તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 29th June 2026
બંગાળના આસનસોલમાં દામોદર નદીમાં ન્હાવા પડેલા ધો-10ના ત્રણ વિદ્યાર્થીઓના ડૂબી જવાથી કરૂણ મોત
શાળામાં પ્રવેશ ન મળ્યા બાદ તેઓ મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયા હતા:નદીમાં ઉતરતાં આ દુર્ઘટના બની: સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી

પશ્ચિમ બર્ધમાન જિલ્લાના આસનસોલમાં દામોદર નદીમાં ન્હાવા દરમિયાન ધોરણ 10 ના 3 વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત થયા છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ સર્જી દીધું છે. પ્રાથમિક માહિતી મુજબ, વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ ન મળતા તેઓ અન્ય મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે નીકળી ગયા હતા. ક્રિકેટ રમ્યા બાદ ત્રણેય વિદ્યાર્થીઓ નદીમાં ન્હાવા ઉતર્યા હતા, જ્યાં આ કરૂણ અકસ્માત બન્યો હતો.
આ સમગ્ર ઘટના આસનસોલના કુલ્ટી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ડિસરગઢની છે. મળતી માહિતી અનુસાર, નિયામતપુરની એક ખાનગી અંગ્રેજી માધ્યમની શાળાના 8 વિદ્યાર્થીઓ શનિવારે શાળાએ હાજર રહ્યા નહોતા. આરોપ છે કે આ કારણસર સોમવારે તેમને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓ ડિસરગઢ નજીક નદી કિનારે આવેલા મેદાનમાં ક્રિકેટ રમવા માટે ગયા હતા.
ક્રિકેટ રમ્યા બાદ 3 વિદ્યાર્થીઓ દામોદર નદીમાં ન્હાવા માટે ઉતર્યા હતા. જોકે, તેમને નદીની ઊંડાઈ અને પાણીના તેજ પ્રવાહનો અંદાજ ન હોવાથી તેઓ અચાનક સંતુલન ગુમાવી બેઠા અને ઊંડા પાણીમાં તણાઈ ગયા. તેમના મિત્રો દ્વારા બૂમાબૂમ કરવામાં આવતા આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા અને કુલ્ટી પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ મળતાં જ પોલીસ અને સ્થાનિક લોકોએ બચાવ અભિયાન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ ત્રણેય વિદ્યાર્થીઓને નદીમાંથી બહાર કાઢીને આસનસોલ જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં હાજર ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ કરૂણ ઘટનાથી ત્રણેય વિદ્યાર્થીઓના પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારજનોનું રડી-રડીને ખરાબ હાલ થયું છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને અકસ્માતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
