<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

વિદેશ પ્રવાસ હવે મોંઘો થશે: ૧૪ વર્ષ પછી પાસપોર્ટ ફીમાં તોતિંગ વધારો : નવું ફી માળખું 1લઈ જુલાઈથી લાગુ થશે

પાસપોર્ટ કઢાવવા અને રિન્યૂ કરાવવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો : સામાન્યથી લઈને તત્કાલ અને ખોવાયેલા પાસપોર્ટના ચાર્જમાં પણ અધધ વધારો ઝીંકાયો

નવી દિલ્હી. જો તમે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો અથવા તમારો પાસપોર્ટ રિન્યૂ કરાવવાનું વિચારી રહ્યા છો, તો તમારા ખિસ્સા પર મોટો બોજ પડવાનો છે. કેન્દ્ર સરકારે દેશમાં પાસપોર્ટ અરજી ફીમાં મોટો વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા પાસપોર્ટ (સુધારા) નિયમો, ૨૦૨૬ હેઠળ, આગામી ૧ જુલાઈથી નવો પાસપોર્ટ બનાવવો કે જૂનો રિન્યૂ કરાવવો ઘણો મોંઘો સાબિત થશે. વર્ષ ૨૦૧૨ પછી એટલે કે લગભગ ૧૪ વર્ષના લાંબા અંતરાલ બાદ સરકારે આ ફી માળખામાં ફેરફાર કર્યો છે, જેના કારણે સામાન્ય જનતાએ હવે પાસપોર્ટ સેવાઓ માટે વધુ કિંમત ચૂકવવી પડશે.

નવા નિયમો અનુસાર, ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના પુખ્ત વયના લોકો માટે ૩૬ પાનાના સામાન્ય પાસપોર્ટની ફી ₹૧,૫૦૦ થી વધારીને સીધી ₹૨,૫૦૦ કરી દેવામાં આવી છે. જો તમારે ઈમરજન્સીમાં તત્કાલ સ્કીમ હેઠળ પાસપોર્ટ જોઈતો હોય, તો તેના માટે ₹૩,૫૦૦ ના બદલે હવે ₹૫,૦૦૦ ચૂકવવા પડશે. આ જ રીતે, વધુ મુસાફરી કરનારાઓ માટેના ૬૦ પાનાના જમ્બો પાસપોર્ટની સામાન્ય ફી ₹૨,૦૦૦ થી વધીને ₹૩,૫૦૦ અને તત્કાલ માટે ₹૪,૦૦૦ ના બદલે ₹૬,૦૦૦ નક્કી કરવામાં આવી છે. સગીર બાળકો (૧૮ વર્ષથી ઓછી ઉંમરના) માટે ૩૬ પાનાના પાસપોર્ટની સામાન્ય ફી ₹૧,૭૫૦ અને તત્કાલ ફી ₹૪,૨૫૦ રહેશે.

આ સુધારામાં માત્ર નવા પાસપોર્ટ જ નહીં, પરંતુ પાસપોર્ટ ખોવાઈ જવા કે ડેમેજ થવાના કિસ્સામાં અપાતા રિપ્લેસમેન્ટ પાસપોર્ટની ફીમાં પણ મોટો દંડાત્મક વધારો કરાયો છે. હવે ખોવાયેલા ૩૬ પાનાના પાસપોર્ટને સામાન્ય પ્રક્રિયાથી ફરી મેળવવા માટે ₹૫,૦૦૦ અને તત્કાલ માટે ₹૭,૫૦૦નો ખર્ચ થશે, જ્યારે ૬૦ પાના માટે આ ચાર્જ અનુક્રમે ₹૬,૦૦૦ અને ₹૮,૫૦૦ રહેશે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પાસપોર્ટ એક્ટની કલમ ૨૪ હેઠળ કરાયેલો આ વધારો પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC) અને સરેન્ડર સર્ટિફિકેટ જેવી અન્ય આનુષંગિક સેવાઓ પર પણ લાગુ થશે, જેના માટે ભારતમાં ₹૭"૫"૦ અને વિદેશમાં ₹૪૦ની ફી નક્કી કરવામાં આવી છે.

(8:56 PM IST)