તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
મહારાષ્ટ્રમાં કાળમુખી દુર્ઘટના: હનુમાન મંદિરમાં છત તૂટી પડતા ૫ ભક્તોના કરૂણ મોત
પરભણીના માનવત તાલુકામાં મંદિરનો સભામંડપ ધરાશાયી: કાટમાળ નીચે ૩૦થી વધુ લોકો દટાતા તંત્રમાં દોડધામ, બચાવ કામગીરી તેજ

પરભણી : મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના માનવત તાલુકાના યશવાડી મારૂતિ મંદિર પરિસરમાં આજે શનિવારે સભામંડપની છત અચાનક કડડભૂસ થઈને તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ૫થી વધુ શ્રદ્ધાળુઓના મોત થયા છે અને ૨૫થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
દુર્ઘટના સમયે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર હતા, છત પડતાં જ મંદિર પરિસરમાં ચીસ-પુકાર અને નાસભાગ મચી ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં દેખાયા મુજબ, છત એકાએક તૂટી પડતા ત્યાં બેઠેલા શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જેના પગલે આશરે ૩૦થી ૪૦ લોકો દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
ઘટનાની જાણ થતા જ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને રાહત-બચાવ દળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હૉસ્પિટલમાં ખસેડવાની કામગીરી ચાલુ છે.
વહીવટીતંત્રે હાલમાં સમગ્ર વિસ્તારમાં બચાવ અભિયાનને પ્રાથમિકતા આપી છે. આ ઘટના પાછળના કારણોની તપાસ કરવામાં આવશે કે શું બાંધકામ જૂનું હતું કે કોઈ અન્ય ટેકનિકલ ખામી હતી. આગામી સમયમાં ઘાયલોને સહાય અને મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
