News of Wednesday, 17th June 2026
પ્રસિદ્ધ ગઝલ ગાયક પંકજ ઉધાસની આજે જન્મ જયંતિ
૧૯૮૦માં પ્રથમ ગઝલ આલ્બમ ‘‘આહટ'' આવ્યું હતું, ‘મુકરર', ‘તરન્નુમ', ‘મહેફિલ', ‘નાયાબ', ‘શગુફ્તા' અને ‘આફરીન' જેવા અનેક લોકપ્રિય આલ્બમો આપ્યા હતા : ૧૯૮૬માં આવેલી ફિલ્મ ‘‘નામ''માં ગાયેલું ગીત ‘ચિઠ્ઠી આયી હૈ' થી ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં છવાયા ‘ચાંદી જેસા રંગ હૈ તેરા', ‘ના કજ રે કી ધાર', ‘થોડી થોડી પિયા કરો', ‘ઔર આહિસ્તા કીજિયે બાતેં' જેવી ગઝલો આજે પણ લોકપ્રિય સંગીત સાધનાના જીવંત પ્રતીક સમા પંકજજીને ભાવભરી શ્રદ્ધાંજલી

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી : પંકજ ઉધાસ ભારતીય ગઝલ ગાયકીના એવા મહાન કલાકાર હતા, જેમણે ગઝલને માત્ર મહેફિલો પૂરતી મર્યાદિત ન રાખીને સામાન્ય લોકોના હૃદય સુધી પહોંચાડી હતી, તેમની મીઠી, મધુર અને ભાવસભર ગાયકીના કારણે તેઓ વિશ્વભરમાં લોકપ્રિય બન્યા હતા. પંકજ ઉધાસનો જન્મ ૧૭ મે, ૧૯૫૧ના રોજ ગુજરાતના રાજકોટ નજીક આવેલા નવાગઢ (જેતપુર) ગામમાં થયો હતો. તેમના પિતા કેશુભાઈ ઉધાસ સરકારી કર્મચારી હતા અને માતાનું નામ જીતુબેન ઉધાસ હતું. તેમના મોટા ભાઈ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ જાણીતા ગાયક હતા. પરિવારનું વાતાવરણ કલા પ્રત્યે રુચિ ધરાવતું હતું. બાળપણથી જ પંકજ ઉધાસમાં સંગીત પ્રત્યે અનેરો લગાવ હતો. તેમના પિતા દિલરૂબા નામનું વાદ્ય વગાડતા હતા, જેના કારણે બાળકોમાં સંગીત પ્રત્યે રસ જાગ્યો. પ્રાથમિક શિક્ષણ બાદ તેમણે ભાવનગરમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. સંગીતની તાલીમ તેમણે શરૂઆતમાં તબલાથી શરૂ કરી, પરંતુ પછી હિન્દુસ્તાની શાષાીય સંગીતની તાલીમ ઉસ્તાદ ગુલામ કાદિર ખાન સાહેબ અને નવરંગ નાગપુરકર પાસેથી મેળવી. કહેવાય છે કે ગઝલ ગાયક બનવા માટે પંકજજીએ ગઝલોને સારી રીતે સમજવા અને રજૂ કરવા માટે ખાસ ઉર્દૂ ભાષા શીખી હતી.
વર્ષ ૧૯૬૨માં ભારત-ચીન યુદ્ધ દરમિયાન માત્ર અગિયાર વર્ષની ઉંમરે તેમણે ‘‘એ મેરે વતન કે લોગો'' ગીત ગાઈને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમના આ પ્રથમ જાહેર કાર્યક્રમ માટે તેમને ૫૧ રૂપિયાનું ઇનામ મળ્યું હતું. આ ઘટનાએ તેમને ગાયક બનવા માટે પ્રેરણા આપી. ૧૯૮૦માં તેમનો પ્રથમ ગઝલ આલ્બમ ‘‘આહટ'' બહાર પડ્યો, જેને ખૂબ પ્રશંસા મળી. ત્યારબાદ મુકરર, તરન્નુમ, મહેફિલ, નાયાબ અને આફરીન જેવા અનેક સફળ આલ્બમો દ્વારા તેમણે ગઝલ જગતમાં પોતાનું વિશિષ્ટ સ્થાન બનાવ્યું. તેમનો ‘શગુફ્તા' આલ્બમ ભારતના પ્રથમ સીડી સ્વરૂપે રજૂ થયેલા આલ્બમોમાંનો એક માનવામાં આવે છે. કહેવાય છે કે, કોઈપણ કાર્યક્રમ પહેલાં તેઓ હનુમાન ચાલીસાનું પઠન કરતા હતા તેઓ ખૂબ આધ્યાત્મિક સ્વભાવ ધરાવતા હતા.
