હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડિજિટલ ટેક્સના મુદ્દે અમેરિકા અને યુરોપ વચ્ચે ફરી વેપાર યુદ્ધના મંડાણ : ડોનાલ્ડ ટ્રમ્પે આપી ૧૦૦ ટકા ટેરિફ વસૂલવાની આકરી ચેતવણી
અમેરિકન ટેકનોલોજી કંપનીઓ પર નવો કર લાદવાનો વિચાર કરી રહેલા યુરોપિયન દેશો સામે વૉશિંગ્ટન આકરાં પગલાં લેશે : સોશિયલ મીડિયા પર જાહેરાત કરતા અમેરિકી પ્રમુખે સ્પષ્ટ કર્યું કે કોઈપણ જૂની વેપાર સમજૂતીઓને ધ્યાને લીધા વિના નિકાસ પર વસૂલાશે બમણો ટેક્સ

વૉશિંગ્ટન : અમેરિકાની દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓ પર યુરોપિયન દેશો દ્વારા લાદવામાં આવી રહેલા સંભવિત ડિજિટલ ટેક્સના મુદ્દે વૈશ્વિક સ્તરે ફરી એકવાર મોટા વેપાર યુદ્ધ (ટ્રેડ વૉર) ના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક આકરી ચેતવણી આપતા જણાવ્યું છે કે, જે કોઈ પણ દેશ અમેરિકન કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી ડિજિટલ સેવાઓ પર ટેક્સ લાદશે, તેણે અમેરિકામાં થનારી પોતાની તમામ નિકાસ (એક્સપોર્ટ) પર ૧૦૦ ટકા જેટલો ભારે ટેરિફ (ચાર્જ) ભોગવવો પડશે. યુરોપના કેટલાક દેશો મોટી અમેરિકન ટેક કંપનીઓને નિશાન બનાવીને નવો ડિજિટલ સર્વિસ ટેક્સ લાવવાની તૈયારી કરી રહ્યા હોવાના અહેવાલો વચ્ચે આ સખત નિવેદન સામે આવ્યું છે. પ્રમુખે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટ દ્વારા યુરોપિયન દેશોના આ સંભવિત પગલાની આકરી ટીકા કરી છે અને વૉશિંગ્ટન આ બાબતે તાત્કાલિક વળતો પ્રહાર કરશે તેમ જણાવ્યું છે.
જૂની તમામ વેપાર સમજૂતીઓ રદબાતલ ગણાશે
સોશિયલ મીડિયા પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે, "કૃપા કરીને આ નિવેદનને સત્તાવાર ગણવામાં આવે કે જે કોઈ પણ દેશ આવો કોઈ ટેક્સ લાદશે, તેને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં મોકલવામાં આવતા તમામ માલસામાન પર તાત્કાલિક ૧૦૦ ટકા ટેરિફનો સામનો કરવો પડશે." આ સાથે જ તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ નવી ટેરિફ નીતિ અગાઉ વાટાઘાટો દ્વારા નક્કી કરાયેલી કોઈપણ વેપાર વ્યવસ્થાઓ અથવા કરારોને પણ રદબાતલ ગણીને તેના પર પ્રભાવી રહેશે. જોકે, તેમનું મુખ્ય ધ્યાન યુરોપિયન દેશો પર કેન્દ્રિત હતું, પરંતુ આ કડક નિયમ ડિજિટલ ટેક્સ દાખલ કરનારા વિશ્વના દરેક દેશને સમાન રીતે લાગુ પડશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
શા માટે ડિજિટલ સર્વિસ ટેક્સ વિવાદનું કારણ બન્યો છે?
સામાન્ય રીતે ડિજિટલ સર્વિસ ટેક્સ એ દેશની સરહદોની અંદર ઓનલાઈન જાહેરાતો, ડિજિટલ માર્કેટપ્લેસ અને અન્ય ઈન્ટરનેટ આધારિત સેવાઓમાંથી મોટી ટેકનોલોજી કંપનીઓ દ્વારા મેળવવામાં આવતી આવક પર લાદવામાં આવે છે. આ ટેક્સનું માળખું એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે તે માત્ર વિશ્વની સૌથી મોટી અને સ્થાપિત કંપનીઓને જ લાગુ પડે છે. જેમાં મેટા, આલ્ફાબેટ (ગુગલ) અને એમેઝોન જેવી અગ્રણી કંપનીઓ સામેલ છે અને આ તમામ કંપનીઓ અમેરિકા આધારિત છે. અમેરિકી વહીવટીતંત્ર લાંબા સમયથી આ પ્રકારના કરવેરાનો વિરોધ કરતું આવ્યું છે, કારણ કે તેમનું માનવું છે કે આ ટેક્સ માત્ર અમેરિકન કંપનીઓને જ અયોગ્ય રીતે નિશાન બનાવવા માટે બનાવવામાં આવ્યો છે.
વૈશ્વિક અર્થતંત્ર પર વેપાર તણાવનું જોખમ
બીજી તરફ, ટેક્સ લાદવાની તરફેણ કરી રહેલા દેશોની દલીલ છે કે વર્તમાન આંતરરાષ્ટ્રીય ટેક્સ નિયમો ડિજિટલ અર્થતંત્રની ગતિ સાથે તાલ મિલાવી શક્યા નથી. બહુરાષ્ટ્રીય કંપનીઓ જે બજારમાંથી મોટો નફો અને આવક ઊભી કરે છે, તે દેશને ન્યાયી રીતે કરવેરો ચૂકવે તે સુનિશ્ચિત કરવા માટે આ નિયમોને અપડેટ કરવા અત્યંત જરૂરી છે. જોકે, વૉશિંગ્ટન અને યુરોપિયન સરકારો વચ્ચેનો આ જુનો મતભેદ હવે ફરી સપાટી પર આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની આ તાજી આક્રમક ચેતવણીને પગલે અમેરિકા અને યુરોપ વચ્ચેના આર્થિક સંબંધોમાં ફરી એકવાર મોટી ખટાશ આવે અને વૈશ્વિક બજાર પર તેની નકારાત્મક અસરો પડે તેવી ગંભીર સંભાવનાઓ દેખાઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
