<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

લખનૌમાં સનસનીખેજ ટ્રીપલ મર્ડરઃ RSSનાં નેતા તેમના પુત્ર અને ભાઇની ગોળી મારી કરપીણ હત્‍યા

લાઇવ વિડિયો વાયરલઃ ચબૂતરો બનાવવા અને કાર પાર્કિંગ મામલે વિવાદ હતો કાર પાર્કિગ અને ધાર્મિક ચબૂતરાના જૂના વિવાદે લોહિયાળ સ્‍વરૂપ ધારણ કર્યું: મર્ચન્‍ટ નેવીના પૂર્વ અધિકારીએ ધડાધડ ૨૦ સેકન્‍ડમાં પાંચ ગોળીઓ વરસાવી ત્રણના જીવ લીધા હત્‍યાકાંડનો રુવાડાં ઊભાં કરી દેતો વીડિયો વાયરલઃ આરોપીએ એક પછી એક ગોળીઓ છોડી, પોલીસની બેદરકારી સામે સવાલો ઊઠતાં બે અધિકારીઓ સસ્‍પેન્‍ડઃ આરોપીના મકાનનું ગેરકાયદે બાંધકામ તોડાયું: પુત્રના લગ્ન હતા

લખનૌ, તા. ૩૦ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના સાદતગંજ વિસ્‍તારમાં કાર પાર્કિગ અને ધાર્મિક ચબૂતરાના બાંધકામના જૂના વિવાદમાં એક જ પરિવારના ત્રણ સભ્‍યોની ધોળા દિવસે ગોળી મારીને હત્‍યા કરવામાં આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતકોમાં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘના પૂર્વ જિલ્‍લા સહકાર્યવાહ શિવાજી તિવારી, તેમના પુત્ર સુયશ તિવારી અને નાના ભાઈ શિવેન્‍દ્ર ઉર્ફે શંભુ તિવારીનો સમાવેશ થાય છે. આ હૃદયદ્રાવક હત્‍યાકાંડ ગત સોમવાર, ૨૬ ઓક્‍ટોબરે બન્‍યો હતો, પરંતુ હવે હત્‍યાની સમગ્ર ઘટનાના અત્‍યંત ભયાનક વીડિયો સામે આવતાં સમગ્ર મામલો ફરી ચર્ચાના કેન્‍દ્રમાં આવ્‍યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સાદતગંજના નૌબસ્‍તા વિસ્‍તારમાં આવેલા બ્રાહ્મણી ટોલા મહોલ્‍લામાં તિવારી અને શુક્‍લ પરિવાર વચ્‍ચે છેલ્‍લા કેટલાક સમયથી કાર પાર્કિગ તથા વડના વૃક્ષ પાસે ચબૂતરો બનાવવાના મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો. બંને પરિવારો વચ્‍ચે અગાઉ પણ બોલાચાલી થઈ હતી અને પોલીસને ફરિયાદો કરવામાં આવી હતી.

સોમવારે સવારે આ વિવાદ ફરી વકરતાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોલીસ ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપ મુજબ, આરોપીઓએ તિવારી પરિવારના સભ્‍યોને ઘેરીને ગાળાગાળી કરી હતી અને લાકડીઓ તથા પથ્‍થરોથી હુમલો કર્યો હતો. ત્‍યારબાદ મુખ્‍ય આરોપી ઋષભ શુક્‍લાએ પિસ્‍તોલમાંથી ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં શિવાજી તિવારી, તેમના ભાઈ શિવેન્‍દ્ર અને પુત્ર સુયશ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્રણેયને હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યા હતા, જ્‍યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્‍તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

હત્‍યાનો વીડિયો સામે આવતાં સનસનાટીઃ ગોળીબાર બાદ આરોપી પોતાને નિર્દોષ ગણાવતો રહ્યો

૨૯ ઓક્‍ટોબરે સામાજિક માધ્‍યમો ઉપર બે વીડિયો સામે આવ્‍યા હતા. તેમાં આરોપી ઋષભ શુક્‍લા એક પછી એક ત્રણ વ્‍યક્‍તિઓ ઉપર ગોળીબાર કરતો હોવાનું દેખાય છે. ગોળીઓના અવાજ વચ્‍ચે લોકોની ચીસો અને નાસભાગ પણ જોવા મળે છે. અન્‍ય વીડિયોમાં આરોપી હાથમાં પિસ્‍તોલ લઈને ફરતો અને પોતે આત્‍મરક્ષણમાં ગોળીબાર કર્યો હોવાનો દાવો કરતો દેખાય છે. જોકે પોલીસે તેની આ દલીલ સ્‍વીકારી નથી અને આત્‍મરક્ષણનો દાવો તપાસનો વિષય છે.

પોસ્‍ટમોર્ટમમાં ત્રણેય મૃતકોના શરીર ઉપર બે-બે ગોળીઓ વાગ્‍યાનું બહાર આવ્‍યું છે. પ્રાથમિક તપાસમાં ઘટનાસ્‍થળે આશરે દસ રાઉન્‍ડ ગોળીબાર થયો હોવાની શક્‍યતા તપાસકર્તાઓએ વ્‍યક્‍ત કરી છે.

માત્ર ૨૨ સેકન્‍ડમાં પાંચ ગોળીઓઃ પિસ્‍તોલમાં ફરી ગોળીઓ ભરીને હુમલો કર્યો

આજે ૩૦ ઓક્‍ટોબરે બહાર આવેલી વધુ વિગતો અનુસાર, વાયરલ વીડિયોમાં આરોપી માત્ર ૨૨ સેકન્‍ડમાં પાંચ ગોળીઓ છોડતો દેખાય છે. પહેલાં બે ગોળીઓ છોડ્‍યા પછી તે પિસ્‍તોલ ફરી ભરીને વધુ ત્રણ ગોળીઓ છોડે છે. પોલીસે આરોપી પાસેથી પિસ્‍તોલ અને ચાર ખાલી કારતૂસ કબજે કર્યાં છે.

