તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
પેસિફિક મહાસાગરમાં એકસાથે ત્રણ ચક્રવાત :ચોથા ચક્રવાતની તૈયારી : 241 કિમી પ્રતિકલાકની ઝડપે ઘણાં શહેરોમાં વિનાશ વેરે એવી શક્યતા .
હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે લોવેલ આગામી ઘણાં દિવસો સુધી એક હરિકેનના રૂપે તબાહી મચાવી શકે

નવી દિલ્હી: સમુદ્રમાં એકસાથે ત્રણ ચક્રવાત તબાહી મચાવી રહ્યાં છે. તેની સાથે સાથે ચોથું ચક્રવાત પણ ઝડપથી માંથું ઊંચકી રહ્યું છે. તેમાં 241 કિમી પ્રતિકલાકની ઝડપે ઘણાં શહેરોમાં વિનાશ વેરે એવી શક્યતા છે. ખાસ વાત એ છે કે, આશરે એક દાયકામાં પહેલીવાર એવું થયું છે, જ્યારે પેસેફિક મહાસાગરમાં એક જ સમયે ત્રણ હરિકેન સક્રિય થયા છે. જેના લીધે મેક્સિકોથી લઈને અમેરિકાના રાજ્ય કેલિફોર્નિયા પર સંકટ તોળાઈ રહ્યું છે.
આ વખતે પેસેફિક મહાસાગરમાં ચક્રવાતની સક્રિયતા ઘણી વધારે છે. તેની પાછળ અલ નીનોની સ્થિતિને મહત્વની માનવામાં આવી રહી છે. નિષ્ણાતોનું અનુમાન છે કે આ અલ નીનો ટૂંક સમયમાં રેકોર્ડ સ્તરે મજબૂત બની શકે છે. આ ત્રણેયમાં હરિકેન લોવેલ સૌથી વધુ શક્તિશાળી છે. તે હાલ કેટેગરી 4નું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે. તેની મહત્તમ ઝડપ આશરે 241 કિલોમીટર પ્રતિકલાક નોંધવામાં આવી છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે લોવેલ આગામી ઘણાં દિવસો સુધી એક હરિકેનના રૂપે તબાહી મચાવી શકે છે.
હવાઈના કેટલાક વિસ્તારોમાં તેના કારણે સમુદ્રમાં ઊંચા અને ખતરનાક મોજાં ઉછળી શકે છે. રિપ કરંટ અને જીવલેણ સર્ફ કન્ડિશન લોકો માટે મોટો ખતરો બની શકે છે. પશ્ચિમ હવાઈ દ્વીપોના કેટલાક વિસ્તારો માટે આગામી સમયમાં ટ્રોપિકલ સ્ટોર્મ વોચ પણ જાહેર કરવામાં આવી શકે છે.
હરિકેન કરીના હવે નબળું પડીને કેટેગરી-1નું વાવાઝોડું બની ગયું છે. શનિવારે સવારે તે હવાઈના હિલોથી લગભગ 800 માઈલ પૂર્વમાં હતું. કરીનાની ઝડપ લગભગ 120 કિલોમીટર પ્રતિ કલાક હતી અને તે 8 માઈલ પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું કે કરીના આગામી કેટલાક દિવસોમાં ઝડપથી નબળું પડી જશે. આવતા અઠવાડિયાની શરૂઆત સુધીમાં તેના સંપૂર્ણપણે સમાપ્ત થઈ જવાની શક્યતા છે. હાલ તેનાથી જમીન પર કોઈ મોટો ખતરો નથી.
ત્રીજું વાવાઝોડું હરિકેન મેરી હાલ કેટેગરી-1નું છે. મેરીની મહત્તમ ઝડપ લગભગ 140 માઈલ પ્રતિ કલાક હતી અને તે 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કેલિફોર્નિયા તરફ આગળ વધી રહ્યું છે. જોકે, મેરી પણ આગામી કેટલાક દિવસોમાં ધીમે-ધીમે નબળું પડવાની આગાહી કરવામાં આવી છે.
સૌથી મોટી ચિંતા હવે સમુદ્રમાં રહેલી ચોથી સિસ્ટમને લઈને છે, જેના પર હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યું છે. આ સિસ્ટમ દક્ષિણ-પશ્ચિમ મેક્સિકોના દરિયાકાંઠાથી ઘણું દૂર સમુદ્રમાં હાજર છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં 10થી 15 માઈલ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે.
હવામાન નિષ્ણાતોએ આ સિસ્ટમના વાવાઝોડામાં ફેરવાવાની સંભાવના 60 ટકા જણાવી છે. જો આ સિસ્ટમ બને છે તો તેનું નામ નોર્બર્ટ રાખવામાં આવશે. એકસાથે ત્રણ હરિકેન બનવાનું દૃશ્ય છેલ્લે 2015માં જોવા મળ્યું હતું. તે સમયે કિલો, ઇગ્નાસિયો અને જિમેના ત્રણેય મોટા કેટેગરી-4 હરિકેન બની ગયા હતા.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
