તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
લખનૌના વિકાસ નગર વિસ્તારમાં આવેલા પ્રભુ પ્લાઝાની ત્રણ માળની ઇમારતમાં લાગી ભીષણ આગ, રજાઈ અને ગાદલાના ગોડાઉન સુધી પહોંચી લપટો
ટેઢી પુલિયા પાસે આવેલા પ્રભુ પ્લાઝામાં સોમવારે બપોરે અચાનક ફાટી નીકળેલી આગ પર ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓએ દોઢ કલાકની જહેમત બાદ મેળવ્યો કાબૂ

લખનૌ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના વિકાસ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા ટેઢી પુલિયા પાસે પ્રભુ પ્લાઝા નામની ત્રણ માળની ઇમારતમાં સોમવારે બપોરે ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. રાહતની વાત એ રહી કે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી.
ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનોમાં રજાઈ, ગાદલા અને હોમ ડેકોરનો જંગી જથ્થો ભરેલો હતો. બપોરે અંદાજે ત્રણ વાગ્યે અચાનક ગ્રાઉન્ડ ફ્લોર પરથી ધુમાડો નીકળતો નજરે પડ્યો. જોતજોતામાં આગની વિકરાળ લપટો ખૂબ જ ઝડપથી ફેલાઈને બીજા માળ સુધી પહોંચી ગઈ. જ્વલનશીલ સામગ્રી વધારે હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે આસપાસના લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી.
ઘટનાના સમયે બજાર બંધ હોવાના કારણે લોકોની ભીડ ઓછી હતી, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આસપાસના મકાનોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત બહાર કાવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને આ દુર્ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતા જ ફાયર વિભાગ સક્રિય બન્યો અને ઇન્દિરાનગર ફાયર સ્ટેશનથી ગાડીઓ ઘટનાસ્થળ તરફ રવાના કરવામાં આવી.
આગની ગંભીરતાને જોતા કુલ પાંચ ફાયર ગાડીઓને કામે લગાડવામાં આવી હતી. મુખ્ય અગ્નિશામક અધિકારી અંકુશ મિત્તલના જણાવ્યા અનુસાર ફાયર કર્મીઓએ અંદાજે દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે. અધિકારીઓનું કહેવું છે કે આગ લાગવાનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને પોલીસ તથા ફાયર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ આ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છે.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
