<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

અમેરિકાના ટેક્સાસમાં ભારતીય પરિવારના ત્રણ સભ્યોની માથામાં ગોળી મારી હત્યા: હત્યારો કોઈ અજાણ્યો નહીં પરંતુ ૧૯ વર્ષીય સગો પુત્ર જ નીકળ્યો

પંજાબના મૂળ વતની અને ત્રણ દાયકાથી અમેરિકામાં સ્થાયી પિતા, માતા અને નાનીને સગા દીકરાએ મોતને ઘાટ ઉતાર્યા: મોટા ભાઈ પર ફાયરિંગ કર્યું પણ બચી ગયો: પોલીસ ચેઝ બાદ આરોપી પુત્રની ધરપકડ

એલ્ટન: અમેરિકાના ટેક્સાસ રાજ્યના અલ્ટન શહેરમાં આવેલ ટસ્કની વિલેજ સબડિવિઝન ખાતે એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી મુકનારી ઘટના સામે આવી છે. અહીં પંજાબના એક જ પરિવારના ત્રણ ભારતીય સભ્યોની માથામાં ગોળી મારીને અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે. અગાઉ આ ઘટના અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવી હોવાનું મનાતું હતું, પરંતુ સ્થાનિક પોલીસ અહેવાલો મુજબ આ ગોઝારો અંજામ અન્ય કોઈએ નહીં પરંતુ પરિવારના જ ૧૯ વર્ષીય સગા પુત્રએ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. 

હિડાલ્ગો કાઉન્ટી શેરિફ એડી ગ્વેરા દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર તમામ મૃતકોને માથાના ભાગે ગોળી વાગી હતી.

આ ઘટનામાં ભોગ બનનાર તમામ મૂળ પંજાબ રાજ્યના નવાનશહેર જિલ્લામાં બંગા નજીક આવેલા લખપુર ગામના વતની હતા. મૃતકોમાં ૫૬ વર્ષીય પિતા સીતા રામ, ૪૬ વર્ષીય માતા કમલેશ રાની અને ૭૩ વર્ષીય નાની મોહિન્દર કૌરનો સમાવેશ થાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર પિતા છેલ્લા લગભગ ત્રણ દાયકાથી અમેરિકામાં સ્થાયી હતા અને આ પરિવાર થોડા મહિનાઓ પહેલા જ પોતાના મૂળ ગામે પંજાબ ગયો હતો.

પોલીસના સત્તાવાર નિવેદન અનુસાર ૧૬ જૂન, મંગળવારની રાત્રે ૧૯ વર્ષીય આરોપી પુત્ર ગૌરવ ચોપરાએ પોતાના જ માતા, પિતા અને નાની પર ગોળીબાર કર્યો હતો. ઘરમાં હાજર ૨૧ વર્ષીય મોટા ભાઈએ ઉપરના માળે જઈને આ ભયાનક દ્રશ્ય જોયું હતું. ગૌરવે પોતાના મોટા ભાઈ પર પણ ફાયરિંગ કર્યું હતું, પરંતુ સદનસીબે નિશાન ચૂકી જવાના કારણે મોટા ભાઈનો જીવ બચી ગયો હતો.

ત્યારબાદ મોટા ભાઈએ રાત્રે નવ વાગ્યાને તેર મિનિટે પોલીસને ફોન કરીને જાણ કરી હતી કે તેના નાના ભાઈએ પરિવારના સભ્યોની હત્યા કરી છે અને તે સફેદ રંગની લેક્સસ કારમાં ફરાર થઈ ગયો છે.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને 

બીજા માળેથી બે મૃતદેહો મળી આવ્યા હતા, જ્યારે પિતા અત્યંત ગંભીર હાલતમાં જીવિત મળ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું. 

બીજી તરફ, કારમાં ફરાર થયેલા આરોપી ગૌરવને પકડવા પોલીસે પીછો કર્યો હતો, તે દરમિયાન કારનો અકસ્માત સર્જાતા તેની ધરપકડ કરવામાં આવી હતી. અકસ્માતના સ્થળેથી નવ મિલીમીટરની હેન્ડગન પણ કબ્જે કરવામાં આવી છે. 

આરોપી ગૌરવ ચોપરા યુનિવર્સિટી ઓફ ટેક્સાસ રિયો ગ્રાન્ડે વેલીનો વિદ્યાર્થી છે. હાલમાં તેની સામે કેપિટલ મર્ડર, હત્યાનો પ્રયાસ અને પોલીસથી ભાગવા સહિતના ગંભીર આરોપો હેઠળ કાર્યવાહી કરીને તેને જામીન વગર કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. 

હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર થયું નથી.*

(11:19 AM IST)