૧૯૮૬માં આવેલી ફિલ્મ‘‘નામ'' માટે ગાયેલું ગીત ‘ચિઠ્ઠી આઇ હૈે' તેમને અદભૂત લોકપ્રિયતા અપાવનારું સાબિત થયું. ત્યારથી તેઓ ભારત ના અગ્રણી ગઝલગાયક તરીકે જાણીતા બન્યા , ત્યારબાદ ‘‘ચાંદી જેસા રંગ હૈ તેરા, ના કજરે કી ધાર, થોડી થોડી પિયા કરો, ઔર આહિસ્તા કીજિયે બાતેં'' જેવી ગઝલો પણ ખૂબ લોકપ્રિય બની.
પંકજ ઉધાસે વિશ્વના અનેક દેશોમાં સંગીતના કાર્યક્રમો આપ્યા અને ભારતીય ગઝલને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી. તેમણે પચાસથી વધુ આલ્બમો અને હજારથી વધુ ગીતો દ્વારા સંગીત પ્રેમીઓના દિલમાં સદા સ્થાન મેળવ્યું.
તેમના પારિવારિક જીવન વિશે જોઈએ તો કોલેજ કાળ દરમિયાન તેમની મુલાકાત ફરીદા સાથે થઈ હતી. ફરીદા પારસી પરીવારમાંથી આવતા હતા. બંને અલગ ધર્મના હોવાથી શરૂઆતમાં પરિવારમાં વિરોધ થયો, છતાં બંનેએ લગ્ન કર્યા એટલું જ નહીં બંને વચ્ચે પરસ્પર સમજણ અને પ્રેમભર્યો સંબંધો હતા. તેઓ સુખી દામ્પત્ય જીવન જીવ્યા, પંકજ ઉધાસ પોતાના વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ પરિવારને પૂરતો સમય આપતા અને સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરતા. તેમને બે પુત્રીઓ છે. નાયાબ ઉધાસ અને રેવા ઉધાસ તેમની મોટી પુત્રી નાયાબ ઉધાસને સંગીતમાં રસ છે અને તેમણે કેટલાક સંગીત પ્રકલ્પોમાં પણ ભાગ લીધો છે. પંકજ ઉધાસ પોતાના પરિવાર સાથે મુંબઈમાં રહેતા હતા અને પરિવારને પોતાના જીવનની સૌથી મોટી શક્તિ માનતા હતા.
તેમના પરિવારજનોના જણાવ્યા મુજબ, પંકજ ઉધાસ ખૂબ જ નમ્ર, પ્રેમાળ અને પરિવાર પ્રેમી વ્યક્તિ હતા. વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવ્યા છતાં તેઓ સાદગી, વિનમ્રતા અને પરિવાર પ્રત્યેના લગાવ માટે જાણીતા રહ્યા. એક વાકયમાં કહીએ તો પંકજ ઉધાસનું પારિવારિક જીવન પ્રેમ, સંસ્કાર અને સંગીતની પરંપરાનું સુંદર ઉદાહરણ હતું.
પંકજ ઉધાસજીને ભારતીય સંગીત ક્ષેત્રે આપેલ અમૂલ્ય યોગદાન બદલ ભારત સરકારે વર્ષ ૨૦૦૬માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. તેમના નિધન પછી વર્ષ ૨૦૨૫ માં તેમને પદ્મભૂષણ સન્માન પણ એનાયત કરવામાં આવ્યું. ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ લાંબી બીમારી બાદ મુંબઈમાં તેમનું અવસાન થયું. તેઓ ૭૨ વર્ષના હતા. તેમ છતાં તેમની ગઝલો આજે પણ સંગીત પ્રેમીઓના હૃદયમાં જીવંત છે અને તેમની મખમલી અવાજની મધુરતા સદાય અમર રહેશે.
પંકજ ઉધાસનું જીવન સંગીત, સાદગી અને સંવેદનાનું અનોખું ઉદાહરણ છે. તેમણે ગઝલને જન-જન સુધી પહોંચાડીને ભારતીય સંગીત ઇતિહાસમાં અમર સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજે તેમની ૭૬મી જન્મજયંતિ વેળાએ તેમના લાખો ગઝલ પ્રેમીઓ તરફથી ભાવભરી શ્રદ્ધાંજલી...
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
