<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

પુણેના NDA કૅમ્પસમાં કરૂણાંતિકા: ગોળી વાગવાથી ગંભીર રીતે ઘવાયેલા ૪૬ વર્ષના જવાનનું સારવાર દરમિયાન મોત

ગાર્ડ રૂમમાંથી અચાનક ફાયરિંગનો અવાજ આવ્યા બાદ રક્તરંજિત હાલતમાં મળી આવ્યા હતા જવાન: અકસ્માત કે આત્મહત્યા? પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

પુણે, તા.૧૭: મહારાષ્ટ્રના પુણે સ્થિત વિશ્વપ્રસિદ્ધ 'નૅશનલ ડિફેન્સ એકેડેમી' (NDA) કૅમ્પસમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કૅમ્પસમાં ફરજ બજાવતા ૪૬ વર્ષીય જવાન આર. કે. સિંહને રહસ્યમય સંજોગોમાં ગોળી વાગતાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. પાંચ દિવસ સુધી જીવન અને મરણ વચ્ચે ઝૂઝ્યા બાદ વનોવરી સ્થિત મિલિટરી કમાન્ડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બુધવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

 

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કરુણ ઘટના ૧૧ સપ્ટેમ્બરના રોજ ખડકવાસલા સ્થિત NDA કૅમ્પસમાં બની હતી. કૅમ્પસની ગાર્ડ રૂમમાં હાજર જવાન આર. કે. સિંહને ગળાના ભાગે અચાનક ગોળી વાગી હતી, જે આરપાર નીકળી ગઈ હતી. ઘટના સમયે નજીકના ટાવર પર તહેનાત અન્ય જવાને ધમાકાનો અવાજ સાંભળતા જ તે તાત્કાલિક નીચે દોડી આવ્યો હતો. ગાર્ડ રૂમમાં જવાનને લોહીલુહાણ હાલતમાં પડેલા જોઈને તેણે તુરંત કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી, જેના પછી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

 

ઘટના બાદ જવાનના મૃતદેહનું પુણેની સસૂન હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવીને તેને પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. ઉત્તમનગર પોલીસે આ મામલે પ્રાથમિક તબક્કે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ગોળી સિંહની રાઇફલમાંથી અકસ્માતે છૂટી ગઈ હતી કે તેમણે કોઈ માનસિક તણાવમાં આવીને જાતે ગોળી મારી આત્મહત્યા કરી હતી, તે અંગે રહસ્ય ઘેરાયું છે. પોલીસ અને મિલિટરી સત્તાવાળાઓ હાલ ઘટનાસ્થળના પુરાવા અને સંજોગોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે.

(5:17 PM IST)