તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
નવસારીમાં આદિવાસી સમાજનું મહારેલી સાથે શક્તિપ્રદર્શન, હક-અધિકારો માટે જન આંદોલનના મંડાણ; 4 મુખ્ય માંગણીઓ સાથે કલેક્ટરને ઉગ્ર રજૂઆત
જળ, જંગલ, જમીનના હક્કો અને PESA કાયદાના અમલ માટે હજારો આદિવાસીઓ રસ્તા પર ઉતર્યા, 15 દિવસમાં નિર્ણય નહીં તો ગાંધીનગર કૂચની ચીમકી

નવસારી, તા.16 : નવસારીમાં આદિવાસી સમાજના હક્ક અને અધિકારોની માંગ સાથે જન આંદોલનના મંડાણ થયા છે. આદિવાસી હક માંગ સમિતિના નેજા હેઠળ હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને 4 મુખ્ય માંગણીઓ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આંદોલનમાં નવસારી જિલ્લાના વાંસદા, ચીખલી, ખેરગામ સહિતના તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. હાથમાં બેનર-પોસ્ટર સાથે "જમીન અમારા હક્કની", "PESA લાગુ કરો", "શિક્ષણ અને રોજગાર આપો" જેવા સૂત્રોચ્ચાર સાથે રેલી નીકળી હતી. મહિલાઓ અને યુવાનોની મોટી હાજરીએ આંદોલનને વેગ આપ્યો હતો.
આદિવાસી આગેવાનોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં મુખ્ય 4 માંગણીઓ રજૂ કરી છે. જેમાં વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ આદિવાસીઓને ખેતીની જમીનના કાયદેસર હક્ક પત્રો આપવા, PESA કાયદો 1996નો અનુસૂચિત વિસ્તારોમાં અસરકારક અમલ કરવા, આદિવાસી વિસ્તારની શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી અને સ્થાનિક યુવાનોને સરકારી ભરતીમાં અગ્રતા આપી રોજગારીની તકો ઊભી કરવાનો સમાવેશ થાય છે.
આગેવાનોએ જણાવ્યું કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ આદિવાસી સમાજ પાયાની સુવિધાઓથી વંચિત છે. જળ, જંગલ અને જમીન પરનો તેમનો પરંપરાગત અધિકાર છીનવાઈ રહ્યો છે. વન વિભાગ દ્વારા ખોટી રીતે દબાણ દૂર કરવાની કાર્યવાહી થાય છે. PESA કાયદો માત્ર કાગળ પર છે, ગ્રામસભાને મળેલી સત્તાનો અમલ થતો નથી. શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓનો પણ અભાવ છે.
આદિવાસી હક માંગ સમિતિએ ચીમકી આપી છે કે જો 15 દિવસમાં માંગણીઓ અંગે હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને ગાંધીનગર સુધી કૂચ કરવામાં આવશે. કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સ્વીકારી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