મુખ્‍ય આરોપી સહિત છની ધરપકડઃ ત્રણ બહેનો સામે પણ હત્‍યાનો ગુનો

પોલીસે મુખ્‍ય આરોપી ઋષભ શુક્‍લાની ઘટનાસ્‍થળેથી ધરપકડ કરી હતી. આરોપી મર્ચન્‍ટ નેવીમાં નેવિગેશન ઓફિસર તરીકે કામ કરી ચૂક્‍યો હોવાનું તપાસમાં બહાર આવ્‍યું છે. તેની ત્રણ બહેનો પ્રીતિ, દિવ્‍યા અને અદિતિની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્‍યારબાદ અન્‍ય બે આરોપીઓ પકડાતાં ૨૮ ઓક્‍ટોબર સુધીમાં કુલ છ વ્‍યક્‍તિઓની ધરપકડ થઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. શિવેન્‍દ્ર તિવારીનાં પત્‍ની રુચિ તિવારીની ફરિયાદના આધારે ઋષભ ઉપરાંત તેના પિતા દિનેશ શુક્‍લા, કાકા રાજેશ શુક્‍લા, ગિરીશ શુક્‍લા અને અન્‍ય પરિવારજનો સામે હત્‍યા તથા હિસક અથડામણ સંબંધિત ગુનાઓ નોંધવામાં આવ્‍યા છે.

પોલીસની ગંભીર બેદરકારી સામે પગલાં: થાનેદાર સહિત બે અધિકારી સસ્‍પેન્‍ડ

ત્રણ હત્‍યાના બનાવ પછી અગાઉથી ચાલતા વિવાદ અંગે પોલીસની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા. લખનૌના પોલીસ કમિશનર તરુણ ગૌબાએ સાદતગંજ પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ સંતોષકુમાર આર્ય તથા કાશ્‍મીરી મહોલ્‍લા પોલીસ ચોકીના ઇન્‍ચાર્જ અજયકુમાર ચૌરસિયાને સસ્‍પેન્‍ડ કર્યા છે. તેમની સામે વિભાગીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, ઘટનાની જાણ થતાં સ્‍થળે પહોંચેલા પોલીસ કોન્‍સ્‍ટેબલ કાર્તિકસિહે નિઃશષ હોવા છતાં હથિયારધારી આરોપીને ઝડપી લીધો હતો. તેમની બહાદુરી બદલ સન્‍માન કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આરોપીના મકાન ઉપર તંત્રનું બુલડોઝરઃ સરકારી જમીન ઉપરનું દબાણ દૂર કરાયું

આ હત્‍યાકાંડના પગલે લખનૌ વિકાસ પ્રાધિકરણે આરોપીના મકાન સામે કાર્યવાહી હાથ ધરી છે. મકાનમાં મંજૂરી વગર બાંધકામ કરવામાં આવ્‍યું હોવાનો મુદ્દો સામે આવતાં પહેલાં મકાન સીલ કરાયું અને તેની કમ્‍પાઉન્‍ડ વોલ તોડી પાડવામાં આવી હતી.

૨૮ ઓક્‍ટોબરે સરકારી નઝૂલ જમીન ઉપર થયેલું દબાણ દૂર કરવામાં આવ્‍યું હતું. બાકીના બાંધકામની માપણી અને કાયદેસરતાની ચકાસણી હાથ ધરવામાં આવી છે.

પાંચ ડિસેમ્‍બરે લગ્ન થવાના હતાઃ તિવારી પરિવારમાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો

હત્‍યાકાંડનું સૌથી કરુણ પાસું એ છે કે મૃતક સુયશ તિવારીનાં આગામી ૫ ડિસેમ્‍બરે લગ્ન નિર્ધારિત હતાં. પરિવારમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. થોડા દિવસ પહેલાં જ સગાંસંબંધીઓની હાજરીમાં લગ્નપૂર્વેનો પ્રસંગ પણ ઉજવવામાં આવ્‍યો હતો.

મૃતક શિવાજી તિવારી વીજ વિભાગની શક્‍તિભવન કચેરીમાંથી નિવૃત્ત થયા હતા અને રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘમાં જવાબદારી નિભાવી ચૂક્‍યા હતા. શિવેન્‍દ્ર ઉર્ફે શંભુ લખનૌ યુનિવર્સિટી સાથે સંકળાયેલા કર્મચારી હતા, જ્‍યારે સુયશ ઇલેક્‍ટ્રિકલ અને ઇલેક્‍ટ્રોનિક્‍સના વ્‍યવસાય સાથે જોડાયેલા હતા.

આરએસએસ અને ભાજપના કાર્યકરોમાં રોષઃ કડક કાર્યવાહીની ખાતરી

ઘટનાને પગલે રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ અને ભાજપના કાર્યકરોએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે વિરોધ વ્‍યક્‍ત કર્યો હતો. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્‍યમંત્રી બ્રજેશ પાઠકે પીડિત પરિવારને ન્‍યાય અપાવવાની ખાતરી આપી છે. તેમણે આરોપીઓ સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહીની શક્‍યતા, ઝડપી ન્‍યાયિક પ્રક્રિયા અને પીડિત પરિવારને સહાય અંગે આશ્વાસન આપ્‍યું છે.

(3:09 PM IST)