તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
કૃષ્ણનગરમાં ઈંડા ફેંકવાની ઘટના બાદ તૃણમૂલ સાંસદ મહુઆ મોઈત્રા હાઈકોર્ટ પહોંચ્યા: પોલીસ સુરક્ષા સામે ઉઠાવ્યા ગંભીર સવાલો!
કોર્ટના આદેશ છતાં સુરક્ષામાં મોટી બેદરકારીનો આરોપ : ૧૬ સપ્ટેમ્બરની ઘટના અંગે કલકત્તા હાઈકોર્ટમાં અરજી દાખલ

કોલકાતા: પશ્ચિમ બંગાળના કૃષ્ણનગર લોકસભા મતવિસ્તારના તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઈત્રાએ પોતાના મતવિસ્તારની મુલાકાત દરમિયાન વાહન પર ઈંડા ફેંકવાના અને કાળા ઝંડા બતાવવાના વિરોધમાં કલકત્તા હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. તેમણે પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠાવીને કાયદાકીય રાહત માટે અરજી દાખલ કરી છે.
મહુઆ મોઈત્રાના વકીલ અર્કા નાગ દ્વારા કલકત્તા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલી અરજી અનુસાર, ૧૬ સપ્ટેમ્બરે જ્યારે સાંસદ નાદિયા જિલ્લાના તેહટ્ટા ખાતે પોતાના મતવિસ્તારની મુલાકાતે હતા ત્યારે આ ઘટના બની હતી. વિરોધી પક્ષના સભ્યોએ તેમની ગાડી સામે કાળા ઝંડા ફરકાવ્યા હતા અને કાર પર ઈંડા ફેંક્યા હતા.
મહત્વનું છે કે, અગાઉ હાઈકોર્ટે જ એક વચગાળાના આદેશ દ્વારા સપ્ટેમ્બરના અંત સુધી મહુઆ મોઈત્રા જ્યારે પણ મતવિસ્તારમાં જાય ત્યારે તેમને બે સુરક્ષા કર્મચારીઓ ફાળવવાનો નિર્દેશ આપ્યો હતો. આ હુકમ છતાં પોલીસ કર્મચારીઓની હાજરીમાં આ પ્રકારનો હુમલો થતાં સુરક્ષા વ્યવસ્થાની બેદરકારી સામે આવ્યાનો આરોપ સાંસદે લગાવ્યો છે.
કૃષ્ણનગરથી બે વખત સાંસદ તરીકે ચૂંટાયેલા મહુઆ મોઈત્રાએ આક્ષેપ કર્યો હતો કે, પક્ષના એક કાર્યક્રમ દરમિયાન ૭થી ૧૦ જેટલા ભાજપના કાર્યકરોએ તેમના પર ઈંડા ફેંક્યા હતા. જેમાં સ્થાનિક મંડળ પ્રમુખ, પંચાયત સમિતિ પ્રમુખ અને ઉપપ્રમુખ સામેલ હોવાનો દાવો કરાયો છે.
આ સમગ્ર ઘટનાનું મોઈત્રાએ સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમિંગ પણ કર્યું હતું, જેના વાયરલ વીડિયોમાં તેમના ચહેરા અને ગાડી પર તૂટેલા ઈંડાના અવશેષો સ્પષ્ટ દેખાતા હતા. તેમણે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, બંગાળમાં રાજકીય સ્થિતિ બદલાયા બાદ જ્યારે પણ તેઓ પોતાના મતવિસ્તારમાં જાય છે ત્યારે વિપક્ષી તત્વો દ્વારા આવા અપમાનજનક કૃત્યો કરીને તેમને નિશાન બનાવવામાં આવે છે. હાઈકોર્ટે આ અરજી સ્વીકારીને ક્રમાનુસાર તેની સુનાવણી હાથ ધરવા જણાવ્યું છે.
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
