<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

ઓડિશાના કાલાહાંડી જિલ્લામાં કરુણાંતિકા :સેપ્ટિક ટેન્ક સાફ કરતી વખતે ઝેરી ગેસથી ગૂંગળાઈ જતા 6 શ્રમિકોના કરૂણમોત

ગૌડ કાર્લાખુંટા ગામમાં એક નિર્માણાધીન સેપ્ટિક ટેન્કમાંથી સેન્ટરિંગ કાઢતી વખતે ગૂંગળામણ :મૃતકોમાં કોન્ટ્રાક્ટર નિમાઈ પાલ, તેમના પુત્ર આકાશ પાલ સહિત કુલ છ લોકોનો સમાવેશ

ઓડિશાના કાલાહાંડી જિલ્લાના એમ. રામપુર વિસ્તારમાં અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ગૌડ કાર્લાખુંટા ગામમાં એક નિર્માણાધીન સેપ્ટિક ટેન્કમાંથી સેન્ટરિંગ કાઢતી વખતે ગૂંગળામણને કારણે 6 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે એક શ્રમિક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.

પ્રાથમિક અહેવાલો મુજબ, શ્રમિકો શૌચાલયની સેપ્ટિક ટેન્કની અંદર સેન્ટરિંગની સામગ્રી કાઢવા માટે ઉતર્યા હતા. ટેન્કની અંદર ઝેરી ગેસ ભરાયેલો હોવાથી અને ઓક્સિજનની તીવ્ર અછત હોવાથી પ્રથમ ગયેલા લોકો બેહોશ થઈ ગયા હતા. તેમને બચાવવા માટે એક પછી એક અન્ય લોકો અંદર ઉતરતા ગયા અને તેઓ પણ ગૂંગળામણને લીધે અચાનક બેભાન થઈ ગયા.

મૃતકોમાં કોન્ટ્રાક્ટર નિમાઈ પાલ, તેમના પુત્ર આકાશ પાલ સહિત કુલ છ લોકોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તમામ લોકોને મદાનપુર રામપુર સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ છ લોકોને મૃત જાહેર કર્યા હતા. હાલમાં પંકજ જાની નામના શ્રમિકની સારવાર ચાલી રહી છે.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અનુમાન મુજબ, ટેન્કની અંદર જમા થયેલ ઝેરી ગેસ અને સેફ્ટીના સાધનોનો અભાવ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે. વહીવટી તંત્ર દ્વારા આ મામલે સઘન તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એક જ ગામના છ પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવતા આખો વિસ્તાર હિબકે ચઢ્યો છે.

(1:31 PM IST)