<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

આજે ‘વર્લ્ડ લંગ કેન્સર ડે’: જીસીઆરઆઈમાં ૫ વર્ષમાં ફેફસાંના કેન્સરના ૪,૮૩૦ દર્દી નોંધાયા, દર વર્ષે કેસોમાં ચિંતાજનક ઉછાળો!

ગ્લોબોકેન રિપોર્ટ મુજબ ભારતમાં દર વર્ષે ૧.૧૨ લાખથી વધુ નવા કેસ અને ૯૮ હજારથી વધુ દર્દીના મોત; તમાકુ, ધૂમ્રપાન અને પ્રદૂષણને કારણે પુરુષો સૌથી વધુ ભોગ બન્યા

અમદાવાદ : દર વર્ષે ૧લી ઓગસ્ટના રોજ વિશ્વભરમાં 'વર્લ્ડ લંગ કેન્સર ડે' (વિશ્વ ફેફસાંના કેન્સર દિવસ) નિમિત્તે જનજાગૃતિ ફેલાવવામાં આવે છે. કેન્સરના કારણે થતા મૃત્યુમાં ફેફસાંનું કેન્સર વૈશ્વિક સ્તરે સૌથી મોટું અને ઘાતક કારણ બનીને ઉભરી આવ્યું છે. ગ્લોબોકેન-૨૦૨૨ના વૈશ્વિક રિપોર્ટ અનુસાર, ભારતમાં દર વર્ષે અંદાજે ૧.૧૨ લાખથી વધુ નવા ફેફસાંના કેન્સરના દર્દીઓ નોંધાય છે અને ૯૮ હજારથી વધુ નાગરિકો આ ગંભીર બીમારી સામે ઝીંક ઝીલી ન શકતા મૃત્યુ પામે છે. જ્યારે વૈશ્વિક સ્તરે આ આંકડો વાર્ષિક ૨૬ લાખ નવા કેસ અને ૧૮ લાખથી વધુ મૃત્યુનો છે.
ગુજરાતમાં જીસીઆરઆઈના આંકડા ચિંતાજનક
ગુજરાતમાં પણ ફેફસાંના કેન્સરનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે, જે અત્યંત ચિંતાનો વિષય છે. 'ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' (GCRI) અમદાવાદ ખાતે છેલ્લા પાંચ વર્ષના ડેટામાં સતત વધારો જોવા મળ્યો છે:
•    વર્ષ ૨૦૨૧: ૮૧૩ કેસ
•    વર્ષ ૨૦૨૨: ૮૬૫ કેસ
•    વર્ષ ૨૦૨૩: ૯૩૩ કેસ
•    વર્ષ ૨૦૨૪: ૧,૦૮૬ કેસ
•    વર્ષ ૨૦૨૫: ૧,૧૩૩ કેસ
છેલ્લા ૫ વર્ષમાં નોંધાયેલા કુલ ૪,૮૩૦ દર્દીઓમાંથી ૩,૯૩૧ (૮૧.૪%) પુરુષો અને ૮૯૯ (૧૮.૬%) મહિલા દર્દીઓ છે. બીડી, સિગારેટ અને તમાકુના વધુ સેવનના કારણે પુરુષોમાં આ પ્રમાણ ચિંતાજનક રીતે ઘણું વધારે છે.
નિદાનમાં વિલંબ જ મૃત્યુનું મુખ્ય કારણ
તબીબોના જણાવ્યા મુજબ, ફેફસાંના કેન્સરના શરૂઆતના તબક્કામાં લક્ષણો ખૂબ સામાન્ય જણાતા હોવાથી મોટાભાગના દર્દીઓમાં નિદાન મોડું થાય છે. બીડી, સિગારેટ કે ગુટખા જેવા તમાકુના સેવન ઉપરાંત પરોક્ષ ધૂમ્રપાન (સેકન્ડ હેન્ડ સ્મોકિંગ), વાયુ પ્રદૂષણ અને ઔદ્યોગિક રસાયણો કે એસ્બેસ્ટોસ જેવા ઝેરી પદાર્થોના સંપર્કમાં આવવું આ રોગના મુખ્ય જોખમી પરિબળો છે.
આ લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો
જો કોઈ વ્યક્તિને લાંબા સમય સુધી ઉધરસ રહેવી, ઉધરસમાં લોહી પડવું, શ્વાસ લેવામાં તકલીફ થવી, છાતીમાં સતત દુખાવો થવો, અવાજ ઘોઘરો થઈ જવો કે કારણ વગર અચાનક વજન ઘટવું જેવા લક્ષણો જણાય તો તેને સામાન્ય શરદી-ધૂળની એલર્જી ગણીને અવગણવા નહીં. સમયસરની ડાક્ટરી તપાસ, તમાકુનો સંપૂર્ણ ત્યાગ અને આધુનિક સારવારથી દર્દીનો જીવ બચાવવાની સંભાવના નોંધપાત્ર રીતે વધારી શકાય છે.

(7:03 PM IST)