<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

નેપાળમાં પૂર અને ભૂસ્ખલનને કારણે પ્રવાસન ઠપ્પ: સોનાલી સરહદેથી ભારતીય પ્રવાસીઓની અવરજવરમાં ભારે ઘટાડો

કાઠમંડુ અને પોખરા જતા ધોરીમાર્ગો ધોવાતાં વાહનોની સંખ્યા 90 થી ઘટીને 20 થઈ: સીમાવર્તી વિસ્તારોમાં હોટેલ અને ટ્રાવેલ વ્યવસાયને ફટકો

નેપાળમાં તાજેતરમાં આવેલા ભયાનક પૂર અને પહાડી વિસ્તારોમાં થયેલા ભારે ભૂસ્ખલનના કારણે પ્રવાસન ક્ષેત્ર પર માઠી અસર પડી છે. ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લા નજીક આવેલી ભારત-નેપાળની મુખ્ય સોનાલી સરહદેથી નેપાળ જતા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. અગાઉ સોનાલી સરહદેથી દરરોજ 60 થી વધુ ખાનગી પ્રવાસી વાહનો અને બસો મળીને કુલ 85 થી 90 વાહનો પ્રવેશતા હતા, જે આંકડો હવે ઘટીને માંડ 10 થી 12 કાર અને કુલ 20 વાહનો સુધી સીમિત થઈ ગયો છે. હાલ મોટાભાગના ભારતીય પ્રવાસીઓ માત્ર લુમ્બિની, બુટવાલ અને ભૈરહવા જેવા સરહદી વિસ્તારો સુધી જ મુસાફરી કરી રહ્યા છે.

પૂરના કારણે કાઠમંડુ અને પોખરા તરફ જતા મુખ્ય માર્ગો ક્ષતિગ્રસ્ત થતાં પ્રવાસીઓ માટે મુશ્કેલીઓ વધી છે. સોનાલીથી કાઠમંડુનું સામાન્ય અંતર આશરે 280 કિલોમીટર છે, પરંતુ રસ્તાઓ બંધ હોવાને કારણે હાલ હેતૌંડા થઈને 400 કિલોમીટરનો લાંબો ફેરાવાળો રસ્તો કાપવો પડી રહ્યો છે, જેનાથી સમય અને ખર્ચ બંનેમાં વધારો થયો છે. બીજી તરફ સોનાલીથી બુટવાલ (30 કિમી) થઈને પાલ્પા માર્ગે પોખરા જતો 150 કિલોમીટરનો પહાડી રસ્તો પણ જોખમી બનતાં પ્રવાસીઓ ત્યાં જવાનું ટાળી રહ્યા છે.

ભારતીય પ્રવાસીઓની સંખ્યા ઘટવાના કારણે સોનાલી અને સરહદી વિસ્તારોમાં આવેલી હોટેલો, ટ્રાવેલ એજન્સીઓ અને ટેક્સી ઓપરેટરોના ધંધા-રોજગાર પર સીધી માઠી અસર પડી છે. ભૈરહવા કસ્ટમ્સ ચીફ હરિહર પૌડેલે જણાવ્યું હતું કે હાલ ભારતીય પ્રવાસી વાહનોની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે, મુખ્ય માર્ગોનું સમારકામ પૂર્ણ થઈ રસ્તાઓ ફરી પૂર્વવત શરૂ થતાં જ પ્રવાસીઓની સંખ્યામાં ફરી વધારો થવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.

(7:37 PM IST)