તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
એક મહિનામાં વિરોધ પ્રદર્શનોને કારણે વેપારીઓને ૧૪૦૦૦ કરોડનું નુકસાન
વેપારીઓ ઇચ્છે છે કે ૧૧ નવેમ્બર સુધી દિલ્હીના મુખ્ય વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની રેલી, ધરણા કે વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં ન આવે

નવી દિલ્હી,તા.૩: રાજધાનીમાં વારંવાર થતા વિરોધ પ્રદર્શનો અને રેલીઓ હવે વેપારીઓ માટે ચિતાનો વિષય બન્યાં છે. વેપારીઓનું કહેવું છે કે રસ્તાઓ પર થતા દેખાવો અને ટ્રાફિકની સમસ્યાને કારણે બજારોમાં ગ્રાહકોની અવરજવર ઘટી રહી છે, જેના કારણે વેપારને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે દિલ્હીના વેપારીઓએ પોલીસ સમક્ષ એક મોટી માંગ મૂકી છે. વેપારીઓ ઇચ્છે છે કે ૧૧ નવેમ્બર સુધી દિલ્હીના મુખ્ય વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની રેલી, ધરણા કે વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં ન આવે. વેપારીઓના સંગઠનના દાવા પ્રમાણે, છેલ્લા એક મહિનામાં વિરોધ પ્રદર્શનોને કારણે તેમને અંદાજે ૧૪ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)એ દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો, આ પત્રમાં સંગઠને ૧૧ નવેમ્બર સુધી રેલી, ધરણા, વિરોધ પ્રદર્શન અને કૂચ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. વેપારીઓએ ખાસ કરીને કનોટ પ્લેસ, જંતર-મંતર, રામલીલા મેદાન, ઇન્ડિયા ગેટ, રાજઘાટ, દિલ્હી ગેટ, મધ્ય દિલ્હી અને જૂની દિલ્હીમાં આવા કાર્યક્રમોને મંજૂરી ન આપવા વિનંતી કરી છે. વેપારીઓનું કહેવું છે કે તહેવારોની સિઝનમાં બજારોમાં ખરીદી માટે લોકો આવે છે, ત્યારે આવા કાર્યક્રમોને કારણે વેપાર પર ખરાબ અસર પડે છે.
CTI અંદાજ પ્રમાણે, છેલ્લા એક મહિનામાં થયેલા વિરોધ પ્રદર્શનો અને રેલીઓને કારણે દિલ્હીના વેપારીઓને લગભગ ૧૪ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સંગઠનનું કહેવું છે કે વારંવાર રસ્તાઓ બંધ થવા અને ટ્રાફિકની સમસ્યાને કારણે ગ્રાહકો બજારો સુધી પહોંચી શકતા નથી. પરિણામે દુકાનોમાં ખરીદી ઘટે છે અને વેપારીઓને નુકસાન સહન કરવું પડે છે.
ઇન્ડિયા બ્લોકની રેલીથી શરૂ થયો હતો વિવાદ
દિલ્હીના રામલીલા મેદાનમાં ઇન્ડિયા બ્લોક દ્વારા યોજાયેલી રેલી બાદ વેપારીઓને થયેલા નુકસાનને લઈને રાજકીય વિવાદ શરૂ થયો હતો. CTI ચેરમેન બ્રિજેશ ગોયલે અગાઉ દાવો કર્યો હતો કે આ એક રેલીને કારણે જ વેપારીઓને ૧૦થી ૧૧ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. તેમના જણાવ્યા પ્રમાણે, રેલીના સ્થળની આસપાસનાં ૨૦થી ૨૫ મુખ્ય બજારોમાં આવેલી લગભગ ૩ લાખ દુકાનોમાંથી અંદાજે ૨.૫ લાખ દુકાનો બંધ રહી હતી.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
