News of Friday, 24th July 2026
દેશની સુરક્ષા સામે જોખમ: કેન્દ્ર સરકારે GitHub ને બ્લૂટૂથ આધારિત ‘Bitchat’ એપ તાત્કાલિક બંધ કરવા આપ્યો આદેશ
રાષ્ટ્રવિરોધી તત્વો અને આતંકવાદીઓ કાયદાકીય દેખરેખથી બચવા અનામી ઑફલાઇન એપનો ઉપયોગ કરી રહ્યા હોવાની આશંકા; જંતર-મંતર વિરોધ પ્રદર્શનમાં ઉપયોગ બાદ I4C એ લીધા કડક પગલાં

નવી દિલ્હી : દેશની સુરક્ષા અને અખંડિતતા સામે મોટા જોખમની આશંકા વ્યક્ત કરતા કેન્દ્ર સરકારના ‘ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર’ (I4C) એ માઈક્રોસોફ્ટની માલિકીના પ્લેટફોર્મ GitHub ને બ્લૂટૂથ આધારિત મેસેજિંગ એન્જીન/એપ ‘બિટચેટ’ (Bitchat) ને તાત્કાલિક દૂર કરવાનો કડક નિર્દેશ આપ્યો છે. ટ્વિટરના ભૂતપૂર્વ સીઈઓ જેક ડોર્સી દ્વારા વિકસાવવામાં આવેલી આ ઓફલાઈન એપનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી તત્વો, આતંકવાદીઓ અને સંગઠિત ગુનાહિત ગેંગ દ્વારા કાયદેસરની તપાસથી બચવા માટે થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.
ઇન્ટરનેટ વગર ચાલતી એપ શા માટે બની સુરક્ષા જોખમ?
I4C દ્વારા GitHub ને પાઠવવામાં આવેલી નોટિસ અનુસાર, ‘બિટચેટ’ એપ સેન્ટ્રલાઇઝ્ડ સર્વર્સ, મોબાઇલ નેટવર્ક કે ઇન્ટરનેટ કનેક્શન વગર માત્ર બ્લૂટૂથ મેશ નેટવર્ક (Bluetooth Mesh Network) પર વિકેન્દ્રિત રીતે કામ કરે છે.
• ફરજિયાત રજિસ્ટ્રેશનનો અભાવ: આ એપમાં મોબાઈલ નંબર વેરીફિકેશન, યૂઝર રજિસ્ટ્રેશન કે મેસેજના સેન્ટ્રલ લોગિંગ જેવી કોઈ વ્યવસ્થા નથી, જેનાથી યુઝર સંપૂર્ણ અનામી (Anonymous) રહે છે.
• તપાસ એજન્સીઓ માટે પડકાર: સર્વર કે કન્વર્ઝેશન રેકોર્ડ્સ ન હોવાથી કાયદા અમલીકરણ એજન્સીઓ માટે મેસેજ મોકલનારની ઓળખ કરવી કે ડિજિટલ ટ્રેસ મેળવવો અશક્ય બની જાય છે.
જંતર-મંતર પર ઇન્ટરનેટ બ્લેકઆઉટ દરમિયાન થયો ઉપયોગ
દિલ્હીના જંતર-મંતર ખાતે NEET પેપર લીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન સ્થળે સાવચેતીના ભાગરૂપે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન અનેક પ્રદર્શનકારીઓ દ્વારા એકબીજા સાથે સંપર્કમાં રહેવા અને વિરોધનું સંકલન કરવા માટે બિટચેટ જેવી ઓફલાઈન મેસેજિંગ એપ્સનો વ્યાપક ઉપયોગ થતો જોવા મળ્યો હતો.
સરકારી એજન્સીઓના ગુપ્તચર ઇનપુટ્સ અનુસાર, આવા ઑફલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ હિંસક પ્રદર્શનો, ગેરકાયદેસર સભાઓ, અફવાઓ ફેલાવવા અને રમખાણોનું ષડયંત્ર રચવા માટે થઈ શકે છે, જે દેશની જાહેર શાંતિ માટે ઘાતક સાબિત થઈ શકે છે.
આઈટી એક્ટ અને બીએનએસ હેઠળ કાર્યવાહી
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ એપ માહિતી ટેકનોલોજી (IT) કાયદાની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમોનું સીધું ઉલ્લંઘન કરે છે. બીજી તરફ, જેક ડોર્સીએ નોટિસની નકલ X (ટ્વિટર) પર શેર કરીને દાવો કર્યો હતો કે ભારત સરકાર આવી તકનીકને પસંદ કરતી નથી. જોકે, કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે કોઈ પણ પ્રકારનું સમઝૌતું કરવામાં આવશે નહીં.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
