તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
અમેરિકામાં હોટલમાં ફાટી નીકળેલી ભીષણ આગમાં નડિયાદના એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત
નડિયાદનો સુથાર પરિવાર જીવ બચાવવા બાથરૂમમાં પુરાયેલા દંપતી અને પુત્રીનું ગુંગળાઈ જવાથી મોત

અમેરિકાના મેસેચ્યુસેટ્સ સ્ટેટના વુસ્ટર શહેરમાં એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જેમાં અહીંની 'ઈકોનો લોજ' હોટલમાં લાગેલી ભીષણ આગમાં નડિયાદના એક ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને પગલે વુસ્ટરમાં રહેતા ભારતીય સમુદાય અને વતનમાં નડિયાદ ખાતે શોકનું મોજું ફરી વળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ નડિયાદના વતની હિતેશ સુથાર, તેમના પત્ની હીનાબેન અને 20 વર્ષીય પુત્ર ઈશાની સાથે છેલ્લા બે વર્ષથી જ અમેરિકામાં સ્થાયી થયા હતા. સુથાર પરિવારે વિદેશની ધરતી પર ઉજ્જવળ ભવિષ્યના સપના જોયા હતા, પરંતુ કુદરતને કંઈક બીજુ જ મંજૂર હતું. એક નાનકડી ભૂલ અને અણધારી આફતે આ આખા પરિવારને કાયમ માટે છીનવી લીધો છે.
વુસ્ટરની ઈકોનો લોજમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. હોટલના રૂમમાં ધુમાડો અને આગ ફેલાતા ગભરાયેલા પરિવારે પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જીવ બચાવવા માટે આ ત્રણેય સભ્યો રૂમના બાથરૂમમાં જતા રહ્યા હતા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.
જો કે આ નિર્ણય તેમના માટે ઘાતક સાબિત થયો. હોટલની આગ પર કાબૂ મેળવવામાં સમય લાગ્યો, જેના કારણે બાથરૂમમાં રહેલા આ પરિવારે અંદર ફેલાયેલા ઝેરી ધુમાડામાં ગૂંગળાઈને અંતિમ શ્વાસ લીધા હતા.
આ ઘટનાની જાણ થતા જ નડિયાદ સ્થિત તેમના પરિવારજનો અને મિત્રવર્તુળમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. વિદેશમાં સ્થાયી થયેલા પરિવારે આ રીતે અકાળે જીવ ગુમાવવો પડ્યો તે વાત પચાવવી તેમના સ્વજનો માટે અશક્ય બની રહી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ એક ગુજરાતી પરિવારના અકાળે થયેલા અંતે સૌ કોઈને હચમચાવી દીધા છે
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
