News of Monday, 29th June 2026
માત્ર ₹૨૪,૨૦૦માં અયોધ્યા, કાશી અને જગન્નાથ પુરી સહિત ૫ મોટા ધામોની યાત્રા: IRCTC એ શરૂ કર્યું સુપર બજેટ પેકેજ, ટ્રેન ગુજરાતથી ઉપડશે
IRCTCની 'ભારત ગૌરવ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન' ૧૩ દિવસમાં કરાવશે દેશના પ્રખ્યાત તીર્થસ્થાનોના દર્શન: રહેવા-જમવા અને વીમા સહિતની તમામ સુવિધાઓ પેકેજમાં સામેલ, ટિકિટ બુકિંગ શરૂ

રાજકોટ : ભગવાનના દર્શન કરવા અને તીર્થયાત્રાએ જવાની ઈચ્છા દરેક વ્યક્તિને હોય છે, પરંતુ ટ્રેનની કન્ફર્મ ટિકિટ અને હોટલ બુકિંગની માથાકૂટના કારણે અવારનવાર પ્લાન કેન્સલ કરવા પડતા હોય છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો હવે ચિંતા છોડી દો. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ ધાર્મિક પ્રવાસીઓ માટે અત્યાર સુધીનું સૌથી સસ્તું અને શાનદાર ટૂર પેકેજ લોન્ચ કર્યું છે. 'ભારત ગૌરવ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન' દ્વારા આયોજિત આ આધ્યાત્મિક યાત્રામાં દેશના પાંચ સૌથી મોટા ધાર્મિક અને ઐતિહાસિક શહેરોના દર્શન માત્ર ૧૩ દિવસમાં કરાવવામાં આવશે.
આ ૫ પવિત્ર ધામોના કરાશે દર્શન
આ ખાસ ટૂર પેકેજમાં દેશના જુદા જુદા ખૂણે આવેલા પાંચ પ્રખ્યાત ધાર્મિક સ્થળોને આવરી લેવામાં આવ્યા છે:
• અયોધ્યા: પ્રભુ શ્રી રામની નગરીમાં ભવ્ય રામ જન્મભૂમિ મંદિર અને હનુમાન ગઢીના દર્શન.
• કાશી (વારાણસી): બાબા વિશ્વનાથના દિવ્ય દર્શન, માતા અન્નપૂર્ણા મંદિર અને પવિત્ર ગંગા ઘાટની આરતી.
• ગયા અને બોધગયા: મોક્ષની ભૂમિ પર વિષ્ણુપદ મંદિર, મંગલા ગૌરી મંદિર અને બોધગયાનું પ્રખ્યાત મહાબોધિ મંદિર તથા બુદ્ધ પ્રતિમા.
• ગુવાહાટી (આસામ): ૫૧ શક્તિપીઠોમાંની એક એવી વિશ્વ પ્રસિદ્ધ દેવી કામાખ્યા માતાનું મંદિર અને નવગ્રહ મંદિર.
• જગન્નાથ પુરી (ઓડિશા): ચાર ધામ પૈકીનું એક ભગવાન જગન્નાથનું મુખ્ય મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર અને ભુવનેશ્વરનું પ્રાચીન લિંગરાજ મંદિર.
ગુજરાતના આ સ્ટેશનો પરથી ટ્રેન પકડવાની સુવિધા
આ ૧૩ દિવસની દિવ્ય આધ્યાત્મિક યાત્રા ૨૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ શરૂ થશે અને ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પૂર્ણ થશે. સૌથી મહત્વની વાત એ છે કે આ ખાસ 'ભારત ગૌરવ ટ્રેન' ગુજરાતના રાજકોટથી ઉપડશે. મુસાફરોની અનુકૂળતા માટે ટ્રેનમાં બેસવા (Boarding) અને ઉતરવા (Deboarding) માટે ગુજરાતના ઘણા સ્ટેશનો નક્કી કરાયા છે. યાત્રિકો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી જંકશન, નડિયાદ, આણંદ, છાયાપુરી (વડોદરા), ગોધરા અને દાહોદ ઉપરાંત રતલામ, ઉજ્જૈન કે સંત હિરદારામ નગર સ્ટેશન પરથી પણ આ ટ્રેનમાં જોડાઈ શકે છે.
ભાડું અને બુકિંગના નિયમો
IRCTC એ દરેક વર્ગના પ્રવાસીઓના બજેટને ધ્યાનમાં રાખીને આ પેકેજ તૈયાર કર્યું છે:
• ઇકોનોમી (સ્લીપર ક્લાસ): ₹૨૪,૨૦૦ (પ્રતિ વ્યક્તિ)
• સ્ટાન્ડર્ડ (થર્ડ એસી - 3AC): ₹૪૦,૧૦૦ (પ્રતિ વ્યક્તિ)
• કમ્ફર્ટ (સેકન્ડ એસી - 2AC): ₹૪૯,૫૦૦ (પ્રતિ વ્યક્તિ)
પાર્ટ પેમેન્ટની સુવિધા: જો તમે એકસાથે આખી રકમ ચૂકવવા ન માંગતા હોવ, તો બુકિંગ સમયે કુલ રકમના માત્ર ૨૫% ચૂકવીને સીટ કન્ફર્મ કરાવી શકો છો. બાકીના ૭૫% નાણાં પાછળથી ચૂકવવાની છૂટ છે. આ પેકેજ બુક કરવા માટે પ્રવાસીઓએ IRCTCની સત્તાવાર વેબસાઇટ irctctourism.com પર જવાનું રહેશે.
ટિકિટના પૈસામાં શું-શું સુવિધાઓ મળશે?
આ એક 'ઓલ-ઇન્ક્લુઝિવ' (સર્વસમાવેશક) પેકેજ છે, એટલે કે એકવાર ટિકિટ લીધા પછી પ્રવાસીએ ખાવા-પીવા કે રહેવાનો કોઈ અલગ ખર્ચ કરવાનો નથી:
• રહેઠાણ: સ્લીપર ક્લાસના મુસાફરો માટે નોન-એસી બજેટ હોટલ અને એસી ક્લાસના મુસાફરો માટે પ્રીમિયમ એસી હોટલમાં રોકાણ.
• શુદ્ધ શાકાહારી ભોજન: આખી ટ્રીપ દરમિયાન સવારનો નાસ્તો, બપોરનું લંચ અને રાત્રિનું ડિનર IRCTC તરફથી આપવામાં આવશે.
• લોકલ મુસાફરી: રેલવે સ્ટેશનથી હોટલ કે મંદિર જવા-આવવા માટે નોન-એસી (3X2) બસોની વ્યવસ્થા.
• અન્ય સુવિધાઓ: દરેક મુસાફરને રોજ 'રેલ નીર' પાણીની ૨ બોટલ, ગાઈડ (ટૂર એસ્કોર્ટ્સ), દરેક કોચમાં સુરક્ષા ગાર્ડની સુવિધા અને તમામ સહયાત્રીઓનો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ (મુસાફરી વીમો) પણ આ પેકેજની કિંમતમાં જ સામેલ છે.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
