<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

જમીન ખોદતાં નીકળ્યાં નોટોથી ભરેલાં ત્રણ ડ્રમ: પ્રયાગરાજમાં કરોડોની રોકડનો જથ્થો ઝડપાયો

પ્રયાગરાજ, તા. ૨૯: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના નવાબગંજ વિસ્તારમાં આવેલા બરઈપુર રામનગર ગામના એક મકાનમાંથી જમીનમાં દાટીને રાખેલા ત્રણ ડ્રમમાં મોટી માત્રામાં રોકડ મળી આવી છે. ૨૮ ઓક્ટોબરની સાંજે હાથ ધરાયેલી કાર્યવાહીમાં પોલીસને નોટોની ગડ્ડીઓ મળતાં ગણતરી માટે મશીન મંગાવવામાં આવ્યું હતું. પ્રારંભિક અહેવાલ મુજબ પાંચેક કરોડ મળી આવ્યા છે જોકે સત્તાવાર જાહેરાત હવે થશે.

 

પોલીસના જણાવ્યા મુજબ ચોરી અને ઘરફોડના ગુનાઓની તપાસ દરમિયાન આ મકાનમાં ચોરીની રકમ છુપાવાઈ હોવાની બાતમી મળી હતી. તેના આધારે નવાબગંજ અને સોરાંવ પોલીસની સંયુક્ત ટીમે તપાસ હાથ ધરી હતી. મકાનની અંદર ખોદકામ કરતાં જમીનમાં છુપાવેલા ડ્રમ મળી આવ્યા હતા. રોકડ અને ડ્રમોને કબજે લઈને સીલ કરવામાં આવ્યાં છે.

 

ગંગાનગરના પોલીસ અધિકારી સોનમકુમારે જણાવ્યું હતું કે ગણતરી પૂર્ણ થયા પછી જ કુલ રકમ જાહેર કરી શકાશે. વિવિધ અહેવાલો અને સ્થાનિક ચર્ચાઓમાં જુદા જુદા આંકડા સામે આવ્યા છે, પરંતુ પોલીસ તરફથી અંતિમ રકમની પુષ્ટિ થઈ નથી.

 

નાણાં ક્યાંથી આવ્યાં, તેને જમીનમાં શા માટે દાટવામાં આવ્યાં અને કોઈ ગુના સાથે તેનો સંબંધ છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. સંબંધિત લોકોની પૂછપરછ સાથે મિલકતો અને આવકના સ્ત્રોત અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. નાણાકીય તથા મહેસૂલી વિભાગોને જાણ કરવામાં આવી છે.

(5:43 PM IST)