હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જીએસટી રીટર્ન ભરવામાં ફરી સર્વરની સમસ્યાથી વેપારીઓ પરેશાન
છેલ્લા બે મહિનાથી છેલ્લા દિવસોમાં રીટર્ન ભરવા માટે લોગીન જ થવામાં પડકાર

મુંબઈ,તા.૧૮: જીએસટી રીટર્ન ભરવાના છેલ્લા દિવસોમાં છેલ્લા બે મહિનાથી સર્વરની સમસ્યાને કારણે કરદાતાઓ પરેશાન થઈ રહ્યા છે. જીએસટી વિભાગે સર્વર સુધારવા માટે અનેક પ્રયાસો કર્યા હોવા છતાં થોડા સમય માટે સર્વર યોગ્ય રીતે કાર્ય કર્યા બાદ ફરી પાછી એજ સમસ્યા સર્જાઈ છે. તેમાં પણ ખાસ કરીને જીએસટીમાં ૩બી રીટર્ન ભરવાને આડે ગણતરીના બે-ચાર દિવસો બાકી રહ્યા હોય ત્યારે રીટર્ન ભરવામાં પારાવાર મુશ્કેલી થતી હોવાની સમસ્યાએ ફરી શરુ થઇ છે.
જીએસટી સર્વરમાં વેપારીઓને સમસ્યા નહીં રહે તે માટે દર વર્ષે લાખ્ખો રુપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. તેમ છતાં સર્વર ધીમું ચાલતું હોવાની ફરીયાદ ચાર છ મહિનામાં ફરી ઉઠતી જ હોય છે. તેમાં પણ ખાસ કરીને રીટર્ન ભરવા માટેના ગણતરીના દિવસો બાકી હોય ત્યારે લોગીન નહીં થવું, લોગીન થયા બાદ પાસવર્ડ નહીં આવવા, લોગીન થયા બાદ રીટર્નની વિગતો અપલોડ કરવામાં આવે ત્યારે અચાનક લોગઆઉટ થઇ જવું, તમામ ડેટા ઝીરો થઈ જવા સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આ માટે વખતો વખત રજુઆત કરવામાં આવતી હોય છે. રજુઆત કરવામાં આવ્યા બાદ થોડા સમય માટે સર્વરની સમસ્યામાંથી મહદ અંશે છુટકારો મળતો હોય છે. જ્યારે થોડા સમયમાં ફરીથી આ સમસ્યા શરુ થઈ જાય છે. છેલ્લા બે મહિનાથી જીએસટી રીટર્ન ભરવા માટે આવી અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં પણ ૧૦ અને ૧૧ તારીખે જીએસટીઆર ૧ ભરવામાં અને ત્યાર બાદ ૨૦ તારીખ અને તેની પહેલા જીએસટીના ૩બી રીટર્ન ભરવામાં વેપારીઓને તકલીફ પડી રહી છે. એક રીટર્ન ભરવા માટે ઓછામાં ઓછો ૩૦ મિનિટનો સમય વિતી ગયા બાદ માંડ માંડ રીટર્ન ભરાય છે. જ્યારે પહેલા ગણતરી પાંચથી ૧૦ જ મિનિટમાં રીટર્ન ભરી દેવામાં આવતું હોય છે. પરંતુ તેમાં કાયમી ધોરણે સુધાર કરવાની દરકાર કરવામાં આવતી નહીં હોવાના લીધે વેપારીઓને તકલીફ થઇ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
