<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

‘આ તો બસ એક ટ્રેલર હતું, આખી ફિલ્મ બાકી છે!’: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પણ રવિવારે મુંબઈમાં ઠાકરે બંધુઓ કરશે મહા-માર્ચ!

શિવસેના (UBT) અને MNS એક મંચ પર: ઉદ્ધવ અને રાજ ઠાકરેએ NEET વિરોધીઓની જીત વધાવી, કાલે શિવાજી પાર્કથી સિદ્ધિવિનાયક સુધી યોજાશે વિજય માર્ચ

મુંબઈ : કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશભરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં એક અભૂતપૂર્વ અને મોટો ધમાકો જોવા મળ્યો છે. શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરેએ એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને NEET વિરોધી વિદ્યાર્થી આંદોલનના નેતા અભિજીત દિપક અને દેશના તમામ યુવાનોની નિર્ભયતા અને હિંમતની મુક્ત મને પ્રશંસા કરી હતી. શિક્ષણ મંત્રીએ પદ છોડી દીધું હોવા છતાં, બંને ઠાકરે બંધુઓએ સ્પષ્ટ ઘોષણા કરી છે કે રવિવાર, 26 જુલાઈના રોજ મુંબઈમાં થનારી મહા-માર્ચ પોતાના નિર્ધારિત સમયે જ યોજાશે.
મીડિયાને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ દેશના વહેતા રાજકીય પ્રવાહ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, "છેલ્લા 12 વર્ષથી દેશની જનતા અને યુવાનો સતત દબાણ હેઠળ જીવી રહ્યા છે. એકજૂથ થયેલા યુવાનો શું કરી શકે છે તે આખા દેશે જોઈ લીધું છે. આ તો ફક્ત એક ટ્રેલર હતું!" જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે મંત્રીના રાજીનામા પછી પણ કૂચ કેમ? ત્યારે તેમણે સ્પષ્ટતા કરી કે આ કૂચ હવે કોઈ વિરોધ નથી, પરંતુ યુવા શક્તિના સંઘર્ષ અને ઐતિહાસિક વિજયની ભવ્ય ઉજવણી છે. લોકોનો આટલા વર્ષોનો એકત્રિત થયેલો આક્રોશ હવે રસ્તાઓ પર વિજયના રૂપમાં બહાર આવી રહ્યો છે.
બીજી તરફ MNS વડા રાજ ઠાકરેએ પ્રધાનના રાજીનામાને વિદ્યાર્થી આંદોલન માટે "અભૂતપૂર્વ વિજય" ગણાવ્યો હતો. તેમણે જાહેરાત કરી હતી કે રવિવારે સવારે 10 વાગ્યે દાદરના ઐતિહાસિક શિવાજી પાર્કથી લઈને પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર સુધી વિજય માર્ચ યોજાશે. રાજ ઠાકરેએ ઉમેર્યું કે, "આપણને પહેલેથી જ અંદાજ હતો કે યુવાનોનો ગુસ્સો આખરે પ્રધાનથી વધીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચશે. અભિજીત દિપક અને વિદ્યાર્થીઓનો આગળનો જે પણ નિર્ણય હશે, મનસે અને શિવસેના (UBT) તેમની પાછળ ખડકની જેમ મજબૂતીથી ઊભા રહેશે."
આદિત્ય ઠાકરેએ પણ આ મુદ્દે ઉમેર્યું હતું કે રવિવારે સવારે આખા મુંબઈના યુવાનો શિવાજી પાર્કમાં જીતની ઉજવણી કરવા માટે એકઠા થશે. જોકે, તેમણે તંત્ર સામે આકરો સવાલ પણ દાગ્યો હતો કે "શિક્ષણ મંત્રીનું રાજીનામું તો આવી ગયું અને આપણે જીતી પણ ગયા, પરંતુ આંદોલન દરમિયાન નિર્દોષ વિદ્યાર્થીઓ પર નિર્દયતાથી લાઠીચાર્જ કેમ કરવામાં આવ્યો?" આ સવાલ સાથે ઠાકરે સેનાએ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચાર સામે પણ લડત ચાલુ રાખવાની સ્પષ્ટ ચીમકી આપી છે.

(7:38 PM IST)