હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગરમીથી બચવા પહાડો તરફ દોડ્યા પ્રવાસીઓ : મનાલીથી ચારધામ સુધી કલાકોના ટ્રાફિક જામથી અંધાધૂંધી
ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં પ્રચંડ લૂ વચ્ચે હિલ સ્ટેશનો પર લાખો પ્રવાસીઓનો ધસારો : હોટેલો ફૂલ અને રસ્તાઓ પર વાહનોની કિલોમીટરો લાંબી કતારોથી પર્યટકો મુશ્કેલીમાં મુકાયા

મનાલી : ઉત્તર ભારતમાં પડી રહેલી ભીષણ ગરમી અને અસહ્ય તાપમાનથી બચવા માટે લાખો પ્રવાસીઓ પહાડી વિસ્તારો તરફ ઉમટી પડ્યા છે. જો કે, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પ્રખ્યાત હિલ સ્ટેશનો પર ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓ પહોંચવાના કારણે ત્યાંની વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. મનાલી, રોહતાંગ પાસ, નૈનિતાલ અને ચારધામ યાત્રાના મુખ્ય માર્ગો પર વાહનોની ભારે ભીડને કારણે કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. વીકએન્ડ દરમિયાન ગરમીથી રાહત મેળવવા ગયેલા લોકો હવે કલાકો સુધી રસ્તાઓ પર જ અટવાઈ પડ્યા છે.
હિમાચલના રોહતાંગ પાસ પર શનિવારે અંદાજે ૫ કિલોમીટર લાંબો જામ જોવા મળ્યો હતો, જેના કારણે પર્યટકોએ સોશિયલ મીડિયા પર પોતાની અગવડતાના વીડિયો શેર કર્યા છે. બીજી તરફ, ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રાના રૂટ પર જોશીમઠ અને વિષ્ણુપ્રયાગ વચ્ચે પણ વાહનો થંભી ગયા છે. મર્યાદિત રસ્તાઓ અને પાર્કિંગની અપૂરતી સુવિધાઓને કારણે નૈનિતાલ જેવા પ્રખ્યાત સ્થળોએ સ્થાનિક વહીવટીતંત્ર માટે ટ્રાફિક નિયંત્રિત કરવો મુશ્કેલ બન્યો છે. પહાડોમાં ટ્રાફિક જામના આ વીડિયો હાલ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
આ ભારે ભીડને કારણે હિલ સ્ટેશનો પર આવેલી હોટેલો, હોમસ્ટે અને રેસ્ટોરાંનું બુકિંગ ૧૦૦ ટકા સુધી ફૂલ થઈ ગયું છે, જેનાથી સ્થાનિક વેપારીઓ અને ટેક્સી ચાલકોને મોટો આર્થિક ફાયદો થઈ રહ્યો છે. જો કે, પ્રવાસીઓનો આ અવિરત ધસારો પહાડી વિસ્તારોની કુદરતી ક્ષમતા પર ભારે દબાણ લાવી રહ્યો છે. નિષ્ણાતો અને સ્થાનિક પ્રશાસને પ્રવાસીઓને હાલ પૂરતું પર્વતીય વિસ્તારોમાં જવાનું ટાળવા અથવા સંપૂર્ણ આયોજન સાથે જ મુસાફરી કરવાની સલાહ આપી છે, જેથી તેઓ લાંબા જામ અને અન્ય હાલાકીથી બચી શકે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
