<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

આકાશી જાસૂસનો કરુણ અંજામ: ગલ્ફના મોજાંઓમાં વિલીન થયું દુનિયાનું સૌથી મોંઘું 'ડ્રોન સામ્રાજ્ય': ₹6,700 કરોડના 24 રીપર ડ્રોન ગુમાવતા યુએસ નેવીની સુરક્ષા વ્યૂહરચના સામે ઉભા થતા ગંભીર સવાલો

વ્યૂહાત્મક ગઢ ગણાતા પર્સિયન ગલ્ફમાં અમેરિકાની જાસૂસી શક્તિને મોટો આંચકો: ઈરાન સાથેના તણાવ વચ્ચે કરોડોના ડ્રોન ધ્વસ્ત થતા લશ્કરી વર્તુળોમાં ચિંતાનું મોજું

વોશિંગ્ટન: પર્સિયન ગલ્ફના આકાશમાં અમેરિકાના અભેદ્ય ગણાતા દેખરેખ કવચમાં ગાબડું પડ્યું છે. દુનિયાનું સૌથી મોંઘું અને શક્તિશાળી જાસૂસી ડ્રોન ગણાતું MQ-4C ટ્રાઇટોન રહસ્યમય સંજોગોમાં પર્સિયન ગલ્ફના ઊંડા પાણીમાં ખાબક્યું છે. આશરે ₹2,200 કરોડની કિંમત ધરાવતું આ ડ્રોન અત્યાધુનિક સેન્સર્સ અને ૩૬૦-ડિગ્રી રાડાર સિસ્ટમથી સજ્જ હતું, જે ૫૦,૦૦૦ ફૂટની ઊંચાઈએથી દરિયાઈ ગતિવિધિઓ પર નજર રાખતું હતું. શરૂઆતમાં ઈરાન દ્વારા તેને તોડી પાડવામાં આવ્યું હોવાની અટકળો વહેતી થઈ હતી, પરંતુ યુએસ નેવલ સેફ્ટી કમાન્ડે તેને 'ક્લાસ A' અકસ્માત જાહેર કરીને ટેકનિકલ ખામી તરફ ઈશારો કર્યો છે. આ અકસ્માતથી માત્ર આર્થિક નુકસાન જ નથી થયું, પરંતુ તેની અત્યંત ગુપ્ત ટેકનોલોજી દુશ્મન દેશોના હાથમાં આવવાનો ભય પણ સેનાને સતાવી રહ્યો છે.

આ આંચકો હજુ શમ્યો નહોતો ત્યાં જ એક વધુ ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે કે છેલ્લા પખવાડિયામાં અમેરિકાએ એક-બે નહીં પણ કુલ 24 MQ-9 રીપર ડ્રોન ગુમાવ્યા છે. એક રીપર ડ્રોનની કિંમત આશરે $30 મિલિયન છે, એટલે કે 24 ડ્રોન ગુમાવવાથી અમેરિકાને અંદાજે ₹67 અબજ (6,700 કરોડ) થી વધુનું નુકસાન થયું છે. આટલી મોટી સંખ્યામાં ઘાતક ડ્રોનનું નાશ પામવું એ અમેરિકી સંરક્ષણ વ્યૂહરચના સામે મોટા પ્રશ્નાર્થો ઊભા કરે છે. રીપર ડ્રોન ખાસ કરીને સચોટ મિસાઈલ હુમલા અને લાંબા સમય સુધી જાસૂસી કરવા માટે જાણીતા છે, પરંતુ ઈરાન સાથેના વધતા તણાવ અને બદલાતા હવાઈ સંરક્ષણ સમીકરણો વચ્ચે આ ડ્રોનનો શિકાર થવો એ યુએસ એરફોર્સ માટે લાલબત્તી સમાન છે.

નિષ્ણાતોના મતે, આ ઘટનાઓ પાછળ અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક વોરફેર અથવા સાયબર હુમલાની શક્યતા નકારી શકાય તેમ નથી. MQ-4C ટ્રાઇટોન એ RQ-4 ગ્લોબલ હોકનું જળચર સંસ્કરણ છે, જેની રેન્જ ૭,૪૦૦ નોટિકલ માઇલ છે અને તે અવિરત ૨૪ કલાક ઉડી શકે છે. આ ડ્રોન ક્રેશ થવાથી પેન્ટાગોન હવે તેની ઓપરેશનલ સુરક્ષા અને સોફ્ટવેર પ્રોટોકોલની ફરીથી તપાસ કરી રહ્યું છે. પર્સિયન ગલ્ફમાં ચીન અને ઈરાન જેવા દેશોના પ્રભુત્વ વચ્ચે આટલા મોટા પાયે ડ્રોનનું નુકસાન અમેરિકાના વૈશ્વિક દેખરેખના નેટવર્કને નબળું પાડી શકે છે, જે આવનારા દિવસોમાં આ ક્ષેત્રમાં ભૌગોલિક રાજકીય સમીકરણો બદલી નાખશે તેવી પૂરેપૂરી સંભાવના છે.

(8:59 PM IST)