તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
પાકિસ્તાનના લાહોરમાં ટ્યુશન સેન્ટરની છત ધરાશાયી થતાં ૧૪ નિર્દોષ બાળકોના કરુણ મોત : કાટમાળ નીચે દબાતા ૨૦થી વધુ વિદ્યાર્થીઓ અને મહિલા શિક્ષિકા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ગીચ વસ્તીવાળા કાહના નઉ વિસ્તારમાં નિર્માણાધીન ઇમારતમાં ચાલતા ક્લાસરૂમમાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટના અંગે પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે આપ્યા કડક તપાસના આદેશ : પોલીસ દ્વારા બેદરકાર કોન્ટ્રાક્ટરની ધરપકડ

લાહોર : એક તરફ પાકિસ્તાનમાં આર્થિક અને રાજકીય મોરચે અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યાં બીજી તરફ મંગળવારે લાહોરમાંથી એક હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. અહીંના ગીચ વસ્તી ધરાવતા 'કાહના નઉ' વિસ્તારમાં એક ખાનગી ટ્યુશન સેન્ટર તરીકે ઉપયોગમાં લેવાતી નિર્માણાધીન ઈમારતની છત પત્તાના મહેલની જેમ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ ગોઝારી દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાને કારણે ૧૪ નિર્દોષ માસૂમ બાળકોના કાળમુખો કોળિયો થઈ ગયો છે, જ્યારે સમગ્ર પંથક ભારે શોક અને અરેરાટીમાં ડૂબી ગયો છે.
ઘટના સમયે ક્લાસરૂમમાં ૩૦થી વધુ બાળકો હાજર હતા:
પ્રાપ્ત વિગતો અનુસાર, કાહના નઉ વિસ્તારની આ નિર્માણાધીન ઇમારતમાં જ્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો, ત્યારે ટ્યુશન સેન્ટરના વર્ગખંડમાં ૩૦થી વધુ બાળકો ભણી રહ્યા હતા. છત તૂટી પડતા જ ચીસાચીસ અને ભારે નાસભાગ મચી ગઈ હતી, અને તમામ બાળકો તેમજ ત્યાં હાજર એક મહિલા શિક્ષિકા કાટમાળના મસમોટા ઢગલા નીચે દબાઈ ગયા હતા. સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને હાલમાં પણ કાટમાળ હટાવવા માટે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે. હજુ પણ કેટલાક બાળકો દબાયા હોવાની આશંકા વચ્ચે આગામી સમયમાં મૃત્યુઆંક વધુ વધે તેવી ભીતિ સેવાઈ રહી છે.
૨૦થી વધુ બાળકો હોસ્પિટલમાં દાખલ, તબીબી કટોકટી જાહેર:
આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૦થી વધુ બાળકો તેમજ એક મહિલા શિક્ષિકાને ગંભીર હાલતમાં કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોની ગંભીર સ્થિતિને જોતા હોસ્પિટલોમાં તાત્કાલિક ધોરણે ઈમરજન્સી (તબીબી કટોકટી) જાહેર કરી દેવામાં આવી છે અને નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા તમામને બચાવવા માટેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પોતાના વ્હાલસોયા બાળકોના મોતના સમાચાર મળતા જ હોસ્પિટલ અને ઘટનાસ્થળે વાલીઓના આક્રંદથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.
મુખ્યમંત્રી મરિયમ નવાઝ એક્શનમાં, કોન્ટ્રાક્ટર જેલ ભેગો:
માસૂમ બાળકોના ભોગ લેનારી આ ગંભીર બેદરકારી સામે પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે તાત્કાલિક કડક વલણ અપનાવ્યું છે. તેમણે આ સમગ્ર ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરવાની સાથે જ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશો જારી કરી દીધા છે અને આ મામલે જે પણ નબળા બાંધકામ કે બેદરકારી માટે જવાબદાર હોય㕧 તેમની સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચના આપી છે. સ્થાનિક પોલીસે આ ઘટના સંદર્ભે ગુનો નોંધીને ઈમારતનું જોખમી નિર્માણકાર્ય સંભાળતા મુખ્ય કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી લીધી છે અને આ મકાનમાં કોની મંજૂરીથી ટ્યુશન ક્લાસ ચલાવવામાં આવતા હતા તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
