તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Tuesday, 22nd September 2026
કંપનીઓ-કર્મચારીઓ વચ્ચે નફો યોગ્ય રીતે વહેંચાય તો જ ગ્રોથ સાચો
યોગ્ય રીતે નફાની વહેંચણી એટલે ચેરિટી નથી, પરંતુ તંદુરસ્ત અને સાતત્યપૂર્ણ માર્કેટ ઈકોનોમી માટેની શરત છેઃ ચીફ ઈકોનોમિક એડવાઈઝર

નવી દિલ્હી તા.૨૨: ચીફ ઈકોનોમિક એડવાઈઝર (CEA) વી. અનંત નાગેશ્વરને કહ્યું છે કે દેશનો આર્થિક વૃદ્ધિદર ખરા અર્થમાં ત્યારે જ ફલિત થશે જ્યારે કર્મચારીઓ અને કંપનીઓ વચ્ચે નફો યોગ્ય રીતે વહેંચાશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે યોગ્ય રીતે નફાની વહેંચણી એટલે ચેરિટી નથી, પરંતુ તંદુરસ્ત અને સાતત્યપૂર્ણ માર્કેટ ઈકોનોમી માટેની શરત છે. એઆઈએમએની ઈવેન્ટમાં સંબોધન કરતા નાગેશ્વરને કહ્યું હતું કે જેઓ કામ કરે છે (વર્કર્સ-કર્મચારી) અને જેઓ નાણાંનું રોકાણ કરે છે(કંપની-કોર્પોરેટ્સ) તેમની વચ્ચે પ્રામાણિક રીતે ગ્રોથની વહેંચણી થાય ત્યારે જ ગ્રોથ દેશમાં પરિવર્તન લાવી શકે છે. તેમણે કહ્યું કે વર્કર્સ અને કંપની બન્ને આર્થિક બાર્ગેઈનના એકસમાન હિસ્સા છે. મૂડીરોકાણ કરનારને યોગ્ય વળતર મળવું જરૂરી છે અને કર્મચારીઓને તેમની મહેનતને કારણે જે નફો થયો તેનો અર્થપૂર્ણ હિસ્સો મળે તે પણ એટલું જ જરૂરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે દેશનો આર્થિક પડકાર માત્ર ઝડપી ગ્રોથ નથી, પરંતુ આ ગ્રોથ સામાન્ય નાગરિક માટે વધુ સારી નોકરીઓનું સર્જન કરે, વધુ વેતન આપી શકે અને વધુ આર્થિક સુરક્ષા આપી શકે તેનો છે. હવે ગ્રોથને ટ્રાન્સફોર્મેશનમાં પરિવર્તિત કરવાનો સમય પાકી ગયો છે. કેટલા લોકોને આ ગ્રોથનો લાભ મળે છે તેના પર ધ્યાન આપવાનો સમય પાકી ગયો છે. દરેક ઘરમાં જીવનધોરણ ખરેખર સુધર્યું કે નહીં તે ચકાસવાનો સમય આવી ગયો છે.
કોઈપણ અર્થતંત્રમાં માર્કેટ ત્યારે જ ટકી શકે જ્યારે કંપનીઓ દ્વારા તૈયાર કરાયેલી વસ્તુ અને સર્વિસ ખરીદવા માટે ગ્રાહકો પાસે પૂરતા પ્રમાણમાં ખરીદશક્તિ હોય. અને આ ગ્રાહકો એટલે કોઈ ને કોઈ કર્મચારી-વર્કર જ છે. નાગેશ્વરને કહ્યું કે કોર્પોરેટ્સને મૂડીરોકાણ પર યોગ્ય વળતર મળવું જોઈએ અને તે મેળવવાનો પ્રામાણિક માર્ગ છે અને બીજો માર્ગ પોતાના જ લક્ષ્યાંકથી દૂર લઈ જાય તેવો પણ છે...જો આપણે વેતન-પગાર ઘટાડીએ, સપ્લાયર્સને પેમેન્ટમાં મોડું કરીએ, અને તેને નફા તરીકે ગણીએ તો તે લક્ષ્યથી દૂર લઈ જાય છે. હા, જ્યાં સુધી ગ્રાહકો પાસે બચત છે ત્યાં સુધી તે કારગત નિવડશે. પરંતુ લાંબુ નહીં ટકે. પ્રામાણિક માર્ગ વાસ્તવિક ખર્ચ ઘટાડવાનો છે, અને આ પૈકી કેટલીક જવાબદારી સરકારની પણ છે. સરકારે પણ સસ્તી વીજળી આપવી પડે, પરવડે તેવી જમીન આપવી પડે, અને કમ્પ્લાયન્સનો બોજ હળવો કરવો જોઈએ જેથી બિઝનેસ કરવા માટેનો ખર્ચ ઘટે. સરકારે નોકરીઓ સર્જવા માટે આમ કરવું જોઈએ.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
