<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

માલ મોકલવાના સ્‍થળના સરનામા સાથે જીએસટી નંબર લખવાના નિયમને લીધે વેપાર ખુલ્‍લો પડશે

જીએસટીમાં માલ મોકલવા માટે ફરજિયાત નંબર લખવાના નિયમથી કચવાટ : કમિશનથી પેટિયું રળનારાઓની રોજગારી પર સીધી અસર પહોંચી શકે તેવો નિયમ

મુંબઈ,તા.૨૯: વેપારીએ જે સ્‍થળે માલ મોકલવાનો હોય તે સ્‍થળના સરનામાની સાથે જીએસટી નંબર ફરજિયાત આપવા માટેનો નિયમ ઇ-વે બિલમાં લાગુ કરવામાં આવનાર છે. તેના કારણે વેપારીઓમાં કચવાટ પેદા થયો છે, કારણ કે કમિશનથી વેપાર કરનારાઓને આ નિયમને કારણે વેપાર ખુલ્‍લો પડી જવાનો ડર છે. તેમજ પોતાને જે કમિશનથી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે તેના પર પણ સીધી અસર પડવાની શક્‍યતા જાણકારોએ વ્‍યક્‍ત કરી છે.

આગામી દિવસોમાં જીએસટીમાં ઈ-વે બિલ બનાવવા માટે શીપ ટુનો નિયમ લાગુ કરવામાં આવ્‍યો છે. તેમાં ઇ-વે બિલ બનાવતી વખતે સરનામાની સાથે જે વ્‍યક્‍તિને માલ મોકલવાનો હોય તેનો જીએસટી નંબર ફરજિયાત દર્શાવવો પડશે. આ કારણોસર માલ લેનાર વેપારીને સામેવાળા વ્‍યક્‍તિનો જીએસટી નંબર ઈ-વે બિલ થકી સરળતાથી મળી રહેવાનો છે. ઈ-વે બિલના આધારે તે વ્‍યક્‍તિનો મોબાઈલ નંબર સહિતની વિગતો પણ સામેવાળા વેપારીને મળી રહેવાના કારણે જેના થકી માલ મંગાવ્‍યો હશે તેની પાસેથી બીજી વખત માલ મંગાવવાના બદલે સીધી પાર્ટી પાસેથી જ માલ મંગાવે તેવા સંજોગો ઊભા થવાના છે. કારણ કે માલ ખરીદનાર વેપારી અન્‍ય પાસેથી માલ મંગાવે તેના બદલે સીધી પાર્ટી પાસેથી માલ મંગાવે તો અન્‍ય વ્‍યક્‍તિને જે કમિશન પેટે રૂપિયા ચુકાવવાના થાય તે ચૂકવવા નહીં પડે. આ કારણોસર તેને ઓછા ભાવે તે જ માલ મળી રહેવાનો છે. આ કારણોસર વેપારીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સમગ્ર વેપાર ખુલ્‍લો પડી જવાનો પણ ડર હાલ તો વેપારીઓને સતાવી રહ્યો છે.

જીએસટીની આવકમાં ઝાઝો ફરક પડવાનો નથી

હાલમાં વેપારીઓ માલ મંગાવીને અન્‍ય વેપારીને વેચી દે તો તેવા કિસ્‍સામાં સામેવાળા વ્‍યક્‍તિનો જીએસટી નંબર લખવાનો નિયમ નહોતો, પરંતુ તેનું સરનામું ચોક્કસપણે લખવામાં આવતું હતું. તે પેટે સરકારમાં જીએસટીની રકમ પણ જમા કરાવવામાં આવતી હતી, પરંતુ કેટલાક લોકો એવું પણ કરતા હતા કે ચારથી પાંચ જગ્‍યાએ માલની જરૂરિયાત હોય તો જે જગ્‍યા પર જીએસટી નંબર હોય ત્‍યાં જ માલ મંગાવીને અન્‍ય જગ્‍યાએ પોતાની રીતે માલ સપ્‍લાય કરી દેતા હતા. આવી ફરિયાદના આધારે શીપ ટુમાં એટલે કે સરનામાની સાથે ફરજિયાત જીએસટી નંબર લખવાનો નિયમ લાગુ કરવામાં આવ્‍યો હોવાની પણ શક્‍યતા નકારી શકાય તેમ નથી.

કમિશનથી ગુજરાન ચલાવનારાઓને સીધી અસર પડશે

હું હાલમાં બે વેપારીઓને માલ મોકલીને કમિશન પેટે આવક રળનારાઓની રોજગારી પર સીધી અસર પડવાની છે, કારણ કે કમિશનની આવક ચૂકવવી નહીં પડે તે વેપારીઓ અન્‍ય વેપારી પાસે સીધો માલ ખરીદી કરશે. તેમાં પણ વેપારીને સામેવાળા વેપારીના નંબર સહિતની વિગતો જીએસટી પોર્ટલ પરથી મળી રહેવાના લીધે આગામી દિવસોમાં વેપાર બંધ મુઠ્ઠી રાખીને કરવામાં આવતો હતો તે આ નિયમને કારણે ઉઘાડો પડવાની પણ શક્‍યતા નકારી શકાય તેમ નથી.

(10:02 AM IST)