તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th November 2026
દિલ્હીમાં ઝેરી ધુમ્મસની ચાદર છવાઈ: પંજાબી બાગમાં AQI ૪૫૨ પાર, ૧૧ વિસ્તારોમાં સ્થિતિ અતિ ગંભીર
રાજધાનીમાં GRAP-૩ પ્રતિબંધો છતાં હવા ગુંગળામણભરી બની, દિવાળી પહેલાં જાહેર આરોગ્ય સામે મોટો ખતરો

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત ચિંતાજનક બની રહી છે અને રવિવારે સવારે મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ઝેરી ધુમ્મસ છવાતાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ખતરનાક સ્તરે પહોંચ્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) દ્વારા સવારે ૬ વાગ્યે જાહેર કરાયેલા આંકડા અનુસાર શહેરના મોટાભાગના વિસ્તારો 'ગંભીર' શ્રેણીમાં રહ્યા છે. આ ગૂંગળામણભરી સ્થિતિમાં પંજાબી બાગ વિસ્તારમાં સૌથી વધુ ૪૫૨ AQI નોંધાયો છે, જ્યારે આર. કે. પુરમમાં ૪૪૯, IIT દિલ્હીમાં ૪૪૬ અને પશ્ચિમ દિલ્હીના દ્વારકામાં ૪૪૪ નો ગંભીર સ્કોર નોંધાતાં લોકો માટે શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે.
દિલ્હીના અન્ય પ્રમુખ વિસ્તારોની વાત કરીએ તો મથુરા રોડ પર ૪૨૫, સિરી ફોર્ટ અને નોર્થ કેમ્પસ (DU) બંનેમાં ૪૨૩ AQI નોંધાયો હતો. આ ઉપરાંત પુસામાં ૪૧૫, ચાંદની ચોકમાં ૪૧૭, બુરારી ક્રોસિંગમાં ૪૧૧ અને NSUT જાફરપુરમાં ૪૦૯ નો આંકડો સામે આવ્યો છે, જેનાથી આ તમામ ૧૧ વિસ્તારો ૪૦૦ થી વધુ AQI સાથે 'ગંભીર' શ્રેણીમાં પહોંચી ગયા છે. બીજી તરફ, નરેલામાં ૩૯૯, ITO માં ૩૯૬, મંદિર માર્ગ પર ૩૯૩, ઉત્તમ નગરમાં ૩૭૩, બુરાડીમાં ૩૭૦, તાલકટોરા ગાર્ડન અને આયા નગરમાં ૩૬૯ નોંધાવા છતાં નાગરિકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ અનુભવાઈ હતી.
શહેરના બાકીના ભાગો જેવા કે વસુંધરા એન્ક્લેવમાં ૩૫૬, ટિકરી કલાન અને બદરપુરમાં ૩૪૯, કરાલામાં ૩૩૭ તથા લોધી રોડ (IITM) માં ૩૩૩ AQI નોંધાયો છે. દિવાળી પહેલાં દિલ્હી-NCRની હવા સતત ઝેરી બની રહી છે, જે જાહેર આરોગ્ય માટે સીધો અને ગંભીર ખતરો ઊભો કરે છે. વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે વહીવટીતંત્ર દ્વારા GRAP-૩ (ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન) હેઠળના તમામ કડક પ્રતિબંધો લાગુ કરી દેવામાં આવ્યા છે, પરંતુ તેનાથી હવાની ગુણવત્તામાં કોઈ ખાસ કે સંતોષકારક સુધારો જોવા મળ્યો નથી.
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તબીબોએ નાના બાળકો, વૃદ્ધો અને શ્વાસના દર્દીઓને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ ફેસ માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. આગામી દિવસોમાં જો હવાની ગુણવત્તા વધુ કથડશે તો વહીવટીતંત્ર દ્વારા શાળા-કોલેજો બંધ રાખવા કે વાહનો માટે ઓડ-ઈવન જેવા વધુ કડક પગલાં (GRAP-૪) અમલમાં મૂકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રદૂષણ રોકવા માટે દિલ્હી અને આસપાસના રાજ્યો દ્વારા હાથ ધરાનારા સંયુક્ત પગલાં પર સૌની નજર રહેશે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
