News of Wednesday, 8th July 2026
ટ્રેનનો ડબ્બો કે લક્ઝરી હોટલ? ફર્સ્ટ એસી કેબિનને 'હનીમૂન સ્યુટ'માં ફેરવી નાખનાર TTE સસ્પેન્ડ
રેલવેના કોચમાં ગુલાબની પાંખડીઓ, રંગબેરંગી ફુગ્ગા અને 'આઈ લવ યુ'ના મેસેજ સાથેની સજાવટ બની વાયરલ; રેલવે તંત્રની કડક કાર્યવાહી

છત્રપતિ સંભાજીનગર, તા.૦૮: ભારતીય રેલવેમાં મુસાફરી કરતી વખતે ભાગ્યે જ કોઈએ કલ્પના કરી હશે કે ટ્રેનનો એસી કોચ ક્યારેક 'હનીમૂન સ્યુટ' જેવો ભવ્ય દેખાશે. મહારાષ્ટ્રના જાલના રેલવે સ્ટેશન પર તાજેતરમાં બનેલી એક ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે ચકચાર મચાવી છે. મુંબઈ CSMT-બલ્હારશાહ-નંદીગ્રામ એક્સપ્રેસની ફર્સ્ટ એસી કેબિનને કોઈ હોટલના રૂમની જેમ ફૂલો, ફુગ્ગા અને રોમેન્ટિક મેસેજિસથી શણગારવામાં આવી હતી, જેનો વીડિયો વાયરલ થતાં જ રેલવે તંત્ર હરકતમાં આવી ગયું છે.
આ અજીબોગરીબ ઘટના ૬ જુલાઈના રોજ બની હતી, જ્યારે એક કપલે તેમની મુસાફરીને યાદગાર બનાવવા માટે જાલનાની એક ઇવેન્ટ સ્ટાઇલિંગ સર્વિસની મદદ લીધી હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આખી કેબિનને હજારો ગુલાબની પાંખડીઓ અને આકર્ષક સજાવટથી સજાવી દેવામાં આવી હતી, સાથે જ દિવાલ પર 'આઈ લવ યુ' પણ લખવામાં આવ્યું હતું. આ સજાવટ જોઈને મુસાફરો અને રેલવે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
TTE ને મોંઘી પડી બેદરકારી
આ ગેરકાયદેસર સજાવટના મામલે દક્ષિણ મધ્ય રેલવેએ કડક વલણ અપનાવ્યું છે. ચીફ પીઆરઓ એ. શ્રીધરને આ ઘટનાની ગંભીરતાથી નોંધ લેતા જણાવ્યું છે કે, જે ટીટીઈ (TTE) એ ટ્રેનની કેબિનમાં બહારની વ્યક્તિઓને પ્રવેશવાની અને આ પ્રકારની ઇવેન્ટ કરવાની પરવાનગી આપી હતી, તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રેલવેના નિયમો મુજબ, ટ્રેનના ડબ્બાઓમાં આવી રીતે ફેરફાર કરવા કે બાહ્ય એજન્સીઓને સજાવટ માટે પરવાનગી આપવી એ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ કપલે છત્રપતિ સંભાજીનગરથી જાલના સુધીની મુસાફરી માટે ફર્સ્ટ એસી કેબિન બુક કરી હતી. જોકે, ટ્રેન ઉપડતા પહેલા જ ઇવેન્ટ મેનેજમેન્ટની ટીમે કેબિનને સજાવી દીધી હતી. રેલવેના સત્તાવાર પ્રોટોકોલનું ઉલ્લંઘન કરી, ટ્રેનની અંદર આવી ખાનગી ઉજવણી કરવી તે સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ જોખમી માનવામાં આવે છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર લોકોમાં ચર્ચા જગાવી છે, જ્યાં કેટલાક લોકો તેને ક્રિએટિવિટી કહી રહ્યા છે, તો મોટાભાગના લોકો રેલવેના નિયમોના ભંગ બદલ રેલવે તંત્રની કાર્યવાહીને યોગ્ય ઠેરવી રહ્યા છે.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
