<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સબંધો નવો ઇતિહાસ આલેખશે :દિલ્હીમાં અત્યંત મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વેપાર મંત્રણા

અમેરિકી પ્રતિનિધિમંડળ 1 થી 4 જૂન દિલ્હીની મુલાકાતે આવશે :ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારને આખરી ઓપ આપશે

નવી દિલ્હી :વૈશ્વિક અર્થતંત્રના બે સૌથી મજબૂત સ્તંભ એવા ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધો હવે એક નવો ઈતિહાસ લખવા તરફ આગળ વધી રહ્યા છે. બંને દેશો વચ્ચેના આર્થિક અને વ્યાપારીને વધુ દ્રઢ બનાવવાના હેતુથી આગામી સમયમાં એક અત્યંત મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વેપાર મંત્રણા યોજાવા જઈ રહી છે. આ વ્યૂહાત્મક મંત્રણાના ભાગરૂપે અમેરિકાનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે આવી રહ્યું છે, જે બંને દેશો વચ્ચેના ભવિષ્યના વેપારની દિશા અને દશા નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થશે.

અમેરિકી વ્યાપાર પ્રતિનિધિમંડળ આગામી 1 થી 4 જૂન દરમિયાન નવી દિલ્હીની  મુલાકાતે આવશે. આ ચાર દિવસીય પ્રવાસ દરમિયાન બંને દેશોના ટોચના અધિકારીઓ અને નીતિ ઘડવૈયાઓ સામસામે બેસીને વ્યાપક દ્વિપક્ષીય વેપાર કરાર પર વિગતવાર મંત્રણાઓ કરશે. આ મુલાકાત અગાઉ એપ્રિલ મહિનામાં વોશિંગ્ટન ડીસી ખાતે ભારતીય પ્રતિનિધિમંડળ સાથે થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોની જ આગામી કડી છે, જે લાંબા ગાળાના આર્થિક હિતોને સાધવા માટે યોજાઈ રહી છે.

આ મહત્વપૂર્ણ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને અમેરિકા વચ્ચેના સંભવિત અંતરીમ વેપાર કરારની તમામ બારીક વિગતો અને મુસદ્દાને આખરી ઓપ આપવાનો છે. બંને દેશો એકબીજાના સ્થાનિક ઉત્પાદનો માટે બજાર પહોંચ (માર્કેટ એક્સેસ) વધુ સરળ અને વ્યાપક બને તે દિશામાં નક્કર કામગીરી કરી રહ્યા છે. આ કરાર થવાથી ભારતીય નિકાસકારો અને અમેરિકી ઉદ્યોગો બંનેને ટેરિફ સંબંધિત બાબતોમાં મોટી રાહત મળવાની આશા સેવાઈ રહી છે.

બંને દેશો વચ્ચેના વેપારમાં નડતા બિન-ટેરિફ નડતરો અને તકનીકી અવરોધોને દૂર કરવા માટે આ બેઠકમાં વિશેષ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, બદલાતા વૈશ્વિક પરિદ્રશ્યમાં આર્થિક સુરક્ષાને સુનિશ્ચિત કરવા અને સીમા શુલ્ક (કસ્ટમ્સ) પ્રક્રિયાઓને વધુ સરળ બનાવવા પર ભાર મુકાશે. આ મંત્રણાઓથી ડિજિટલ ટ્રેડ અને ઉભરતી નવી ટેકનોલોજીના ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારવા માટે એક મજબૂત અને કાયમી માળખું તૈયાર કરવામાં આવશે.

આ સમગ્ર વાટાઘાટોનો પાયો ચાલુ વર્ષની ૭ ફેબ્રુઆરીના રોજ લેવાયેલા સંયુક્ત નિવેદન અને ફ્રેમવર્ક પર આધારિત છે, જેમાં બંને પક્ષોએ પરસ્પર લાભદાયી વેપાર માટેની કટિબદ્ધતા દર્શાવી હતી. એપ્રિલની સફળ વાર્તાલાપ બાદ હવે જૂન મહિનાની આ બેઠક દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ મંજૂરી તરફ દોરી જશે. વૈશ્વિક બજાર અને ઉદ્યોગ જગતની નજરો હાલમાં આ ઐતિહાસિક મુલાકાત પર ટકેલી છે, જે બંને દેશોની આર્થિક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જશે.

(7:24 PM IST)