News of Friday, 23rd October 2026
શિયાળાની શરૂઆતે જ ઝેરી હવાનો ભરડો: દેશના ૨૩ શહેરોમાં વાયુ પ્રદૂષણ 'ખરાબ' શ્રેણીમાં : હરિયાણાનું માનેસર સૌથી વધુ પ્રદૂષિત!
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચોંકાવનારા આંકડા જાહેર : દિલ્હી-NCR સહિત અનેક રાજ્યોમાં શ્વાસ લેવો મુશ્કેલ બન્યો : ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

નવી દિલ્હી: શિયાળાની ઋતુની દસ્તક સાથે જ સમગ્ર દેશમાં વાયુ પ્રદૂષણનું ભયાનક સંકટ ઘેરાવા લાગ્યું છે. દેશના અનેક રાજ્યોમાં હવાની ગુણવત્તામાં ભયજનક કડાકો બોલાતાં પ્રદૂષણનું ઝેર ઝડપથી ફેલાઈ રહ્યું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા શુક્રવારે સાંજે ૪ વાગ્યે જાહેર કરાયેલા તાજેતરના દૈનિક AQI બુલેટિન મુજબ, દેશભરના ૨૫૨ મુખ્ય શહેરોમાંથી ૨૩ શહેરોમાં હવાની ગુણવત્તા અત્યંત 'ખરાબ' શ્રેણીમાં પહોંચી ગઈ છે. માત્ર ૧૨૪ શહેરો જ એવા રહ્યા છે જ્યાં હવા સારી કે સંતોષકારક સ્થિતિમાં છે. તહેવારોની મોસમ શરૂ થતાં જ ઝેરી ધુમ્મસની ચાદરે અનેક શહેરોને પોતાના ભરડામાં લઈ લીધા છે.
CPCBના ચોંકાવનારા આંકડા અનુસાર, હરિયાણાનું માનેસર ૨૮૯ના અત્યંત ખરાબ AQI સાથે દેશનું સૌથી વધુ પ્રદૂષિત શહેર નોંધાયું છે. આ પછી ઉત્તર પ્રદેશનું ગ્રેટર નોઈડા અને મધ્ય પ્રદેશનું સિંગરૌલી બંને ૨૮૪ના ભયજનક AQI સાથે બીજા ક્રમે રહ્યા છે, જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં પણ AQI ૨૩૦ નોંધાતાં વાતાવરણ અત્યંત ઝેરી બની ગયું છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ૦ થી ૫૦ સુધીનો AQI સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ હાલના સંજોગોમાં પ્રદૂષણનું સ્તર તેનાથી અનેક ગણું વધી જતાં લોકો માટે ખુલ્લામાં શ્વાસ લેવો પણ જોખમી બની રહ્યો છે.
શિયાળાના આગમન સાથે તાપમાન ઘટવાને કારણે તેમજ દશેરા અને દિવાળી જેવા આગામી મોટા તહેવારોની ઉજવણી વચ્ચે વાયુ પ્રદૂષણની આ સમસ્યા વધુ વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCR ક્ષેત્રમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની અરજી પર મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને પી.બી. વરાલેની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે, પરંતુ દિવસભર અવિરત ફટાકડા ફોડવાથી બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોના સ્વાસ્થ્ય પર જીવલેણ અસરો પડી શકે છે, જેથી પ્રદૂષણ નિયંત્રણ અને તહેવારો વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું જરૂરી છે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
