<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

ટ્રેનો પર પથ્થરમારો અને તોડફોડ કરનારાઓ પર હવે રખાશે નજર: પૂર્વ તટ રેલવે દ્વારા ૧૧ અત્યાધુનિક 'ડ્રોક આઇ' તૈનાત

૨૮૪ સ્ટેશનો અને ૨,૭૦૮ કિમી રૂટ પર ૨૪ કલાક હાઇ-ટેક સર્વેલન્સ: માર્ચ ૨૦૨૭ સુધીમાં ડ્રોનની સંખ્યા વધીને ૨૨ થશે

ભુવનેશ્વર:  ભારતીય રેલવેમાં ટ્રેનો પર પથ્થરમારો, માલસામાન તથા કેબલની ચોરી અને ટ્રેક પર ગેરકાયદેસર ઘૂસણખોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે રેલવે સુરક્ષા દળ દ્વારા એક અત્યાધુનિક હાઇ-ટેક સોલ્યુશન અમલમાં મૂકવામાં આવ્યું છે. પૂર્વ તટ રેલવે દ્વારા સંવેદનશીલ રેલવે ટ્રેક, યાર્ડ્સ અને સ્ટેશનોનું આકાશમાંથી નિરીક્ષણ કરવા માટે આધુનિક ડ્રોન સર્વેલન્સ સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે. આ સુરક્ષા વ્યવસ્થાને "Drok Eye - Observation, Detection, Prevention" નામ આપવામાં આવ્યું છે.

આ ડ્રોન ટેકનોલોજી માત્ર ગુના અટકાવવામાં જ નહીં પરંતુ રેલવે સ્ટેશનો પર ભીડ વ્યવસ્થાપન અને મુસાફરોની સુરક્ષામાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. એક ડ્રોન ટીમ ૮ થી ૧૦ કિલોમીટરના વિસ્તારનું લાઈવ સર્વેલન્સ કરવાની ક્ષમતા ધરાવે છે.


રેલવે મંત્રાલયના નિર્દેશો હેઠળ, પૂર્વ તટ રેલવેએ ૨૮૪ સ્ટેશનો, ૨,૭૦૮ રૂટ કિલોમીટર અને ૬,૦૭૨ ટ્રેક કિલોમીટરના વિશાળ વિસ્તાર પર ૧૧ હાઇ-ટેક ડ્રોન તૈનાત કર્યા છે. આ ડ્રોન્સને ઓપરેટ કરવા માટે ૧૬૦ DGCA-પ્રમાણિત  પાઇલટ્સની ટીમ તૈયાર કરવામાં આવી છે.

 

સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવાના ભાગરૂપે પૂર્વ તટ રેલવે માર્ચ ૨૦૨૭ સુધીમાં આ ડ્રોનની સંખ્યા ૧૧ થી વધારીને ૨૨ કરવાની યોજના ધરાવે છે.

૧ જાન્યુઆરીથી ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ ની વચ્ચે, RPF દ્વારા ત્રણેય ડિવિઝનમાં કુલ ૩,૦૩૩ ડ્રોન સર્વેલન્સ ફ્લાઇટ્સ યોજવામાં આવી હતી. આમાંથી ૧,૨૬૫ કામગીરી અત્યંત સંવેદનશીલ શ્રેણી હેઠળ કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ તોડફોડ, પથ્થરમારો, કેબલ ચોરી અને આગચંપી જેવી ઘટનાઓ પર તાત્કાલિક કાબૂ મેળવવાનો હતો.

આ ડ્રોન્સ અત્યાધુનિક નાઇટ વિઝન અને થર્મલ કેમેરાથી સજ્જ છે, જે ઘનઘોર જંગલો, ટનલ, પર્વતીય વિસ્તારો અને કોરાપુટ-રાયગડા-કિરાન્ડુલ જેવા અંતરિયાળ રેલવે માર્ગો પર રાત્રિના અંધારામાં પણ શંકાસ્પદ ગતિવિધિઓને સચોટ રીતે ઝડપી લે છે. આ ડ્રોન્સે પુરી રથયાત્રા ૨૦૨૬ દરમિયાન ભીડ નિયંત્રણમાં અને "મેરી સહેલી" અભિયાન હેઠળ મહિલા મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પણ ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.

(6:43 PM IST)