News of Friday, 23rd October 2026
હરિયાણામાં વીજકર્મીઓની હડતાળથી મુશ્કેલીઃ વીજળી-પાણી માટે લોકોએ રસ્તા રોક્યા

ગુરુગ્રામઃ હરિયાણામાં વીજકર્મીઓ અને ઇજનેરોની હડતાળ વચ્ચે ગુરુગ્રામ, ફરીદાબાદ, રેવાડી અને નૂંહ સહિતના વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક વિસ્તારોમાં લગભગ ચોવીસ કલાક સુધી વીજળી નહીં મળતાં રહેવાસીઓ રસ્તા પર ઊતર્યા હતા. ગુરુગ્રામના દૌલતાબાદ ફ્લાયઓવર અને ફરીદાબાદના તિગાંવ રોડ પર અવરોધ ઊભા કરીને વીજળી તથા પાણીની સમસ્યા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
વિવાદનું કેન્દ્ર ગુરુગ્રામ અને નૂંહમાં ઇલેવન પાવર નામની ખાનગી કંપનીને આપવામાં આવેલું પચ્ચીસ વર્ષનું સમાંતર વીજવિતરણ લાઇસન્સ છે. કર્મચારી સંગઠનોએ આ નિર્ણયનો વિરોધ કરીને ૨૨થી ૨૪ ઓક્ટોબર સુધી હડતાળ જાહેર કરી છે. બીજી તરફ રાજ્ય સરકારે નિયમનકારી આયોગના નિર્ણયને અપીલ પંચ સમક્ષ પડકારવાની તૈયારી દર્શાવી છે.
વીજકાપથી પાણીના પમ્પ, ઘેરથી કામ કરતા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને અસર પહોંચી છે. ગુરુગ્રામના વહીવટીતંત્રે તાકીદની બેઠક યોજીને હોસ્પિટલો, પીવાના પાણીના પમ્પિંગ સ્ટેશનો અને અન્ય આવશ્યક સેવાઓને પ્રાથમિકતા આપવા સૂચના આપી છે. સ્થાનિક ખામીઓ ઝડપથી સુધારવા અને પુરવઠો સામાન્ય બનાવવા અધિકારીઓને જણાવાયું છે.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
