<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

દુનિયાના ત્રણ 'મહારથી' એક થશે! શું રશિયા, ચીન અને અમેરિકા મળીને ICCનું અસ્તિત્વ ભૂંસી નાખશે?

વોશિંગ્ટનથી બેઇજિંગ અને મોસ્કો સુધી ખળભળાટ: ટ્રમ્પનો શી જિનપિંગને 'માસ્ટર પ્લાન' પ્રસ્તાવ : આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતના વોરંટ સામે ત્રણ કટ્ટર હરીફો હવે એક જ મોરચે લડવાની તૈયારીમાં

બેઇજિંગ:   દુનિયા જેને એકબીજાના કટ્ટર દુશ્મન માને છે તેવા ત્રણ દેશો - રશિયા, ચીન અને અમેરિકા - હવે એક 'સામાન્ય દુશ્મન' સામે હાથ મિલાવે તેવી શક્યતા છે. આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત  દ્વારા વિશ્વના મોટા નેતાઓ વિરુદ્ધ જારી કરાયેલા ધરપકડ વોરંટે આ મહાસત્તાઓને પરેશાન કરી દીધી છે. તાજેતરની બેઇજિંગ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપિંગ સામે એક ચોંકાવનારો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવ મુજબ, આ ત્રણેય દેશો એક મજબૂત ગઠબંધન બનાવીને ICC ના પ્રભાવને નબળો પાડવા અથવા તેને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સંયુક્ત વ્યુહરચના બનાવશે. આ અઠવાડિયે જિનપિંગ જ્યારે વ્લાદિમીર પુતિનને મળશે ત્યારે આ 'ત્રિપુટી' ના ગઠબંધન પર મહોર લાગી શકે છે.

ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના નજીકના સાથી નેતાઓ અને રશિયાના પુતિન સામે ICC ના વોરંટથી અત્યંત નારાજ છે. ICC એક એવી સંસ્થા છે જેની સ્થાપના ૨૦૦૨ માં નરસંહાર અને યુદ્ધ ગુનાઓની તપાસ માટે થઈ હતી, પરંતુ રસપ્રદ વાત એ છે કે અમેરિકા, રશિયા, ચીન અને ભારત જેવા મોટા દેશો ક્યારેય તેના સભ્ય બન્યા નથી. હવે જ્યારે આ અદાલતે પુતિન અને નેતન્યાહૂ જેવા દિગ્ગજો સામે વોરંટ કાઢ્યા છે, ત્યારે અમેરિકા આ કોર્ટની શક્તિઓને કચડી નાખવા માટે ચીન અને રશિયાના સહકારની અપેક્ષા રાખી રહ્યું છે. જો આ ત્રણ મહાસત્તાઓ એક થાય, તો વૈશ્વિક ન્યાયિક સંસ્થાઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે.

ICC પાસે પોતાની કોઈ પોલીસ નથી, જેના કારણે તે વોરંટનો અમલ કરવા માટે સભ્ય દેશો પર નિર્ભર રહે છે. અત્યાર સુધીમાં આ કોર્ટે ૪૦ થી વધુ અગ્રણી નેતાઓ સામે શિંગડા ભેરવ્યા છે, પરંતુ જો ટ્રમ્પનો આ ગઠબંધનનો વિચાર સફળ થાય, તો આંતરરાષ્ટ્રીય સ્તરે ન્યાય અને કાયદાની વ્યાખ્યા બદલાઈ જશે. એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધ અને બીજી તરફ ચીન-અમેરિકા વચ્ચેનો વ્યાપાર જંગ ચાલુ છે, તેમ છતાં 'દુશ્મનનો દુશ્મન દોસ્ત' વાળી નીતિ અહીં સાર્થક થતી દેખાય છે. વિશ્વના રાજદ્વારી નિષ્ણાતો આ હિલચાલને દાયકાનો સૌથી મોટો વળાંક માની રહ્યા છે.

(8:36 PM IST)