<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

ટ્રાઈનો નવો નિયમ: ટ્રુકોલર હવે સ્પામ કોલ્સને બ્લોક કરી શકશે નહીં

ટ્રેડમાર્ક 'રેડ એલર્ટ' ગાયબ થતાં સાયબર છેતરપિંડી વધવાની આશંકા: TRAI એ કોલર ID એપ્સ પર કડક સિકંજો કસવા આઈટી મંત્રાલય પાસે માંગી વિશેષ સત્તા

નવી દિલ્હી :  ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) અને લોકપ્રિય કોલર ID એપ ટ્રુકોલર વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. સરકારે પ્રમોશનલ કોલ્સ માટે '140' અને બેંકિંગ-વીમા જેવા જરૂરી વ્યવહારો માટે '1600' સીરીઝના નંબર ફરજિયાત કર્યા છે. સરકારી આદેશ અનુસાર, ટ્રુકોલર કે હિયા જેવી એપ્સ આ સત્તાવાર નંબરોને 'સ્પામ' તરીકે ચિહ્નિત કે બ્લોક કરી શકશે નહીં. TRAI નું માનવું છે કે આવી એપ્સ સત્તાવાર નંબરો પર રેડ એલર્ટ બતાવીને સરકારની વેરિફાઈડ વ્યવસ્થાને નબળી પાડે છે, જેના લીધે લોકો બેંકના મહત્વના એલર્ટ અને પેમેન્ટ અપડેટ્સ પણ મિસ કરી રહ્યા છે.

બીજી તરફ, ટ્રુકોલરે સરકારના આ કડક વલણ સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. કંપનીના સીઈઓ ઋષિત ઝુનઝુનવાલાએ ચેતવણી આપી છે કે સરકારી આદેશનું પાલન કરીને તેઓએ પરંપરાગત સ્પામ ચેતવણીઓ બંધ કરી છે, પરંતુ આનાથી સાયબર ગુનેગારોને મોકળું મેદાન મળી ગયું છે. બેંકો અને નાણાકીય સંસ્થાઓ સત્તાવાર '1600' સીરીઝનો દુરુપયોગ કરીને લોન અને ક્રેડિટ કાર્ડ વેચવા માટે આડેધડ માર્કેટિંગ કોલ્સ કરી રહી છે. કંપનીનો દાવો છે કે સાયબર ઠગો પણ આ સીરીઝની આડમાં લોકો સાથે કૌભાંડો આચરી રહ્યા છે, જેથી સામાન્ય યુઝર્સનો વિશ્વાસ સંપૂર્ણપણે તૂટી ગયો છે.

આ અંધાધૂંધી વચ્ચે ભારતીય યુઝર્સે પોતે જ મોરચો સંભાળી લીધો છે. ડેટા દર્શાવે છે કે ટ્રુકોલર યુઝર્સ રોજ અંદાજે 4 લાખ જેટલા '140' સીરીઝના કોલ્સ અને 1.2 લાખથી વધુ '1600' સીરીઝના કોલ્સ મેન્યુઅલી બ્લોક કરી રહ્યા છે. આ વિવાદને ડામવા માટે હવે TRAI એ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય પાસે આઇટી એક્ટ હેઠળ વિશેષ સત્તા માંગી છે, જેથી આ એપ્સ સામે સીધી કાનૂની કાર્યવાહી કરી શકાય. જો આ માંગ સ્વીકારવામાં આવશે, તો આગામી દિવસોમાં કોલ મેનેજમેન્ટ એપ્સની કાર્યક્ષમતા અને તમારા ફોન પર આવતા કોલ ફિલ્ટરિંગના નિયમો સંપૂર્ણપણે બદલાઈ જશે.

(5:49 PM IST)