તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
ભારતીય વાયુસેનાના નવા પાયલોટોની તાલીમ થશે વધુ સરળ: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સ્વદેશી HTT-40 બેસિક ટ્રેનર વિમાનોની પ્રથમ ખેપ સોંપવા માટે સજ્જ
અમેરિકન કંપની હનીવેલ તરફથી એન્જિનોનો પુરવઠો મળતાં જ ઉત્પાદન પ્રક્રિયા ઝડપી બની; બેંગલુરુ અને નાસિક પ્લાન્ટમાંથી તૈયાર થયેલા ત્રણ એરક્રાફ્ટ ટૂંક સમયમાં વાયુસેનાના બેડામાં સામેલ થશે

બેંગલુરુ: ભારતની સંરક્ષણ ક્ષમતા અને આત્મનિર્ભરતાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ સફ્ળતા મળવા જઈ રહી છે. જાહેર ક્ષેત્રની અગ્રણી સંરક્ષણ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ભારતીય વાયુસેના (IAF) ને સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલા HTT-40 (હિન્દુસ્તાન ટર્બો ટ્રેનર-40) બેસિક ટ્રેનર વિમાનોનો પહેલો જથ્થો સોંપવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ નવા વિમાનોના આગમનથી ભારતીય વાયુસેનાના નવશિક્ષિત પાયલોટોની પ્રારંભિક ઉડાન તાલીમ પ્રક્રિયા વધુ આધુનિક અને સરળ બનશે.
સંરક્ષણ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં સોંપવામાં આવનારા ત્રણ HTT-40 વિમાનો સંપૂર્ણપણે તૈયાર કરી દેવામાં આવ્યા છે, જેમાંના બે વિમાન બેંગલુરુ સ્થિત યુનિટમાં અને એક વિમાન નાસિક યુનિટમાં નિર્માણ પામ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનાએ પોતાના નવા પાયલોટોની ટ્રેનિંગ માટે આશરે ₹6,838 કરોડના ખર્ચે 70 HTT-40 ટ્રેનર વિમાનો ખરીદવાનો કરાર કર્યો હતો. જોકે, એન્જિનની વૈશ્વિક અછત અને સપ્લાય ચેઈનની સમસ્યાઓને કારણે વિમાનોની ડિલિવરીમાં થોડો વિલંબ થયો હતો.
હવે અમેરિકી કંપની હનીવેલ (Honeywell) દ્વારા TPE331-12B ટર્બોપ્રોપ એન્જિનની પ્રથમ ખેપ સમયસર ઉપલબ્ધ કરાવી દેવામાં આવતા આ અડચણ દૂર થઈ ગઈ છે. HAL અને હનીવેલ વચ્ચે $100 મિલિયનનો કરાર થયેલો છે, જે હેઠળ 16 એન્જિન સીધા યુએસથી આવશે અને બાકીના એન્જિનોનું નિર્માણ ટેકનોલોજી ટ્રાન્સફર હેઠળ ભારત ખાતે HAL દ્વારા જ કરવામાં આવશે. હાલમાં વાયુસેનાના પાયલોટ પોતાની સ્ટેજ-1 ની તાલીમ સ્વિસ બનાવટના પિલાટસ PC-7 MkII વિમાનો પર મેળવે છે. પરંતુ હવે સ્વદેશી HTT-40 વિમાનો વાયુસેનામાં જોડાવાથી વિદેશી વિમાનો પરની નિર્ભરતા ઘટી જશે. HAL હવે બેંગલુરુ અને નાસિકની ફેક્ટરીઓમાંથી વાર્ષિક 20 જેટલા HTT-40 વિમાનોનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
