<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

અમેરિકામાં ગમખ્વાર હોનારત: ભયાનક બસ અકસ્માતનું લાઈવ કવરેજ કરી રહેલું ન્યૂઝ હેલિકોપ્ટર તૂટી પડ્યું, 3 લોકોના કરૂણ મોત

લોસ એન્જલસના ચેટ્સવર્થમાં બે વેપારી ઈમારતો વચ્ચે કન્ટેનરો પર ખૂનખાર ધડાકા સાથે ખાબક્યું મીડિયા હેલિકોપ્ટર: રહસ્યમય સંજોગોમાં થયેલા અકસ્માતની તપાસ શરૂ

વોશિંગ્ટન, તા.16: અમેરિકાના લોસ એન્જલસ શહેરના ચેટ્સવર્થ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અને હોરર દ્રશ્યો સર્જનારી દુર્ઘટના સામે આવી છે. એક જીવલેણ રોડ અકસ્માતનું હવાઈ કવરેજ કરી રહેલું સ્થાનિક ન્યૂઝ ચેનલનું હેલિકોપ્ટર અચાનક નિયંત્રણ ગુમાવી બેસતા આકાશમાંથી નીચે પટકાયું હતું. આ ભયાનક અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘવાય હોવાથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટ (LAFD)ના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ચેટ્સવર્થના નોર્થ મેસન એવન્યુના 9100 બ્લોક પાસે બે કોમર્શિયલ બિલ્ડિંગ્સ વચ્ચે બન્યો હતો. આકાશમાં ચક્કર લગાવી રહેલું હેલિકોપ્ટર અચાનક કોઈ અગમ્ય કારણોસર નીચે ખાબક્યું હતું અને ત્યાં ખુલ્લામાં રાખેલા બે મોટા શિપિંગ કન્ટેનર તથા ત્યાં પાર્ક કરેલા અનેક વાહનો પર જઈને પડ્યું હતું. પટકાયાની સાથે જ હેલિકોપ્ટરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. 

બસ અકસ્માતનું લાઈવ શૂટિંગ કરતી વખતે થઈ હોનારત
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ વિસ્તારમાં થોડી ક્ષણો પહેલા જ એક ભયાનક બસ દુર્ઘટના ઘટી હતી. આ ઘટનાનું લાઈવ કવરેજ કરવા અને આકાશી દ્રશ્યો બતાવવા માટે ન્યૂઝ હેલિકોપ્ટર ત્યાં હવામાં ઉડી રહ્યું હતું. અચાનક પાયલોટે નિયંત્રણ ગુમાવી દીધું કે યાંત્રિક ખામી સર્જાઈ તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. 

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને ભારે મશક્કત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ બુઝાવ્યા બાદ પોલીસ અને બચાવકર્મીઓએ ઘટનાસ્થળે મૃતદેહ પર કેનોપી (છત્ર/ઢાંકણ) લગાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હેલિકોપ્ટરનો કાટમાળ એટલી હદે વિખેરાઈ ગયો છે કે અંદર કેટલા લોકો સવાર હતા અને કેટલા લોકો જમીન પર વાહનો પાસે હતા તેની ચોક્કસ માહિતી મેળવવા તપાસ ચાલી રહી છે. પોલીસ અને ફાયર વિભાગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(4:30 PM IST)