<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

હરિયાણા અને રાજસ્થાન વચ્ચે ત્રણ દાયકા જૂના જલ વિવાદનો અંત: અમિત શાહની ઉપસ્થિતિમાં હસ્તાક્ષરિત થયા ઐતિહાસિક સમજૂતી કરાર

​દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં મોહર: હથિનીકુંડ બેરેજથી ભૂગર્ભ પાઇપલાઇન દ્વારા રાજસ્થાનને મળશે યમુનાનું વધારાનું પાણી, શેખાવટી અંચલના લાખો લોકોને મળશે મોટી રાહત

​નવી દિલ્હી: ભારતના રાજકીય અને ભૌગોલિક ઈતિહાસમાં સોમવારનો દિવસ એક સીમાચિહ્નરૂપ સાબિત થયો છે. હરિયાણા અને રાજસ્થાન વચ્ચે છેલ્લા ૩૨ વર્ષોથી ચાલી આવતા યમુના જલ વિવાદનો આખરે કાયમી ઉકેલ આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે આયોજિત એક વિશેષ બેઠકમાં બંને રાજ્યોએ ૧૯૯૪ના યમુના જલ કરારને અમલમાં મૂકવા માટે એક ઐતિહાસિક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ નિર્ણયથી રાજસ્થાનના પાણીની તંગી ધરાવતા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાનો મોટો ઉકેલ આવશે.

​૧૯૯૪નો કરાર થયો સાકાર

કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની હાજરીમાં આ કરારને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૯૪માં અપર યમુના બેસિનના રાજ્યો વચ્ચે યમુનાના પાણીની વહેંચણી અંગે સમજૂતી થઈ હતી, પરંતુ ત્રણ દાયકા સુધી તે માત્ર કાગળ પર જ રહી હતી. સતત સંવાદ અને પ્રયાસો બાદ આખરે હવે તેને જમીની સ્તરે અમલમાં મૂકવાનો માર્ગ મોકળો થયો છે.

​પાઇપલાઇન દ્વારા પાણીનો સપ્લાય

આ મહત્વકાંક્ષી યોજના અંતર્ગત હરિયાણાના હથિનીકુંડ બેરેજથી રાજસ્થાનને તેનું ફાળવાયેલું પાણી મળશે. આ પાણી ચોમાસા દરમિયાન પશ્ચિમ યમુના નહેર પ્રણાલી દ્વારા ભૂગર્ભ પાઇપલાઇન દ્વારા રાજસ્થાન સુધી પહોંચાડવામાં આવશે. આ પ્રોજેક્ટના અમલીકરણ માટે બંને રાજ્યોએ એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) બનાવવાનું પણ નક્કી કર્યું છે, જે પ્રોજેક્ટની કામગીરી અને જાળવણીનું ધ્યાન રાખશે.

​શેખાવટી ક્ષેત્રને મોટો ફાયદો

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ વિકાસને બંને રાજ્યો માટે ઐતિહાસિક ગણાવ્યો છે. આ પ્રોજેક્ટના અમલીકરણથી રાજસ્થાનના શેખાવટી ક્ષેત્રના સીકર, ચુરુ અને ઝુંઝુનુ જેવા પાણીની તંગી ધરાવતા વિસ્તારોમાં પીવાના પાણીની લાંબા ગાળાની સમસ્યાનો અંત આવશે. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ પણ સહયોગની ખાતરી આપતા જણાવ્યું હતું કે, આ વધારાના પાણીનો યોગ્ય ઉપયોગ થાય તે બંને રાજ્યોના હિતમાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં આ જટિલ વિવાદનું સુખદ સમાધાન રાજ્યો વચ્ચેના સહકારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

(2:44 PM IST)