<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

દિલજીત દોસાંઝના નિવાસસ્‍થાને બોમ્‍બથી ઉડાડી દેવાની ધમકી

લુધિયાણાના મેયરના ઘરને પણ બોમ્‍બની ધમકી મળી છે પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે

લુધિયાણા તા.૨૫: પંજાબી ગાયક દિલજીત દોસાંજ અને લુધિયાણા ના મેયર પ્રિન્‍સિપલ ઇન્‍દરજીત કૌર ના ઘરને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર મચી ગઈ છે. સોમવારે લુધિયાણાના મ્‍યુનિસિપલ કમિશનર ને એક અજ્ઞાત ઈમેલ મળ્‍યો હતો, જેમાં આ બંને જાણીતી હસ્‍તીઓના નિવાસસ્‍થાન પર હુમલો કરવાની વાત કહેવામાં આવી છે. આ ઈમેલ મળ્‍યા બાદ પોલીસ તંત્રએ તપાસ હાથ ધરી છે.

પંજાબી ગાયક દિલજીત દોસાંજ (Diljit Dosanjh Bomb Threat) અને લુધિયાણાના મેયર પ્રિન્‍સિપલ ઇન્‍દરજીત કૌરના ઘરને બોમ્‍બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતાં સુરક્ષા એજન્‍સીઓ દોડતી થઈ ગઈ છે. સોમવારે સવારે ૭.૨૮ વાગ્‍યે લુધિયાણા મ્‍યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરના સત્તાવાર સરકારી ઈમેલ આઈડી પર એક ધમકીભર્યો પત્ર મોકલવામાં આવ્‍યો હતો.

આ ઈમેલમાં સ્‍પષ્ટપણે લખવામાં આવ્‍યું છે કે, દિલજીત દોસાંજ અને મેયરના ઘર પર બોમ્‍બ બ્‍લાસ્‍ટ કરવામાં આવશે. ધમકી આપનારે મેયરના ઘર પર બપોરે ૧.૧૧ વાગ્‍યે વિસ્‍ફોટ કરવાની ચેતવણી આપી છે, જ્‍યારે દિલજીત દોસાંજના ગામમાં આવેલા ઘર પર આગામી ૬ જૂન સુધીમાં રાત્રે ૯.૧૧ વાગ્‍યે બ્‍લાસ્‍ટ કરવાની ધમકી આપી છે.

અહેવાલો મુજબ, આ ઈમેલનું સબ્‍જેક્‍ટ લાઈન B0mb Blast - Mayor Office Ludhiana! (બોમ્‍બ બ્‍લાસ્‍ટ - મેયર ઓફિસ લુધિયાણા!) લખેલું હતું.

આ મોકલાયેલા ઈમેલમાં ખાલિસ્‍તાન નેશનલ આર્મી (Khalistan National Army), એન્‍જાિનિયર ગુરનખ સિહ, રુકન શાહવાલ, ડોક્‍ટર ગુરનિવૈર સિહ અને ખાન રઝાદાના નામનો ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો છે. આ સનસનાટીભર્યા ધમકીભર્યા ઈમેલ આવ્‍યા બાદ વહીવટી તંત્ર તાત્‍કાલિક એક્‍શનમાં આવ્‍યું છે અને મેયર કેમ્‍પ ઓફિસ ખાતે સુરક્ષા વ્‍યવસ્‍થા અત્‍યંત કડક કરી દેવામાં આવી છે.

આ ઘટના સામે આવ્‍યા બાદ પ્રશાસને ઈમેલ મોકલનારનું આઈપી (IP) એડ્રેસ ટ્રેસ કરવા અને તેની ઓળખ કરવા માટે તાત્‍કાલિક સઘન તપાસ શરૂ કરી દીધી છે. આ ગંભીર સુરક્ષા ચિતાઓને ધ્‍યાનમાં રાખીને મેયર ઓફિસ તેમજ અન્‍ય સંવેદનશીલ સ્‍થળોની આસપાસ સુરક્ષા વ્‍યવસ્‍થા વધુ કડક કરવામાં આવે તેવી સંભાવના છે.

જો કે આ મામલે અત્‍યાર સુધી કોઈ વિસ્‍ફોટક કે શંકાસ્‍પદ વસ્‍તુ મળી આવી નથી, તેમ છતાં ઈમેલમાં જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે અને જે સંદર્ભો આપવામાં આવ્‍યા છે તેના કારણે સત્તાવાળાઓ આ ધમકીને અત્‍યંત ગંભીરતાથી લઈ રહ્યા છે. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્‍યું છે કે, આ ઈમેલ સાંપ્રદાયિક અને અલગતાવાદી સંદેશાઓ દ્વારા લોકોમાં ગભરાટ પેદા કરવા અને લાઈમલાઈટ (ધ્‍યાન આકર્ષિત) મેળવવાના હેતુથી મોકલવામાં આવ્‍યો હોઈ શકે છે.

(3:02 PM IST)