<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

વેપારીઓએ તમામ બેંક ખાતાની વિગતો આયકર વિભાગને આપવી પડશે

આઈટીઆઈમાં ફોર્મ નંબર ચારમાં કરવામાં આવેલા ફેરફારની અસર : બેંક ખાતાની વિગતો નહીં આપનારને આઇટી નોટિસ પણ ફટકારશે

નવી દિલ્‍હી,તા.૧૫: ઇન્‍કમટેક્‍સના કાયદામાં કરવામાં આવેલા સુધારાની સાથે સાથે આઇટી રિટર્ન ભરવા માટેના ફોર્મમાં પણ અનેક સુધારા લાગુ કરવામાં આવ્‍યા છે. તે અંતર્ગત વેપારીઓ અત્‍યાર સુધી જે ખાતામાં વેપાર કરતા હોય તેની જ વિગતો રજૂ કરતા હતા. જ્‍યારે હવેથી વેપારીઓના તમામ બેંક ખાતાની વિગતો આઇટી રિટર્નમાં દર્શાવી પડશે. જો વિગતો આપવામાં નહીં આવે તો વિભાગ દ્વારા આવા વેપારીઓને નોટિસ પણ ફટકારે તેવી શક્‍યતા સેવવામાં આવી રહી છે.

વેપારીઓમાં કેટલાક સમગ્ર વર્ષ દરમિયાન જે પણ ટર્નઓવર થયું હોય અને તેના પર થયેલા નફાના આધારે ૬થી આઠ ટકા ટેક્‍સ ભરીને રિટર્ન ફાઈ લ કરી દેતા હતા. જયારે હવેથી કાયદાની કલમમાં સુધારો કરીને તે પણ વેપારીઓ આ રીતે ટેક્‍સ ભરી દેતા હતા તેવા વેપારીઓએ પોતાના વેપારની સાથે સાથે સેવિગ્‍સ બેંક ખાતાની પણ વિગતો આઇટીઆરના ફોર્મ નંબર ચારમાં રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. પહેલા માત્ર વિગતો જ વેપારીઓએ આપવાની રહેતી હતી. જ્‍યારે હવેથી વેપારીઓના તમામ ખાતાની ડિટેઇલમાં વિગતો રજૂ કરવાની રહેશે. તેમાં નાણાકીય વર્ષનું સ્‍ટેટમેન્‍ટ પણ આપવાનું રહેશે. આ પ્રમાણે વિગતો નહીં આપનાર વેપારીઓને ઇન્‍કમટેક્‍સ વિભાગ દ્વારા નોટિસ પણ આપવામાં આવે તેવી શક્‍યતા સેવાઈ રહી છે.

આ અંગે ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટ નારાયણ શર્માએ જણાવ્‍યું હતું કે આઈટીએ કરેલા નિયમમાં સુધારાનો અમલ તમામ વેપારીઓએ કરવાનો રહેશે. સાથે સાથે રિટર્ન ભરતી વખતે જે વિગતો રજૂ કરવાની હોય જો તે કરવામાં નહીં આવે તો કાર્યવાહી પણ થવાની શક્‍યતા છે. જેથી આઇટી રિટર્ન ભરતી વખતે ખાસ તકેદારી રાખવાની સાથે સાથે તમામ બેંક ખાતા અને તેમાં કરવામાં આવેલા ટ્રાન્‍ઝેક્‍શનને આધારે રિટર્ન ભરવામાં આવે તે જરૂરી છે. કારણ કે તેમાં નાની સરખી પણ ભૂલ રહી તો પહેલા આઇટી કાર્યવાહી કરશે ત્‍યારબાદ જીએસટી વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્‍યતા નકારી શકાય તેમ નથી.

(2:18 PM IST)