જણાવ્યું કે, નરેન્દ્રએ એવો દાવો કર્યો હતો કે ગોવામાં તેનો પોતાનો રિઝોર્ટ છે. ખાટૂ શ્યામમાં ૫ હોટલ છે. લગ્ન બાદ બંને ગાજિયાબાદમાં રહેવાના છે. પીડિતાનો આરોપ છે કે નરેન્દ્રએ લગ્ન બાદ તેને એક મહિના સુધી ફલેટમાં રાખી. પછી શેર ટ્રેડિગના નામ પર ૧૮ લાખ રૂપિયા ઓનલાઈન અકાઉન્ટમાં ટ્રાંસફર કરાવી લીધા. આ દરમ્યાન તેની હરકતો પર શંકા ગઈ તો જાણવા મળ્યું કે નરેન્દ્ર તો બીજી છોકરીઓ સાથે પણ સંપર્કમાં હતો. બાદમાં ખબર પડી કે નરેન્દ્રએ દિલ્હીમાં કોઈ બીજી છોકરી રાખેલી છે. તેની સાથે લગ્ન પણ કરેલા છે. તેને ગુરુગ્રામમાં એક ફલેટ ભાડે રાખેલો હતો.
પીડિતાનું કહેવું છે કે તે નરેન્દ્રની અસલી હકીકત જાણવા માટે મુંબઈ તેના ઘરે પહોંચી ગઈ. ત્યાં નરેન્દ્રના પિતા બ્રહ્મપ્રકાશે જણાવ્યું કે, તેને તો સંપત્તિમાંથી બેદખલ કરી દીધો છે. અહીંથી પીડિતાને ખબર પડી કે નરેન્દ્રે કેટલાય લગ્ન કરેલા છે. નરેન્દ્રએ પીડિતાના કેટલાય અશ્લીલ વીડિયો પણ બનાવ્યા છે. મારપીટ પણ કરી. પીડિતાએ ૨૧ મે ૨૦૨૪ના રોજ નંદગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પીડિતાએ પોલીસને નરેન્દ્રએ ૧૫ લગ્ન કર્યા હોવાના ફોટો સાથે પુરાવા આપ્યા. પોલીસ હવે નરેન્દ્રનો ગુનાહિત રેકોર્ડ ખંગાળી રહી છે. નંદગ્રામ એસએચઓ સંતોષ ત્રિપાઠીએ જણાવ્યું કે, આરોપી યુવકની ધરપકડ કરી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. અન્ય છોકરીઓના આરોપોની પણ તપાસ થઈ રહી છે.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
