તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
આજથી સમગ્ર સૌરાષ્ટ્ર જન્માષ્ટમીનાં રંગે રંગાવા સજજ
નાના - મોટા તમામ શહેરો - ગામોમાં ઉત્સવનો માહોલઃ ઠેરઠેર ‘‘નંદ ઘેર આનંદ ભયો''ની ગુંજ લોકોમાં તહેવારોની ઉજવણીનાં ઘોડાપૂરઃ શાળા - કોલેજોમાં રજાઃ બજારો પણ ખાલી - ખાલી : આજથી રંગીલા રાજકોટ સહિત ઠેરઠેર સાંસ્કૃતિક લોકમેળા ખુલ્લા મૂકાશેઃ મોજ - મસ્તીનો માહોલઃ શુક્રવારે શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવા જબરો થનગનાટઃ ધાર્મિક સ્થળો - પ્રવાસન સ્થળો ચિકકાર

રાજકોટ તા.૨: ઉત્સવપ્રેમી સૌરાષ્ટ્રની પ્રજા માટે મોજ મજા અને ભકિતભાવના દિવસોનો આજથી પ્રારંભ થયો છે. આજથી સમગ્ર સૌરાષ્ટ્ર જન્માષ્ટમીના તહેવારો રંગે રંગાવા સજજ છે. સૌરાષ્ટ્રના નાના મોટા શહેરો - ગામોમાં આજથી સાંસ્કૃતિક લોકમેળાઓનો પ્રારંભ થયો છે તો સાથે સાથે ‘‘મીની '' વેકેશન પણ શરૂં થયું છે. આજથી ઉત્સવઘેલી પ્રજા ચિંતા - મોંઘવારી વગેરેને અભેરાઇએ ચડાવી મોજ - મજા અને ઉત્સવની ઉજવણી કરવા તૈયાર થઇ છેઃ શાળા - કોલેજોમાં વેકેશન પડી ગયું છે. બજારો પણ હવે ખાલી ખાલી જોવા મળી રહી છે. ઓફિસોમાં પણ કામ - હાજરી નહિવત જણાઇ રહી છે. સૌ કોઇ જન્માષ્ટમીનું પર્વ રંગેચંગે મનાવવા અને રો થનગનાટ આનુભવી રહ્યાં છે. સૌરાષ્ટ્ર ભરમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. શુક્રવારે ઠેરઠેર જન્માષ્ટમીનું પર્વ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવશે.
સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી થાય છે પણ સૌરાષ્ટ્રની વાત જ કંઇ ઓર છે. દિવાળી અને જન્માષ્ટમી બે મુખ્ય પર્વ હોય છે અને તેમાં પણ કાનુડાનો જન્મોત્સવ હોય તો વાત જ અનેરી હોય. સમગ્ર સૌરાષ્ટ્ર જાણે સર્જાય છે. નાના મોટા - ગામો - શહરો રંગબેરંગી રોશની સાથે ઝળહળે છે. જયારે ઠેરઠેર નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ ગુંજતા હોય છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજથી ચાર - પાંચ દવસ લોકો કામ ધંધા - ચિંતા મૂકીને ઉત્સવના દરીયામાં ધુબાકા મારશે. ધાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળોએ આજથી ચિકકાર ગીર્દી શરૂ થઇ છે. પ્રવાસ પ્રેમીઓ આજથી મનગમતા સ્થળે ફરવા ઉપડયા છે તો જે નથી ગયા તેઓ મેળાની રંગત માણશે.
સૌરાષ્ટ્રના સૌથી મોટા અને લોકપ્રિય લોકમેળાનો આજથી રાજકોટના વિશાળ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા આ પાંચ દિવસીય મેળાને લઈને તમામ તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર શહેરમાં ઉત્સાહ અને થનગનાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
આજના આ મહામેળાનું વિધિવત ઓપનિગ સાંજે બરાબર ૫:૦૦ કલાકે કરવામાં આવશે. પરંપરાગત રીતે યોજાતા આ મેળામાં જોડાવા માટે રાજકોટ સહિત આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્રવાસીઓ આ મેળાની રોનક અને મજા માણી શકશે.
મુલાકાતીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર આ વર્ષે ખૂબ જ સજ્જ અને સતર્ક જોવા મળી રહ્યું છે. મેળામાં મનોરંજન માટે આવતી રાઇડ્સની ચકાસણી બાબતે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. વર્તમાન સ્થિતિ મુજબ, કુલ ૩૪ પ્રસ્તાવિત રાઇડ્સમાંથી અત્યાર સુધી માત્ર ૧૨ રાઇડ્સને જ સુરક્ષાના તમામ માપદંડો ચકાસ્યા બાદ મંજૂરી આપવામાં આવી છે. બાકીની રાઇડ્સ દ્વારા સુરક્ષાના નિયમોનું પાલન સુનિヘતિ કર્યા બાદ જ તેને મંજૂરી આપવામાં આવશે.
પાંચ દિવસ સુધી ચાલનારા આ લોકમેળાનો લાભ લેવા માટે સૌરાષ્ટ્રભરમાંથી લાખોની સંખ્યામાં લોકો રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડશે. ખાણીપીણીની મસ્તી, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રોમાંચક ચકડોળો સાથે આ મેળો સૌરાષ્ટ્રના લોકજીવન અને સંસ્કૃતિનું અનોખું દર્શન કરાવશે. વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક નિયંત્રણ, પાર્કિગ અને પોલીસ સુરક્ષાના પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે જેથી નાગરિકો કોઈપણ મુશ્કેલી વગર મેળાનો આનંદ માણી શકે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
