<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

તૃણમૂલ કોંગ્રેસનો હવાઈ ખર્ચ વિવાદમાં: ૪ વર્ષમાં ૧૫૦ કરોડનો આસમાની ખર્ચ

ચૂંટણી પંચને સોંપાયેલા ઓડિટ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, પક્ષના આંતરિક વર્તુળોમાં પણ ખર્ચને લઈને ઉઠ્યા સવાલો.

કોલકાતા : તૃણમૂલ કોંગ્રેસે છેલ્લા ચાર વર્ષમાં વિમાનો અને હેલિકોપ્ટરના ભાડા પેટે આશરે ૧૫૦ કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કર્યો છે, જેની માહિતી પક્ષ દ્વારા ચૂંટણી પંચને સુપરત કરવામાં આવેલા ઓડિટ રિપોર્ટમાંથી સામે આવતા રાજકીય ગરમાવો આવ્યો છે.

પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ખર્ચનો મોટો હિસ્સો પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ હવાઈ મુસાફરી પર ખર્ચ કર્યો હતો. બીજી તરફ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી સમયગાળા સિવાય મોટાભાગે સરકારી વિમાનો અને હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો, જેના માટે રાજ્ય સરકારે ખર્ચ ચૂકવ્યો હતો.

ઓડિટ રિપોર્ટ મુજબ, ૨૦૨૨માં વિમાન ભાડા પર ૩૫ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો. ૨૦૨૩માં આ રકમ ઘટીને આશરે ૧૩ કરોડ રૂપિયા થઈ ગઈ. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી વર્ષમાં, આ ખર્ચ વધીને ₹૫૬ કરોડથી વધુ થઈ ગયો, જ્યારે ૨૦૨૫માં, કોઈ મોટી ચૂંટણી ન હોવા છતાં, ₹૩૭ કરોડથી વધુનો ખર્ચ હવાઈ ભાડા પર થયો. રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે પાર્ટીનો કુલ ચૂંટણી ખર્ચ આશરે ₹૮૨ કરોડ હતો, જેમાંથી ₹૪૬ કરોડ ફક્ત હવાઈ ભાડા પર ખર્ચવામાં આવ્યા હતા.

પક્ષની અંદર વધતા અસંતોષ વચ્ચે ધારાસભ્ય કુણાલ ઘોષે પક્ષના ભંડોળમાંથી ખાનગી જેટના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો છે. હવે આ મામલે ચૂંટણી પંચ કોઈ તપાસના આદેશ આપે છે કે કેમ અને વિપક્ષ આ મુદ્દે આગામી દિવસોમાં કેવા પગલાં ભરે છે, તે જોવું રસપ્રદ રહેશે.

(11:47 PM IST)