<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

FIFA વર્લ્ડ કપ 2026 ફાઇનલની ટિકિટના ભાવ સાંભળીને હોશ ઊડી જશે: એક ટિકિટના ₹40 લાખ, સૌથી છેલ્લી સીટના પણ 'દસ લાખ'!

હજુ કઈ ટીમો ફાઇનલમાં પહોંચશે તે નક્કી નથી, છતાં ટિકિટ ખરીદવા દુનિયાભરના ફેન્સમાં ભારે ક્રેઝ; ફૂટબોલ ઇતિહાસની સૌથી મોંઘી ફાઇનલ બનશે

મુંબઈ, તા.૩૦: વિશ્વના સૌથી લોકપ્રિય રમત ઉત્સવ 'FIFA વર્લ્ડ કપ 2026' ને લઈને ફૂટબોલ ચાહકોનો ઉત્સાહ અત્યારે ચરમસીમાએ છે. પરંતુ, જો તમે સ્ટેડિયમમાં બેસીને લાઈવ ફાઇનલ મેચ જોવાનું સપનું જોઈ રહ્યા હોવ, તો ખિસ્સા ખૂબ જ ભારે કરવા પડશે! સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અહેવાલો અનુસાર, આ વખતે ચેમ્પિયનશિપ મેચ માટેની ટિકિટોના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેણે ફૂટબોલ જગતને ચોંકાવી દીધું છે. આ મેચ જોવાનો લહાવો લેવા માટે ચાહકોએ લાખો રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે.
સ્ટેડિયમની સૌથી છેલ્લી સીટના ₹10 લાખ!
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોના અહેવાલ મુજબ, FIFA 2026 ફાઇનલની સૌથી સસ્તી ટિકિટની શરૂઆત જ અંદાજે ₹10 લાખથી થાય છે! આ બેઠકો સ્ટેડિયમના સૌથી ઉપરના સ્ટેન્ડ (અપર ટાયર) માં આવેલી છે, જ્યાંથી મેદાન એટલું દૂર હશે કે કદાચ ખેલાડીઓને ઓળખવા પણ મુશ્કેલ બની શકે. આ જ અપર સ્ટેન્ડમાં જોવાના એંગલ (ખૂણા) ના આધારે અન્ય ટિકિટોના ભાવ ₹15 લાખથી લઈને ₹20 લાખ સુધીના બોલાઈ રહ્યા છે.
પ્રીમિયમ સીટ એટલે સીધો ₹40 લાખનો ફટકો!
જેમ જેમ તમે મેદાનની નજીક જવા ઈચ્છો, તેમ તેમ કિંમતો રોકેટ ગતિએ વધે છે:
•    મિડલ સ્ટેન્ડ (વચ્ચેનો ભાગ): સ્ટેડિયમની વચ્ચેથી સારો વ્યુ મેળવવા માટે ફેન્સે અંદાજે ₹22 લાખ ચૂકવવા પડશે.
•    લોઅર સ્ટેન્ડ (મેદાનની નજીક): ખેલાડીઓની નજીક રહીને રોમાંચ અનુભવવા માટે ટિકિટનો ભાવ ₹34 લાખ સુધી પહોંચે છે.
•    પ્રીમિયમ બેઠકો: સ્ટેડિયમનો સૌથી શ્રેષ્ઠ અને VIP નજારો આપતી ગ્રાઉન્ડની એકદમ નજીકની પ્રીમિયમ સીટોની કિંમત અકલ્પનીય ₹40 લાખ હોવાનું કહેવાય છે!
આ કિંમતો સામાન્ય માણસ માટે આઘાતજનક છે, કારણ કે ભારતમાં આટલી રકમમાં એક આખું આલીશાન ઘર કે લક્ઝરી કાર આવી શકે છે!
ફાઇનલિસ્ટ કોણ છે એ ખબર નથી, છતાં હાઉસફુલ!
આ આશ્ચર્યજનક આંકડાઓએ ઓનલાઈન ભારે ચર્ચા જગાવી છે અને લોકો તેને ઇતિહાસની સૌથી મોંઘી ફૂટબોલ ફાઇનલ ગણાવી રહ્યા છે. સૌથી રસપ્રદ વાત એ છે કે ટૂર્નામેન્ટ હજુ માત્ર 'રાઉન્ડ ઓફ 32' ના તબક્કામાં જ છે. ટ્રોફી માટે છેલ્લી બે ટીમો કઈ આમને-સામને ટકરાશે તે હજુ નક્કી પણ નથી થયું, તેમ છતાં ટિકિટોની માંગ અને કાળાબજાર કહી શકાય તેવા ઊંચા ભાવો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.

(3:39 PM IST)