<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

TMC કૌભાંડ : પોતાના જ કરોડોના ફંડથી ખરીદ્યું લક્ઝરી જેટ અને પછી મમતા-અભિષેક ભાડું ચૂકવીને ફરતા રહ્યા!

ED ની તપાસમાં ₹૪૪૦ કરોડના ખાતા ફ્રીઝ થતાં બંગાળના રાજકારણમાં ભૂકંપ : કેમેન આઇલેન્ડ્સથી કનેક્શન અને 'પોતાની ગાડીમાં પોતે જ ભાડું આપવાના' અનોખા મની લોન્ડરિંગ ખેલથી એજન્સી પણ ચકરાવે ચડી

કોલકાતા: પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસના કરોડો રૂપિયાના ફંડિંગને લઈને ઇડીએ અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી કાર્યવાહી કરી છે. એજન્સીએ પક્ષના ત્રણ બેંક ખાતા સીલ કરીને અંદાજે ₹૪૪૦ કરોડનું ભંડોળ ફ્રીઝ કરી દીધું છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે વર્ષ ૨૦૨૧ માં મમતા બેનર્જી ત્રીજી વખત સત્તા પર આવ્યા બાદ તુરંત જ 'કેરવેલ એવિએશન' નામની એક રહસ્યમય કંપની ઊભી કરવામાં આવી હતી. આ કંપનીના ખાતામાં એપ્રિલ ૨૦૨૩ થી જૂન ૨૦૨૬ વચ્ચે ટીએમસીના ફંડમાંથી અધધ ₹૧૬૦ કરોડ ટ્રાન્સફર કરાયા હતા, જેમાંથી અંદાજે ₹૧૧૨ કરોડના ખર્ચે બ્રાઝિલિયન બનાવટનું લક્ઝરી 'એમ્બ્રેર લેગસી ૬૦૦' બિઝનેસ જેટ અને ઇટાલિયન વીઆઇપી 'અગસ્તા ૧૦૯ SP' હેલિકોપ્ટર વસાવવામાં આવ્યા હતા.

આ સમગ્ર કૌભાંડમાં સૌથી રસપ્રદ અને આશ્ચર્યજનક વળાંક એ છે કે પક્ષના જ પૈસાથી ખરીદાયેલા આ શાનદાર વિમાનોનો ઉપયોગ કરવા માટે મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જી સહિતના દિગ્ગજ નેતાઓ આ જ કંપનીને ચાર્ટર ફી તરીકે લાખો રૂપિયાનું મોંઘું ભાડું ચૂકવતા હતા. સરળ ભાષામાં કહીએ તો, આ એક એવો અજીબોગરીબ ખેલ હતો જ્યાં વ્યક્તિ પોતાના જ પૈસાથી કાર ખરીદે અને પછી તેમાં બેસવા માટે દર વખતે પોતાની જાતને જ ભાડું ચૂકવે! ED ને પાકો વહેમ છે કે આ અનોખી સિસ્ટમ કોઈ કાયદેસરની મુસાફરી માટે નહીં, પરંતુ રાજકીય પક્ષના વ્હાઇટ મનીને સગેવગે કરવા અને વાસ્તવિક નાણાકીય વ્યવહારો છુપાવવાના એક મોટા કાવતરાના ભાગરૂપે તૈયાર કરવામાં આવી હતી.

આ કેસના તાર હવે સાત સમુદ્ર પાર ટેક્સ હેવન ગણાતા 'કેમેન આઇલેન્ડ્સ' સાથે પણ જોડાઈ રહ્યા છે, જ્યાંથી ૨૦૨૩ માં હેલિકોપ્ટર ખરીદવા માટે ₹૧૬ કરોડની અસુરક્ષિત લોન લેવાઈ હોવાના પુરાવા મળ્યા છે. આ આખી રામાયણ ટીએમસીના જ બળવાખોર ધારાસભ્ય વિશ્વનાથ દાસની એફઆઈઆર બાદ શરૂ થઈ છે, જેના આધારે ED એ ભારતભરમાં પ્રથમ વખત કોઈ રાજકીય પક્ષના સત્તાવાર એકાઉન્ટ પર સીધો મની લોન્ડરિંગનો ગાળિયો કસ્યો છે. જોકે બીજી તરફ, ટીએમસીએ આ સમગ્ર રેડને કેન્દ્ર સરકારનો રાજકીય બદલો ગણાવ્યો છે અને દાવો કર્યો છે કે તેમનો એક-એક રૂપિયો ચૂંટણી પંચ અને ઇનકમ ટેક્સની નજરમાં એકદમ ક્લીન છે.

(5:50 PM IST)