<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

વિલેપાર્લેમાં કલાનો ત્રિવેણી સંગમ: 'ત્રિપર્ણ' કાર્યક્રમમાં બહેનોએ પીંછી અને કલમ દ્વારા સ્વાનુભવોની કલાત્મક પ્રસ્તુતિ કરી, કલા થકી જીવન જીવવાનો અનોખો ઉત્સાહ

નાગર ભગિની ગરબા મંડળ અને તુલિકા આર્ટ્સનું સુંદર આયોજન: સાહિત્ય, સંગીત અને ચિત્રકળાના માધ્યમથી નારીશક્તિ ખીલી ઉઠી, અંગારકી ચતુર્દશીના પાવન અવસરે ગણેશજીના જીવંત ચિત્રો કંડારાયા

મુંબઈ, તા.૦૭: મુંબઈના વિલેપાર્લે વિસ્તારમાં તાજેતરમાં નાગર ભગિની ગરબા મંડળ અને તુલિકા આર્ટ્સ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ત્રિપર્ણ કાર્યક્રમનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાહિત્ય, સંગીત અને ચિત્રકળા સાથે સંકળાયેલી મુંબઈની સર્જનાત્મક બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ એક એવો મંચ હતો જ્યાં બહેનોએ પોતાની ભીતર રહેલી કલાને વાચા આપી અને સ્વાનુભવોને કલાત્મક રીતે રજૂ કર્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન અને સુલેખા બક્ષીના સુમધુર કંઠે થયેલી સરસ્વતી વંદના અને ગણેશ સ્તુતિ સાથે થઈ હતી. આ પ્રસંગે મીના દીવેટિયા, મીનળ પટેલ, તરુ કજારિયા, ડૉ. પ્રીતિ જરીવાલા સહિતના અતિથિવિશેષો ઉપસ્થિત રહ્યા હતા. મંડળના ૫૧મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે અત્યાર સુધીની વિવિધ પ્રવૃત્તિઓનો ચિતાર પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેને ઉપસ્થિત સૌએ બિરદાવ્યો હતો.
સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં સંવેદનાની અભિવ્યક્તિ
ત્રિપર્ણમાં કુલ ૧૬ બહેનોએ સાહિત્યના વિવિધ પાસાઓ જેવા કે એકોક્તિ, ગરબા, કાવ્ય, પત્રલેખન અને વાર્તા દ્વારા પોતાની સ્વલિખિત કૃતિઓ પ્રસ્તુત કરી હતી. કેતકી મહેતાએ જણાવ્યું કે, કોઈપણ ઉંમરે કલાને સ્વીકારી શકાય છે અને આવા મંડળો જ જીવનને આનંદદાયક તેમજ સંતોષકારક બનાવે છે. આ પ્રવૃત્તિઓ માત્ર મનોરંજન નહીં પરંતુ તન અને મનને સ્વસ્થ રાખવાનું માધ્યમ પણ બની રહી છે.
પીંછીના સ્પર્શથી ખીલેલો આનંદ
તુલિકા આર્ટ્સ સેન્ટરના મિતુલ પ્રદીપે ચિત્રકળાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું. અંગારકી ચતુર્દશીનો સુમેળ હોવાથી બહેનોને ગણેશજીનું ડ્રોઈંગ કરવા પ્રેરિત કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે ઘણી બહેનોએ તો જીવનમાં પહેલીવાર હાથમાં બ્રશ પકડ્યું હતું, અને તેમના ચહેરા પરનું સ્મિત કલાના અસલી આનંદની પ્રતીતિ કરાવતું હતું. મીનળ પટેલે નારીશક્તિનું મહિમાગાન કર્યું હતું અને કવિ પ્રદીપજીની અમર પંક્તિઓ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. અંતે ધૂન અને ગરબાની જમાવટ સાથે અનેક મીઠી યાદો લઈને સૌ વિખૂટા પડ્યા હતા.

(5:16 PM IST)