<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

છેલ્લા ૩ વર્ષમાં ૬ પાયલોટ્સના કરૂણ મોત! FDTL ના કડક નિયમો લાગુ કરવા અને એરલાઈન્સને આપેલી છૂટછાટો પાછી ખેંચવા 'ફેડરેશન ઓફ ઈન્ડિયન પાઈલટ્સ'નું મંત્રાલયને અલ્ટીમેટમ

અપૂરતી ઊંઘ અને અતિશય થાક પાયલોટો માટે જીવલેણ બન્યો: DGCA અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને તાત્કાલિક પગલાં ભરવા પાઈલટ્સ એસોસિએશનની કડક ચીમકી

નવી દિલ્હી, તા.૧૬: ભારતીય આકાશમાં ઉડાન ભરતા લાખો મુસાફરોની સુરક્ષા અને પાયલોટોના સ્વાસ્થ્યને લઈને એક ચોંકાવનારા અને ચિંતાજનક અહેવાલ સામે આવ્યા છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન પાઈલટ્સ (FIP) એ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) ને પત્ર લખીને ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) નિયમોનો તાત્કાલિક અને સંપૂર્ણ અમલ કરવાની ઉગ્ર માંગ કરી છે. પાયલોટોના સંગઠને એરલાઇન ઓપરેટરોને આપવામાં આવેલી તમામ FDTL છૂટછાટો તાત્કાલિક અસરથી રદ કરવા વિનંતી કરી છે, જેથી થાકને કારણે સર્જાતા અકસ્માતો અટકાવી શકાય.

આ મુદ્દાની ગંભીરતા દર્શાવતા પાયલોટ્સ બોડીએ એક ભયાનક આંકડો જાહેર કરતા જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ જ વર્ષમાં કામના અતિશય બોજ, લાંબા કલાકો અને અપૂરતા આરામના કારણે ફરજ પર જ ૬ પાયલોટ્સના કરૂણ મોત નિપજ્યા છે. કડક નિયમોના અભાવે પાયલોટો માનસિક અને શારીરિક રીતે ભારે થાક અનુભવી રહ્યા છે, જે ઓપરેશનલ સલામતી માટે અત્યંત ખતરનાક સાબિત થઈ શકે તેમ છે.

FDTL અને થાક વ્યવસ્થાપન પ્રણાલી (FRMS) લાગુ કરવા માંગ
FDTL નિયમો પાયલોટ્સ માટે મહત્તમ ડ્યુટી અવર્સ અને ફરજિયાત આરામનો સમય નક્કી કરે છે. FIP એ માંગ કરી છે કે કાગળ પર રહેલા આ નિયમોને જમીન પર કડક રીતે લાગુ કરવામાં આવે. આ સાથે જ, પાયલોટોના થાકના જોખમોને ડેટા આધારિત પદ્ધતિથી માપવા માટે 'ફેટીગ રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ' (FRMS) તુરંત શરૂ કરવામાં આવે, જેથી ઉડાન દરમિયાન સર્જાતા જોખમોને અગાઉથી જ રોકી શકાય.

એરલાઈન્સના દબાણ સામે DGCA ના ઢીલા વલણ પર સવાલો
DGCA એ અગાઉ પાયલોટ સંગઠનો સાથે ચર્ચા કરીને સુધારેલા FDTL નિયમો તૈયાર કર્યા હતા, પરંતુ એરલાઈન કંપનીઓએ ઓપરેશનલ પડકારોનું બહાનું બતાવતા આ નિયમોનો અમલ વારંવાર લંબાવવામાં આવ્યો છે. પાયલોટ્સ એસોસિએશનનો આરોપ છે કે એરલાઈન્સને આપવામાં આવતી છૂટછાટોના કારણે પાયલોટોને રિકવરીનો પૂરતો સમય નથી મળતો. જોકે, આ ગંભીર ચેતવણી અને પત્ર બાદ પણ મંત્રાલય કે DGCA તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.

(4:31 PM IST)